________________
૪૯૨
શ્રાવક કવિ ઋષભદાસ કૃત આગમનો ઉલ્લેખ કર્યો છે એમાં નામ એક માત્ર પન્નવણા સૂત્રનું ઉલ્લેખ્યું છે. બાકી ઉપદેશમાલા અવસૂરિ અને સંસક્ત નિર્યુક્તિનો નામોલ્લેખ છે. એ બધાના અંશોના અભ્યાસ કરતાં એ તારણ નીકળે છે કે આ રાસમાં સૌથી વધારે પ્રરૂપણા પન્નવણા અને જીવવિચાર પ્રકરણ કરતાં પણ જીવાભિગમ સૂત્ર અનુસાર થયું હોય એમ લાગે. છે. જો કે અલ્પબદુત્વ પન્નવણા અનુસાર છે, તો સિદ્ધ પંચાશિકાના ૧૫ દ્વાર દ્રવ્ય પ્રમાણ અને અંતરદ્વાર એ બે દ્વારને અનુસરીને રચવામાં આવ્યા છે. વળી ક્યાંક ભગવતી, દશવૈકાલિક, ઉત્તરાધ્યય સૂત્રના અંશોનું ચયન પણ થયું છે. આ રાસના અધ્યયનથી ભગવાન મહાવીરના પ્રરૂપિત જ્ઞાનની સૂક્ષ્મતા પ્રત્યે અહોભાવ જાગે છે. હૈયે આનંદ ઉલ્લાસ છવાય છે. જેના સિદ્ધાન્તો પ્રત્યે શ્રદ્ધા વધે છે.
આપણા સર્વજ્ઞ તીર્થકરોએ સમસ્ત જીવસૃષ્ટિના સમગ્ર જીવોને છ ભાગમાં વહેંચ્યા છે. તેમાંથી કીડા મકોડાથી મનુષ્ય સુધીના ત્રસનિકાયના જીવોના સુખદુઃખ તો આપણે જોઈ શકીએ છીએ. વનસ્પતિકાયમાં મનુષ્ય જેવા જ સુખ, સંવેદન અને આહારાદિ ૧૦ સંજ્ઞાઓ હોવાનું ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે સાબિત કરી બતાવી સર્વજ્ઞના કથનને સમર્થન આપ્યું છે. જમીનમાં ચૂનાના પત્થર આદિની. ખાણો અને સમુદ્રમાં પરવાળાના ખડકો વધતા જતા હોવાનું પણ વૈજ્ઞાનિકોએ સિદ્ધ કર્યું છે. તેમાં ચેતન્યરૂપી જીવ હોય તો જ વધે. જડ કદાપિ વધી શકે નહિ. આ ઉપરાંત પાણી, અગ્નિ, વાયુમાં જીવ હોવાની વાત વિજ્ઞાન સિદ્ધ કરી શક્યું નથી. છતાં સર્વજ્ઞ તીર્થકરોની વાતને શ્રદ્ધાપૂર્વક માનીએ તે બધા જીવોની દયા પાળવી એ જ એકમાત્ર આત્મ કલ્યાણનો અને મોક્ષનો માર્ગ છે એ સિદ્ધ કરવાનો પ્રયત્ન કવિએ કર્યો છે.
પૃથ્વીકાય આદિ પાંચે સ્થાવરમાં માત્ર જીવ જ છે એટલું નહિ પણ તે બધાને આહાર, શ્વાસ, વિકાસ, આયુષ્ય, સંજ્ઞા વગેરે વિજ્ઞાનની પકડમાં ન આવે એવા. તત્ત્વો પર અદ્ભુત પ્રકાશ પાડયો છે.
આમ, ખોબા જેવડા રાસમાં શ્રુતસાગરનો દરિયો ઘૂઘવે છે.