________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૪૨૧
ઉપસંહાર
આ પરિવર્તનશીલ વિશ્વમાં રહેલ અનંતાનંત જીવરાશિમાંથી એક જીવ અવ્યવહાર રાશિમાંથી નીકળીને વ્યવહાર રાશિમાં આવ્યો પછી ભ્રમણ કરતાં કરતાં ક્રમશઃ સ્થાવરમાંથી વિક્લેન્દ્રિય, પંચેન્દ્રિય આદિમાંથી જ્યારે મનુષ્યમાં ઋષભદાસની પર્યાયમાં આવ્યો ત્યારે એણે જિનશાસનને શબ્દોથી શણગારી દીધું. શાસન પ્રભાવક બનીને જીવનને ઉજાગર કરી દીધું. સમ્યક્ત્ત્વના પ્રકાશથી જીવનને ઉજ્જવલ બનાવી દીધું. શાસ્ત્ર સિદ્ધાંતને રોમેરોમમાં પ્રસરાવી દીધું. શ્રાવકપણાથી જીવનને દીપાવી દીધું.
એ જીવમાં દેવાંશી તત્ત્વ હતું. એના ચરણોમાં લક્ષ્મી આળોટતી હતી, તો મુખમાં સરસ્વતી રણકતી હતી. હૃદયકમળમાં ગુરૂને તો ચિત્તમાં અરિહંતોને સ્થાન આપ્યું હતું. કરકમળમાં સિદ્ધાંત સૂત્રોની રિદ્ધિ હતી તો મસ્તકમાં સૂત્રોને પ્રસ્તુત કરવાની સિદ્ધિ હતી. આગમ એમની આંખ હતી તો શબ્દો એમના પાંખ હતા. જેના વડે એ સાહિત્યાકાશમાં મુક્તપણે વિહરતા હતા.
સાહિત્યાકાશમાં વિહરતા વિહરતા અનેક કૃતિઓની રચના કરી. એમાંની એક અલૌકિક કૃતિ એટલે ‘જીવવિચાર રાસ’ એનું શીર્ષક વાંચતા જ એનું હાર્દ નજર સમક્ષ તરવરે છે. મિથ્યાત્ત્વના ગાઢ અંધકારમાં પડેલા જીવોને, હિંસામાં રત જીવોને, દુઃખી જીવોને સમકિતના પ્રકાશમાં લઈ જઈ અહિંસા તરફ વાળવા અને સુખ પ્રાપ્ત કરાવવું એ એનું હાર્દ છે.
એમની કલમનો કસબ એમાં છતો થાય છે. કલમના અક્ષર જે પ્રત પર પડે છે તે એમના જ્ઞાત કે અજ્ઞાત મનની આજ્ઞા મુજબ આગળ વધે છે. ત્યારના લોકજીવનને, શાસ્ત્રજ્ઞાનને વણતાં વણતાં એક સુંદર કૃતિ ત્યારની સંસ્કૃતિ, શ્રુતિ અને સ્મૃતિના આધારે રચાય છે. સર્જકની કૃતિનો વિકાસ થવા માંડે કે કૈંક શબ્દો વિચારો આપમેળે આવીને ગાથારૂપે કંડરાઈ જાય. તેમાંના કેટલાક વિચારો-સિદ્ધાંતો ઉજ્જવળ જીવનનું નિર્માણ કરવામાં નિમિત્ત બને એવું જ આ રાસમાં અનુભવાય છે.
આ તાત્ત્વિક રાસ નીરસ ન બની જાય એટલે એમાં વિવિધ શબ્દોનો પ્રયોગ કરીને રસાળ બનાવવાનો પ્રયત્ન થયો છે. પ્રાસ બેસાડવા જતાં ક્યાંક એકવિધતા ન જળવાઈ હોવા છતાં તત્ત્વ જેવા રૂક્ષતત્ત્વને સહજ, રસિક, સરળ બનાવી લોકમુખે જ્ઞાન રમતું રાખવાનો સબળ પુરૂષાર્થ થયો છે. લોકસાહિત્યના માધ્યમથી તત્ત્વજ્ઞાન પીરસાયું છે. એ માટે એમને પ્રેરક સામગ્રી પ્રાપ્ત થઈ તે આ પ્રમાણે છે. પ્રેરક સામગ્રી -
જે સામગ્રીએ કર્તાને ‘જીવવિચાર રાસ’ લખવા પ્રેર્યો તે મુખ્યત્વે ચાર પ્રકારમાં વહેંચાઈ જાય છે.
(૧) આગમ જ્ઞાનનો વારસો - જૈનદર્શનમાં આગમ ગ્રંથો જ મુખ્ય પ્રમાણ