________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૩૯૭ ધૂપ કરવાથી બહાર નીકળનારા જીવો સૂર્યપ્રકાશ સહન ન કરી શકતા મરણને શરણ થાય છે. કે પછી ચક્લા, કાબર, કાગડા, કૂતરા, બિલાડાનો શિકાર બની જાય છે.
વહેલી સવારે ધૂપ કરવાથી ખોરાક માટે નીકળેલા પક્ષીઓ એ જીવજંતુને ભક્ષ્ય બનાવી દે. રાત્રે ધૂપ કરવાથી દેખી શકનારા જીવો અંધારામાં ન દેખી શકવાથી ભયભીત બની જાય તેમ જ ગરોળી વગેરેના ભક્ષ્ય બનવાની સંભાવના રહે. દેખી ના શકનારા જીવો પર પણ સૂર્યપ્રકાશની વધતી ઘટતી અસર સૂક્ષ્મ કંપની દ્વારા સ્પર્શનેન્દ્રિયા વડે અનુભવી શકાય છે. માટે જીવદયાના પાલન માટે સૂર્યાસ્તનો સમય જ શ્રેષ્ઠ છે. આ ઉપરાંત દૂધ, દહીં, ઘી, તેલ કોઈપણ પ્રવાહીવાળા વાસણો ઢાંકીને જ રાખવા જેથી તેમાં જીવજંતુ પડીને મરે નહિ. ખાલી બાલ્દી, તપેલા વગેરે ઉંધા જ રાખવા જેથી તેમાં જીવો ન ભરાય કે કરોળિયા જાળાં ન બાંધે. અળશિયા સાપોલિયા વગેરે નીકળે તો એને સાવચેતીથી ઉપાડીને દૂર ઝાડીમાં કોઈનો શિકાર ન થાય એવી રીતે મૂકી આવવા. ઘરમાં પક્ષીઓ માળા ન બાંધે તેનું ધ્યાન રાખવું. માળો બાંધી દીધો હોય. અને એમાં ઈંડાં મૂકી દીધા હોય તો એને ઉડાડવા નહિ. પણ બચ્ચાનો જન્મ થઈ જાય પછી પોતાની રીતે બહાર જઈ શકે પછી જ એમને બહાર કાઢવા.
જૂના જમાનામાં પક્ષીઓના માળા માટે ઘરની બહારની દિવાલમાં બાકોરા રાખવામાં આવતા જયાં પક્ષીઓ સુરક્ષિત રીતે માળા બાંધી શકે.
ભારતીય સંસ્કૃતિમાં માત્ર ભૂખ્યા તરસ્યાને જ અન્ન આપવું એમ નહિ પણ કીડીઓને કીડીયારું, કૂતરાને રોટલો, કાગડો, કબૂતર, ચક્લા વગેરે પક્ષીઓને ચણા આપવામાં આવતું. આની પાછળ એક મહાન તથ્ય સમાયેલું હતું. બીજા જીવોને ખાઈને જીવતાં પશુ પક્ષીઓ જયારે તેમને પૂરતા પ્રમાણમાં નિર્દોષ ખોરાક અપાતો. ત્યારે તેવા મળતાં નિર્દોષ ખોરાકથી ધરાઈ જતા એટલે બીજા જીવોને ખાતા નહિ આથી બીજા જીવોના જીવની રક્ષા થતી અને એ જીવોને નહિ ખાવાથી પશુ-પક્ષીઓના જીવનમાં પણ અહિંસક સંસ્કારો પેદા થતા જેને લઈને પશુ-પક્ષીઓ અહિંસક રીતે જીવન જીવીને પોતાના જીવનને અહિંસાથી અનાયાસે પરિપ્લાવીત બનાવી દેતા.
આજે પશ્ચિમની સંસ્કૃતિના આક્રમણને કારણે સંસ્કૃતિમાં વિકૃતિ પ્રવેશી ગઈ છે તે દૂર કરીને ફરીથી આપણી મૂળ સંસ્કૃતિને જાગ્રત કરવાની જરૂર છે.
આ ઉપરાંત આપણી જીવનશેલી એવી હોવી જોઈએ જેમાં શોખ પોષવા માટે હિંસા કરીને મેળવાતા ચામડા-રેશમ-ફરના વસ્ત્રો વગેરેનો ત્યાગ કરવો જોઈએ. દવા અને પ્રસાધનો પણ અહિંસક રીતે બનેલા વાપરવા જોઈએ.
માંસાહાર તો બિલકુલ ન કરવો જોઈએ. મનુષ્યના નખ, દાંત, જડબા, જઠર એવા નથી જેવા માંસાહારી પ્રાણીઓના હોય છે. માટે માંસાહાર ન કરવો જોઈએ. વિજ્ઞાનથી અણુબોંબ જેવા સાધનો બનાવવાથી હિંસા વધી છે પરંતુ એ જ વિજ્ઞાનનો ઉપયોગ કરીને અનાજનું ઉત્પાદન વધારવાથી અનાજ સસ્તું થતાં માંસાહાર ઘટી શકે છે.