________________
૩૯૦
શ્રાવક કવિ ઋષભદાસ કૃત (૧) ચૌલ્લક = ચૂલાનું દૃષ્ટાંત - ચક્રવર્તી રાજા છ ખંડ ધરતીનો ધણી હોય છે.
તેના રાજયમાં કેટલા ચૂલા હોય? હવે કોઈને પ્રથમ ચક્રવર્તીના ચૂલે જમવાનું હોય અને પછી તેની રેયતના દરેક ચૂલે જમવાનું હોય તો ફરી ચક્રવર્તીના ચૂલે જમવાનું ક્યારે મળે? કદાચ આખા ભવ દરમ્યાન બીજીવાર ચક્રવર્તીના ઘરે જમવાનો વારો ન આવે. અરે! આખા જીવનકાળ દરમ્યાન એક રાજયના ઘરો પણ માંડ પતે એવું પણ બને. કદાચ કોઈ ઉપાય કે દેવયોગથી તે આખા એ ભરતક્ષેત્રના દરેક ઘરમાં જમી આવે તો પણ મનુષ્ય જન્મ પુનઃ પ્રાપ્ત કરવો મુશ્કેલ છે. પાશક - પાસાનું દૃષ્ટાંત - કોઈએ રમતમાં કળવાળા પાસાનો ઉપયોગ કરીને એક માણસનું બધું ઘન પડાવી લીધું હોય અને તે માણસને પાસાની રમત રમીને એ બધું ધન પાછું મેળવવું હોય તો ક્યારે મળે? કળવાળા પાસા સામે ફરી ફરીને દાવ ગુમાવવા પડે તો પણ જીતી ન શકે. કદાચ કોઈ વ્યક્તિ જીતી પણ જાય તો પણ માનવભવ સહજતાથી પ્રાપ્ત થઈ શકતો નથી. ધાન્ય - લાખો મણ ધાન્યના ઢગલામાં થોડા સરસવના (રાઈના) દાણા ભેળવ્યા હોય અને તે પાછા મેળવવા એક ઘરડી ડોશીને બેસાડી હોય, તો તે દાણા પાછા ક્યારે મેળવી શકે? એમ મનુષ્યભવ મેળવવો દુષ્કર છે. ઘુત- જુગાર - એક રાજમહેલમાં ૧૦૦૮ સ્તંભ હોય અને તે દરેક સ્તંભને ૧૮ હાંસો હોય. તે દરેક હાંસને જુગારમાં જીતવાથી જ રાજય મળે તેમ હોય તો એ રાજય ક્યારે મળે? જેમ આ દુર્લભ છે તેમ મનુષ્ય જન્મ મળવો પણ દુર્લભ છે. રત્ન - સાગરમાં સફર કરતાં પોતાની પાસે રહેલાં રત્નો સાગરમાં પડી જાય પછી પાછા એ સાગરમાંથી રત્નો મેળવવા જેમ મુશ્કેલ છે એમ માનવભવ મેળવવો મુશ્કેલ છે. સ્વપ્નનું દષ્ટાંત - કોઈ ભાગ્યશાળીને રાજ્યની પ્રાપ્તિ કરાવે એવું શુભ સ્વપ્ના આવ્યું હોય અને તેના ફળરૂપે રાજયની પ્રાપ્તિ થાય. એવું સ્વપ્ન લાવવાનો બીજો માણસ પ્રયત્ન કરે તો શું એવું સ્વપ્ન આવી શકે! જેમ એવું સ્વપ્ના અસંભવ છે. એમ માનવ અવતાર પણ અસંભવ છે. ચક્રનું દષ્ટાંત - સ્તંભના મથાળે ૮ ચક્ર અને આઠ પ્રતિચક્ર ફરતાં હોય, તેના ઉપર એક પૂતળી ચક્કર ફરતી હોય, તેનું નામ રાધા સ્તંભ. તેની નીચે. તેલની કડાઈ ઊકળતી હોય, સ્તંભની મધ્યમાં ત્રાજવું હોય અને તે ત્રાજવામાં ઊભા રહીને નીચે પડતા પ્રતિબિંબને આધારે બાણ મારીને તેની બી આંખ વીંધવાની હોય એ કાર્યમાં અનેક લોકોમાંથી એકાદ સફળ થઈ શકે. એવી જ રીતે માનવ જન્મ મેળવવા કોઈક જ સફળ થઈ શકે.