________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૩૫૧
કહેવાય. તેનો યોનિભૂત તરીકે વ્યવહાર થાય છે. યોનિનો નાશ થયે અયોનિભૂત કહેવાય છે. બીજામાં જઘન્ય અંતર્મુહૂર્ત સુધી યોનિ સચિત હોય ઉત્કૃષ્ટ જુદી જુદી છે. જેમ કે ...
ત્રણ વર્ષ - ઘઉં, ચોખા, શાળ, યવ વગેરે.
પાંચ વર્ષ - કલોદ, માષ, તલ, મગ, મસુર, તુલસ્થ, તુવેર, વટાણા, વાલ વગેરે. સાત વર્ષ - લટ્ટાતસી, સણ, કાંગ, કોર, દુષક, કોદરા, મૂળાના બીજ, સરસવ વગેરે. (શ્રી ભગવતી સૂત્ર શ.૬ ઉ.૭) આમ જીવાજોનિનું સ્વરૂપ જાણ્યા પછી ‘ચોરાશીના ફેરા’માંથી ક્યારે છૂટાય એનો વિચાર કરવાનો છે. વિચાર પછી સમ્યક્ આચરણ દ્વારા પુરૂષાર્થ કરીને મોક્ષ પ્રાપ્ત કરવાનો છે. એ જ આના જાણપણાનું હાર્દ છે.
જીવવિચાર રાસમાં ઉદ્ભવતો પુનર્જન્મનો સિદ્ધાંત
જૈનદર્શન આત્મવાદી, કર્મવાદી તેમ જ પુનર્જન્મવાદી દર્શન છે. જૈનદર્શન અનુસાર આ લોકમાં રહેલા સર્વ સંસારી જીવ પોતે દરેક સ્વતંત્ર આત્મા છે. કર્મોથી બંધાયેલા છે અને કર્મ પુનર્જન્મનું મૂળ કારણ છે. તત્ત્વ મીમાંસાની દૃષ્ટિથી આત્માનું અસ્તિત્ત્વ અનાદિકાલીન, સ્વતંત્ર છે, વાસ્તવિક છે અને એક દ્રવ્યના રૂપમાં છે. આત્મા કે જીવ અસ્તિકાય છે. પ્રત્યેક આત્મા અસંખ્ય ‘પ્રદેશનો પિંડ છે. એ અસંખ્ય પ્રદેશ ક્યારેય છૂટા પડતા નથી, ખંડિત થતા નથી, હંમેશા એક સંઘાતના રૂપમાં જ રહે છે.
એમાંના પ્રત્યેક આત્મ પ્રદેશની સાથે કર્મ-પુદ્ગલોનો સંયોગ હોય છે. જેના પ્રભાવથી આત્મા એક જન્મથી બીજા જન્મમાં કે એક ભવમાંથી બીજા ભવમાં ગમનાગમન કરે છે. કર્મ જડ હોવા છતાં આત્મા સાથે બંધાઈને આત્માને પ્રભાવિત કરે છે. કર્મને “ચૈતસિક ભૌતિક બળ” (Psycho-physical force) ના રૂપમાં માની શકીએ છીએ. એ જ બળ આત્માને પુનર્જન્મ માટે વિવશ કરે છે.
અનાદિકાળથી પ્રત્યેક સંસારી જીવ જન્મમૃત્યુની શૃંખલામાંથી પસાર થવા છતાં પોતાનું અસ્તિત્ત્વ યથાતથ્ય બનાવી રાખે છે. એ જ છે જૈનદર્શનનો આત્મવાદ અને પુનર્જન્મવાદનો સિદ્ધાન્ત છે.
જૈન આગમોમાં આત્માની શાશ્વતતા અંગે સ્પષ્ટ વિધાન મળે છે. જેન દૃષ્ટિએ આત્મા નિત્ય છે અને દેહથી ભિન્ન છે. આત્મા પોતાના સ્વરૂપથી નિત્ય હોવા સાથે જુદી જુદી પર્યાય મનુષ્ય, તિર્યંચ આદિથી અનિત્ય પણ છે. એટલે પોતે નિત્ય હોવા છતાં મનુષ્ય, ૫, દેવ, પશુ, નારક આદિ પર્યાયો પ્રાપ્ત કર્યા કરે છે. એ પર્યાયો નાશ થવા છતાં આત્માનો નાશ થતો નથી. મનુષ્યપણાનો નાશ થાય અને દેવ રૂપે ઉત્પન્ન થાય છતાં બન્ને અવસ્થામાં આત્મા તો કાયમ જ રહે છે.
આ પર્યાયો એને પોતે બાંધેલા કર્મો અનુસાર મળે છે. આત્મા રાગદ્વેષને કારણે કર્મનો બંધ કર્યા કરે છે. સિદ્ધ સિવાયના દરેક સંસારી જીવો કર્મબંધ કર્યા કરે છે.