________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૨૭
લુપ્ત થતું ચાલ્યું. ત્યારે મહાન શ્રુત પારગામી દેવર્દ્રિગણિ ક્ષમાશ્રમણે વિદ્વાન શ્રમણોનું એક સંમેલન બોલાવ્યું અને સ્મૃતિદોષથી લુપ્ત થતા આગમજ્ઞાનને સુરક્ષિત રાખવા સંઘ એકત્રિત કરી વલ્લભીપૂરમાં વાચના કરીને આગમને વ્યવસ્થિત કર્યા. વીતરાગવાણી અંતરંગમાં સ્મૃતિરૂપે હતી તેને સર્વ સંમતિથી લિપિબદ્ધ કરી. આમ ગણધર ભગવંત શ્રી સુધર્માસ્વામીથી શ્રી દેવર્દ્રિગણિ ક્ષમાશ્રમણ સુધી અખંડ ચાલેલી શ્રુત કંઠસ્થીકરણની પરંપરા કાળના પ્રભાવે કાંઈક ક્ષીણ થતાં, પૂજ્યપાદ દેવર્દ્રિગણિ ક્ષમાશ્રમણજીએ આગમાદિ શ્રુતને ગ્રંથારૂઢ કર્યું. આગમોના ઉચ્ચારને અક્ષરનો અવતાર આપ્યો. એમણે આપણા પર ઉપકાર કરી સંસ્કૃતિ, દર્શન, ધર્મ તથા આત્મવિજ્ઞાનની પ્રાચીનતમ જ્ઞાનધારાને પ્રવાહિત રાખી.
શરૂઆતમાં હસ્તપ્રતોના સ્વરૂપમાં આગમો લિપિબદ્ધ થયા. લિપિબદ્ધ થયા પછી આગમોનું મૂળ સ્વરૂપ તો સુરક્ષિત રહ્યું પરંતુ કાળદોષ, શ્રમણસંઘોના આંતરિક મતભેદ, સ્મૃતિ દુર્બલતા, પ્રમાદ, ભારતભૂમિ પર પરદેશીઓના આક્રમણને કારણે વિપુલ જ્ઞાનભંડારોનું વિધ્વંસન આદિ અનેક કારણોથી જ્ઞાનની વિપુલ સંપત્તિ, અર્થબોધની સમ્યક્ ગુરૂ પરંપરા લુપ્ત થતાં આગમોના અનેક પદ, સંદર્ભ, ગૂઢાર્થ જ્ઞાન નષ્ટ થયા.
૧૯ મી સદીમાં આગમ મુદ્રણની પરંપ! આવી અને વિદ્વત્ પ્રયાસોથી આગમોની પ્રાચીન ચૂર્ણિઓ, નિર્યુક્તિઓ, ટીકાઓ આદિ પ્રકાશમાં આવ્યા. અને એના આધાર પર આગમો સ્પષ્ટ સુગમ ભાવબોધ સરળભાષામાં પ્રકાશિત થયા. જે પરંપરા આજ સુધી ચાલુ છે.
સ્થાનકવાસી પરંપરામાં - અમોલખઋષિ, આત્મારામજી, ઘાસીલાલજી મહારાજ સાહેબ, શૈલાના, મધુકર, લીલમબાઈ મહાસતીજી, પ્રેમ જિનાગમ આદિના યોગદાન ઉલ્લેખનીય છે.
તેરાપંથી સંપ્રદાયમાં આચાર્ય તુલસી તેમજ આચાર્ય મહાપ્રજ્ઞજીના પ્રયાસો પ્રશંસનીય છે.
શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં મુનિ શ્રી પુણ્યવિજયજી, આચાર્ય શ્રી જંબુવિજયજી આદિના પ્રયાસો સ્તુત્ય છે.
આગમેતર સાહિત્ય
આગમ સિવાયના સાહિત્યને આગમેતર સાહિત્ય કહેવાય છે. આગમ સાહિત્યના ભાવ, રહસ્ય સમજવાના જ્યારે કઠિન પડવા લાગ્યા, વાંચવાનો સમય ઓછો પડવા લાગ્યો, પરંપરામાં ભૂલાવા લાગ્યા, ભણવા ભણાવવાનો પુરૂષાર્થ ઓછો થતો ગયો ત્યારે સામાન્ય મનુષ્યને એ આગમનું જ્ઞાન પીરસવા માટે એમાંનો જ એક કે અધિક વિષય લઈ એના પર અનેક પ્રકારના સાહિત્યો રચાયા જેવા કે તાત્ત્વિક - તત્ત્વાર્થસૂત્ર, કર્મગ્રંથ, કમ્મપયડી, પંચાસ્તિકાય, સમયસાર, નિયમસાર,