________________
૨૩૮
શ્રાવક કવિ ઋષભદાસ કૃત મળશે એવો ભાવ વ્યક્ત થયો છે. આ કૃતિની રચનામાં વ્યક્ત થયેલો ભાવપક્ષ તાત્વિક છે. તત્ત્વ એ જૈન દર્શનનું હાર્દ છે. જેના પ્રણેતા ભગવાન મહાવીર છે. તત્સતેનું (પદાર્થનું) સ્વરૂપ - પદાર્થોનું સ્વરૂપ જેમાં બતાવાયું છે એને તત્ત્વ કહેવાય છે.
વિશ્વના સમસ્ત ધર્મ પ્રણેતાઓમાં ભગવાન મહાવીર સ્વામીનું સ્થાન અનેક દષ્ટિએ વિશિષ્ટ પ્રકારનું છે. ભગવાન મહાવીરે જીવમાત્રના કલ્યાણ માટે સતત ચિંતા કરી છે. કરૂણાસાગર ચરમ તીર્થકરે એમના કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી કેટલુંક ઉત્તમ ચિંતન લોકમાંગલ્યની દૃષ્ટિએ પ્રરૂપ્યું છે. એમાંનું એક અત્યંત મહત્ત્વનું ચિંતન એટલે તત્ત્વવિચાર. એમાં ય જીવતત્ત્વનો વિચાર મહત્ત્વનો છે. જ્યાં સુધી કોઈપણ સાધકને જીવ અને અજીવ વિશેની સ્પષ્ટતા થશે નહિ ત્યાં સુધી પાયાનું જ્ઞાન અને પ્રાપ્ત થઈ શકશે નહિ.
આ વિશ્વમાં મુખ્યત્વે બે જ વસ્તુઓ (તત્ત્વ) છે. એક જડ અને બીજું ચેતન્ય. આ વિશ્વના સર્વ સચરાચર જીવોને દેહ તથા બીજી પુદ્ગલ પ્રધાન ઋદ્ધિઓ પ્રાપ્ત થાય છે તે જડ પદાર્થ છે તેમાં સજીવતા અર્પનાર તત્ત્વ ચેતન્ય છે. જીવને થયેલ જડ પદાર્થ વિકારવાળા, પરિણામી અને નાશવંત છે પણ ચૈતન્ય અવિકારી, અવિનાશી હોવા છતાં જડની સંગતથી અનેક આકારો, અવસ્થાઓને પ્રાપ્ત કરે છે. ચૈતન્યનું શુદ્ધ
સ્વરૂપ સિદ્ધ છે જેમાં કોઈ વિકાર નથી. આ કૃતિમાં જીવતત્વના વિચારનું નિરૂપણ થયું છે.
આ લોક (વિશ્વ)માં રહેલા અનંતાનંત જીવોના ચેતન્ય કે ઉપયોગ આદિ લક્ષણો સમાન છે પણ તેમની અવસ્થા સમાન નથી. કેટલાંક જીવો કર્મબંધનથી મુક્ત થઈ, સંસારસાગરને પાર પામી સિદ્ધ થયેલા છે. એટલે સમગ્ર જીવોના મુખ્યત્વે સિદ્ધ અને સંસારી એવા બે ભેદો પડે છે.
શાસ્ત્રકારોની પૂર્વાનુક્રમ, પચાનુક્રમ, અનંતરક્રમ, પરંપરા ક્રમ એમ જુદા જુદા આશયોથી અનેક રીતે વર્ણન કરવાની રોલી હોય છે. કોઈ વખત છંદ રચવાની સગવડ ઉપરાંત ક્રમભેદો કરવાના જુદા જુદા આશયો હોય છે. જીવે નિગોદથી નીકળીને નિર્વાણ સુધીની યાત્રા કરવાની છે. વિકાસ કરતા કરતા કેટલાક જીવ સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે. આમ વિકાસનો ક્રમ જાળવવાના આશયથી કવિએ પ્રથમ સંસારી જીવોનું વર્ણન કર્યું હોય એમ લાગે છે. અથવા સિદ્ધ અને સંસારી જીવોમાં આપણો સંપર્ક - સમાગમ સંસારી જીવો સાથે જ રહે છે અને દયાનો વિષય તે જ બની શકે, તેથી કવિએ પ્રથમ વર્ણન સંસારી જીવોનું કર્યું છે.
સંસારી સંતરાં સંસાર” જેમાં એક ગતિમાંથી બીજી ગતિમાં સરી જવાનું કામ નિરંતર ચાલી રહ્યું છે તે સંસાર કહેવાય. આવા સંસારમાં રહેલા જીવો તે સંસારી.
સંસારી જીવોના અવસ્થા વિશેષથી બે ભેદ પડે છે ત્રસ અને સ્થાવર. કેટલાંક