________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૨૨૯ શાસ્ત્રકારોએ અપેક્ષાવિશેષથી ચેતનાના ત્રણ પ્રકારો પણ માનેલા છે જેમ કે - જ્ઞાન ચેતના, કર્મ ચેતના અને કર્મફલ ચેતના. ૧) જ્ઞાન ચેતના - ઘટ - પટાદિ વસ્તુના જ્ઞાનરૂપે ચેતનાનો પરિણામ થવો તે જ્ઞાનચેતના છે. ૨) કર્મ ચેતના - સમયે સમયે પદ્ગલિક કર્મના નિમિત્તથી ક્રોધાદિ પરિણામ થવો તે કર્મચેતના છે. ૩) કર્મફલ ચેતના - કર્મફલના સુખદુઃખરૂપે ચેતનાનો જે પરિણામ થવો તે કર્મફલચેતના
છે.
- આ ત્રણેય પ્રકારની ચેતના સર્વ (સંસારી) જીવોમાં હોય છે. ૧૦) શ્રી આનંદઘનજી મહારાજે “શ્રી વાસુપૂજ્ય જિનસ્તવન’માં ચેતનાના આ પ્રકારોની નિમ્ન શબ્દો વડે નોંધ લીધી છે -
“નિરાકાર અભેદ સંગ્રાહક, ભેદ ગ્રાહક સાકારો રે, દર્શન જ્ઞાન દુભેટે ચેતના, વસ્તુગ્રહણ વ્યાપારો રે. કર્તા પરિણામી પરિણામો, કર્મ જે જીવે કરીએ રે, એક અનેક ફળ નયવાદે, નિયતે નર અનુસરીએ રે. દુઃખ - સુખરૂપ કર્મફલ જાણો, નિશ્ચય એક આનંદો રે,
ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદો રે.” ૧૧) શ્રીમદ્ભી જીવનસિદ્ધિમાં (પૃષ્ઠ ૩૩૭) આત્મસિદ્ધિ શાસ્ત્રના આત્માના છ પદ આ પ્રમાણે દર્શાવ્યા છે.
‘આત્મા છે, તે નિત્ય છે, છે કર્તા નિજ કર્મ,
છે ભોક્તા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ.’ આધ્યાત્મિક વિકાસની સંપૂર્ણતા સાધવામાં જે પક્ષોના આગ્રહો એક યા બીજી રીતે બાધક થયા છે તેનું નિરાકરણ આ ગાથા દ્વારા થયું છે જેમ કે ૧) આત્મા જેવું કોઈ તત્ત્વ જ નથી તે અનાત્મવાદ આત્મા છે. ૨) આત્મતત્ત્વ છે પણ નિત્ય નથી - વિનાશી છે - ક્ષણિકાત્મવાદ તે નિત્ય છે. ૩) તે ફૂટસ્થ નિત્ય હોવાથી કાંઈ કરતો નથી તે - અકર્તુત્વવાદ કર્તા છે. ૪) તે કાંઈક કરે છે પણ ભોક્તા નથી - અભોક્તત્વવાદ ભોક્તા છે. ૫) કર્તા - ભોક્તા હોવાથી મોક્ષ પામતો નથી તે - અનિર્વાણવાદ મોક્ષ છે. ૬) સ્વભાવથી મોક્ષ પામે પણ તેને મેળવવાનો કોઇ ઉપાય નથી તે અનુપાયવાદ મોક્ષનો ઉપાય છે.
આ છમાંથી એકે આગ્રહ બંધાઈ જાય તો આધ્યાત્મિક વિકાસ અટકી જાય.
આમ આગમસૂત્રોને અનુસરીને જ જેનદર્શનના ગ્રંથોમાં આત્માનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે.