________________
૧૮
માટે તેમણે અનેક પુસ્તકાલયોની મુલાકાત લઈ અનેક પુસ્તકોનું અધ્યયન કર્યું. તેઓ પોતે તત્ત્વજ્ઞાનના અભ્યાસી હોવાથી જીવ વિચાર રાસના ગહન વિષયનું મૂલ્યાંકન તેમણે મનનીય અને ચિંતનીય ભૂમિકામાં કર્યું છે. આવા વિચાર એ એક કઠિન અને જટિલ વિષય છે. જેને શ્રાવક કવિએ રાસના રૂપમાં રજુ કર્યો તેનું પાર્વતીબહેને સરળ અર્વાચીન ગુજરાતી ભાષામાં સંશોધન, અવલોકન રજુ કર્યું છે. ૪૦૦ વર્ષ પૂર્વે થઈ ગયેલા શ્રાવકકવિ ઋષભદાસના જીવનની માહિતી એકઠી કરવા તેઓ જાતે કવિના વતન ખંભાત ગયા, ખંભાતમાં ઋષભદાસના પ્રાચીન ઘરની (જે આજે પણ છે), તેમાં રહેતા લોકોની મુલાકાત લઈ તેનો ઈતિહાસ તેની તસ્વીરો તથા કવિ ઋષભદાસની ધર્મપ્રિયતા અને રહેણીકરણી, ગર્ભશ્રીમંતાઈનો સ્પષ્ટ ખ્યાલ આપ્યો છે. આત્માનું દર્શન એ દરેક ધર્મનો પાયો છે. પાર્વતીબહેને અન્યધર્મમાં આત્મા અને જેન ધર્મમાં આત્માની પરિભાષા તથા તેનો તુલનાત્મક અભ્યાસ કરી વિષયની ગહનતાની પ્રતિતી કરાવી છે. આ ગ્રંથનો મુખ્ય વિષય આત્મા જીવમાં પાર્વતીબહેનની કલમે ઊંડું તલસ્પર્શી તત્ત્વનું દર્શન કરાવ્યું છે. સાથે સાથે સાહિત્યની દષ્ટિએ તેમણે કરેલ જીવવિચાર રાસનું મૂલ્યાંકન તેમની સાહિત્યિક સુઝબુઝનું પરિણામ છે.
પાર્વતીબહેનના સંશોધનકાર્યમાં સતત તેમની પડખે રહેતા નેણસીભાઈ ભલે ક્ષરદેહે આજે નથી પણ આ મહાનિબંધના શબ્દ શબ્દ, અક્ષરે અક્ષરે તેઓ હાજરાહજુર છે. અમર છે. આ મહાનિબંધ એકલા પાર્વતીબહેનનો નથી પણ દંપતિ પાર્વતીબહેન નેણસીભાઈ ખીરાણીનો છે.
જેને ગુજરાતી સાહિત્યમાં આ ગ્રંથ એક નોંધપાત્ર ગ્રંથ બની રહેશે અને સાહિત્ય તથા તત્ત્વજ્ઞાનના અભ્યાસીઓ તેને હૃદય મનથી આવકારશે. આ પ્રકારના અનેક મહાનિબંધો તૈયાર કરવા માટે જ્ઞાનભંડારોમાં લાખો હસ્તપ્રતો રાહ જોઈ રહી છે. પાર્વતીબહેનની આ કૃતિના પ્રકાશન પરથી અનેક જણ પ્રેરણા પામી આ કાર્યમાં આગળ વધે. ફરી એકવાર પાર્વતીબહેનને મારા હૃદયના આશિર્વાદ સાથે વિરમું ....
ડૉ. કલાબહેન શાહઃ ૧૫/૬/૨૦૧૨