________________
૨૦૨
શ્રાવક કવિ ઋષભદાસ કૃત ચૈતન્યયુક્ત છે. જે ત્રણે કાળમાં હોય છે. આત્મા કર્તા નથી તેમજ ભોક્તા પણ નથી અર્થાત્ આત્મા કોઈ ક્રિયા કરતો નથી એક આત્મા બ્રહ્માંડમાત્રમાં વ્યપીને રહ્યો છે અને તેના અનેક અંશો છે જે જીવરૂપે ઓળખાય છે.
પરંતુ અસાધારણ તર્કપટુતા ધરાવતા શંકરાચાર્યના મતે જીવ અને બ્રહ્મ બે નથી અર્થાત્ એક જ છે. આ તેમનો અદ્વૈતવાદ છે. તેમાં પ્રકૃતિને મૂળ કારણ ન માનતાં બ્રહ્મને માનેલ છે. શંકરાચાર્યના ગુરૂના ગુરૂ ગૌડપાદ આચાર્યના મત પ્રમાણે આત્માની ચાર અવસ્થાઓ છે. આત્મા નિત્ય પદાર્થ છે. વિવિધ ભાવોની કલ્પના થઈને પ્રપંચોનો જે ઉદય થાય છે તેનું મૂળ કારણ માયા છે. પણ આત્મામાં સુખદુઃખની ભાવના કરવી અસંગત છે કારણ કે આત્મા સ્વતઃ અસંગત છે.
એક જ ઈન્દ્ર માયાના પ્રભાવથી અનેક સ્વરૂપો પ્રગટ કરે છે. બ્રહ્મની માયા જ પ્રકૃતિ છે. અને એ માયાવી શક્તિથી જ માયિક જગતની રચના કરે છે. આ લીલાને અજ્ઞાની માણસો સત્ય માને છે પરંતુ જ્ઞાની માણસો મિથ્યા માને છે.
આવિર્ભાવ અને તિરોભાવ બ્રહ્મની શક્તિ છે. જગત અને જીવની ઉત્પત્તિમાં સદ્ અંશથી જગત ઉત્પન્ન થયું છે. તેમાં ચિત્ અને આનંદ અંશનો તિરોભાવ થયો છે. જ્યારે જીવનો પ્રાદુર્ભાવ થાય ત્યારે સત્, ચિત્ અને આનંદના અંશનો આવિર્ભાવ થાય અને બ્રહ્માના ગુણો (યશ, શ્રી, ધૈર્ય આદિ)નો તિરોભાવ થાય.
વેદાંત દર્શને ઈશ્વરને જ નિમિત્ત કારણ અને તેને જ ઉપાદાન કારણ માનીને તેને સ્વતંત્ર માન્યો છે. બ્રહ્મ અણુથી અણુ અને મોટાથી મોટો છે. તે નિરાકાર છે તેથી નિર્ગુણ છે છતાં ઇચ્છાથી જુદા જુદા અનેક આકારોને ગ્રહણ કરે છે અને તે સર્વ ધર્મોને ધારણ કરનાર પણ છે માટે સગુણ પણ છે.
એમના ગ્રંથ ‘ઉપનિષદ’ અનુસાર આત્મા એક જ છે ઉપાધિવશ તેના જીવ અને ઈશ્વર એવા બે ભેદ પડે છે. જીવ કર્મનો ભોક્તા અને વિવિધ યોનિમાં જન્મનાર છે. કમલપત્ર પર રહેલા જલબિંદુની જેમ તે પંચભૂતાત્મક શરીરમાં રહે છે. સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ એમ તેના ત્રણ શરીરો છે. તે જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ એમ ત્રણ અવસ્થાઓ અનુભવે છે. તુરિય ચોથી અવસ્થામાં તે મુક્ત થાય છે.
આત્મા શરીરથી વિલક્ષણ, મનથી ભિન્ન, વિભુ - વ્યાપક અને અપરિણામી છે. તે વાણી દ્વારા અગમ્ય છે. એનું વિસ્તૃત સ્વરૂપ નેતિ - નેતિ દ્વારા બતાવાયું છે. તે સ્થૂળ નથી, અણુ નથી, ક્ષુદ્ર નથી, વિશાળ નથી, અરૂણ નથી, દ્રવ્ય નથી, છાયા નથી, તમઃ નથી, તેજ નથી, વાયુ નથી, આકાશ નથી, સંગ નથી, રસ નથી, ગંધ નથી, નેત્ર નથી, કર્ણ નથી, મુખ નથી, વાણી નથી, મન નથી, પ્રાણ નથી, અંદર નથી, બહાર નથી. આ તેમનો નેતિવાદ છે એને અજ્ઞેયવાદ પણ કહે છે. જે જ્ઞેય (જણાતો) નથી તે અજ્ઞેય છે. ઉપનિષદના પ્રસિદ્ધ સૂત્ર ‘બૃહદારણ્યક’માં બ્રહ્મની જેમ આત્માનું સ્વરૂપ પણ નેતિવાદની ભાષામાં બતાવ્યું છે. ‘ન તિ’ ‘ન તિ’