________________
૧૬
શબ્દો લખ્યા છે એનું અહીં આપણે આચમન કરીએ.
આમ આ તુલનાત્મક અધ્યયન દ્વારા પ્રતીતિ થાય છે કે શ્રાવક કવિ ઋષભદાસજી જૈન શ્વેતાંબર મતના તપાગચ્છીય શ્રાવક અનુયાયી હોવાને કારણે એમણે જૈનદર્શનના મુખ્ય મુખ્ય આગમ શાસ્ત્રોનો આધાર લઈને આ રાસની રચના કરી છે. એમણે એમના કાવ્યમાં શ્રી શાંતિસૂરી રચિત ‘જીવવિચાર’નો નિર્દેશ કર્યો છે તેમ જ બીજા કેટલાક આગમોનો ઉલ્લેખ કર્યો છે એમાં નામ માત્ર એક પન્નવણા સૂત્રનું ઉલ્લેખ્યું છે. બાકી ઉપદેશમાળા અવસૂરિ અને સંસક્ત નિર્યુક્તિનો નામોલ્લેખ છે. એ બધાના અંશોનો અભ્યાસ કરતાં એ તારણ નીકળે છે કે આ રાસમાં સૌથી વધારે પ્રરૂપણા પન્નવણા અને જીવવિચાર પ્રકરણ કરતા પણ જીવાભિગમ સૂત્ર અનુસાર થયું હોય તેમ લાગે છે. જો કે અલ્પબહુત્વ પન્નવણા અનુસાર છે. તો સિદ્ધ પંચાશિકાના ૧૫ દ્વાર દ્રવ્યપ્રમાણ અને અંતરદ્વાર એ બે દ્વારને અનુસરીને રચવામાં આવ્યા છે. વળી ક્યાંક ભગવતી, દશવૈકાલિક ઉત્તરાધ્યયન સૂત્રના અંશોનું ચયન પણ થયું છે. આ રાસના અધ્યયનથી ભગવાન મહાવીરના પ્રરૂપિત જ્ઞાનની સૂક્ષ્મતા પ્રત્યે અહોભાવ જાગે છે.હૈયે આનંદ ઉલ્લાસ છવાય છે. જૈન સિદ્ધાંતો પ્રત્યે શ્રદ્ધા વધે છે. સર્વજ્ઞ, તીર્થંકરોની વાતને શ્રદ્ધાપૂર્વક માનીએ તો બધા જીવોની દયા પાળવી એ જ એક માત્ર આત્મકલ્યાણનો અને મોક્ષનો માર્ગ છે. એ સિદ્ધ કરવાનો પ્રયાસ કવિએ કર્યો છે. આમ ખોબા જેવડા રાસમાં શ્રુતસાગરનો દરિયો ઘૂઘવે છે.
આ શોધ પ્રબંધ વાંચી, અધ્યયન કરી વિદૂષી લેખિકા બહેનને આપણે ઉમળકાભેર કહીએ કે બેન આ અધ્યયન ગ્રંથમાં તમે જીવતત્ત્વનો મહાસાગર ભર્યો છે. આત્માના ઉર્ધ્વગમનની દિશા દર્શાવી છે. અમારા હૈયે પણ આનંદ ઉલ્લાસ છવાય છે. જૈન સિદ્ધાંતો પ્રત્યે શ્રદ્ધા વધે છે. અને આવા અધ્યયનશીલ અનેક ગ્રંથો આપી પ્રાચીન ગ્રંથ લિપિના ગ્રંથો ઉકેલી શ્રુતભક્તિ કરશો એવી શ્રદ્ધાનું તમારામાં અમે એક અધિકારથી આરોપણ કરીએ છીએ.
મા શારદા પ્રસન્ન હો...
ડૉ. ધનવંત શાહ,
drdtshah@hotmail.com