________________
૧૯૮
શ્રાવક કવિ ઋષભદાસ કૃત
ઇંદ્રિય નથી જાણી શકતી તો પછી મેં સાંભળ્યું, મેં જોયું આ પ્રકારનું સંકલન જ્ઞાન જેને થાય છે તે જ્ઞાતા જ ચેતન આત્મા છે. અચેતન શરીરને જ્ઞાન ન થાય માટે શરીર અને આત્મા ભિન્ન છે.
આમ ચાર્વાક નાસ્તિક દર્શન છે જ્યારે જૈનદર્શન આસ્તિક છે. તે પુનર્જન્મ, પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક, મોક્ષ વગેરેને માને છે. ચાર્વાકનો આત્મા નાશવંત છે માટે આ બધુ ન સંભવે.
બૌદ્ધ દર્શન
જૈન ધર્મના પ્રરૂપક મહાવીર સ્વામી અને બૌદ્ધ દર્શનના પ્રરૂપક ગૌતમ બુદ્ધ સમકાલીન હતા. બંનેના દર્શનમાં કેટલીક સામ્યતા હોવા છતાં કેટલીક અસમાનતાઓ પણ રહેલી છે.
બૌદ્ધ દર્શનનું મુખ્ય લક્ષણ ક્ષણિકવાદ તેમ જ શૂન્યવાદ છે. તેમાં આત્માના અસ્તિત્વને વસ્તુસત્ય નહિ પણ કાલ્પનિક સંજ્ઞા માત્ર કહેવાય છે. તેથી તે અનાત્મવાદી છે.
ક્ષણે ક્ષણે નષ્ટ અને ઉત્પન્ન થવાવાળા વિજ્ઞાન (ચેતના) અને રૂપ (ભૌતિક તત્ત્વ કાયા) નો સંઘાત સંસાર યાત્રા પૂરતો છે. એનાથી પર કોઈ નિત્ય આત્મા નથી. પાંચ સ્કંધો રૂપ, વેદના, વિજ્ઞાન, સંજ્ઞા અને સંસ્કાર ક્ષણયોગી (ક્ષણિક) છે. તથા ચાર ધાતુ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ આ ચાર ધાતુઓથી શરીર બને છે.
શૂન્યવાદ : બુદ્ધ અનાત્મવાદી છે. વિદ્યમાન પારમાર્થિક સત્તા (આત્મા) અવર્ણનીય હોવાથી તેમણે તેને શૂન્ય કહ્યો છે. આત્માનાં વિષયમાં સ્પષ્ટતા કરવાને બદલે તેઓ મૌન ધારણ કરે છે. કારણ કે તેઓ કહે છે કે ‘“જો હું કહું કે આત્મા છે તો લોકો શાશ્વતવાદી બની જાત, અને જો એમ કહું કે આત્મા નથી તો લોકો ઉચ્છેદવાદી થઈ જાત એટલે એ બંનેનું નિરાકરણ કરવા માટે હું મૌન રહું છું.’’ એમના મતે સંસાર શૂન્યમય છે. સ્વપ્ન જગતની જેમ જ્ઞાન, જ્ઞાતા, જ્ઞેય બધું અસત્ય છે.
બુદ્ધે આત્મા શું છે ? ક્યાંથી આવ્યો? અને ક્યાં જશે? આ પ્રશ્નોને અવ્યાકૃત કહીને દુઃખ અને દુઃખનિરોધ આ બે તત્ત્વોનો જ મુખ્યતાથી ઉપદેશ આપ્યો છે.
બુદ્ધે કહ્યું છે કે તીરથી ઘવાયેલા પુરૂષના જખમને ભરવાની વાત વિચારવી જોઈએ. તીર ક્યાંથી આવ્યું ? કોણે માર્યું ? આદિ પ્રશ્નો કરવા વ્યર્થ છે.
બુદ્ધ અનાત્મવાદી હોવા છતાં પણ કર્મ પુનર્જન્મ અને મોક્ષનો સ્વીકાર કરે છે. ક્ષણિકવાદ : બુદ્ધના મતે બધી વસ્તુઓ પરિવર્તનશીલ અને નાશવંત છે. કોઈ પણ વસ્તુ કારણથી ઉત્પન્ન થાય છે. એટલા માટે કારણના નાશ થવાથી એ વસ્તુનો નાશ થાય છે. જેની આદિ છે તેનો અંત છે. જેનો સંયોગ છે તેનો વિયોગ છે, જન્મ છે ત્યાં મરણ છે. બુદ્ધના અનુયાયીઓએ આ અનિત્યવાદને ક્ષણિકવાદનું રૂપ આપેલ છે કારણ કે તેઓ માને છે કે કોઈ પણ વસ્તુની અવસ્થા એક ક્ષણ માટે જ હોય છે