________________
૧૯૪
શ્રાવક કવિ ઋષભદાસ કૃત બ) આત્માના આશ્રિતપણાથી જ દુઃખ - સુખ આદિ પોતે પોતાના શરીરમાં પ્રત્યક્ષ જાણવામાં આવે છે. ક) હું કરી ચૂક્યો, હું કરું છું, હું કરીશ ઇત્યાદિ રૂપથી જે “અહં પ્રત્યય” થાય છે તે આત્મામાં જ થાય છે નહિ કે શરીરમાં. નહિતર મૃત શરીરમાં પણ થાત જે પ્રત્યક્ષ સિદ્ધ છે. ડ) સ્મૃતિ, જિજ્ઞાસા, ઇચ્છા, સંશય વગેરે પણ આત્મામાં પ્રત્યક્ષથી સિદ્ધ છે. આત્માના જ ગુણ છે. જડના નથી. તેથી પ્રત્યક્ષ પ્રમાણથી આત્મતત્ત્વનું અસ્તિત્વ છે તે સિદ્ધ થાય છે. (૨) અનુમાન પ્રમાણઃ પોતાના શરીરમાં પ્રત્યક્ષ પ્રમાણથી આત્મા પ્રતીત થાય છે તે પ્રમાણે બીજાના શરીરમાં અનુમાન પ્રમાણથી આત્મા સમજવો જોઈએ. અ) બીજાના શરીર સાત્મક (આત્માથી યુક્ત) છે. જયાં ઈષ્ટ - અનિષ્ટમાં પ્રવૃત્તિ - નિવૃત્તિ જોવામાં આવે છે તે સાત્મક હોય છે - જેમ પોતાનું શરીર. જે સાત્મક નથી તેમાં ઈષ્ટ - અનિષ્ટની પ્રવૃત્તિ પણ થતી નથી. જેમ કે ઘટ, બીજાના શરીરમાં પણ પ્રવૃત્તિ - નિવૃત્તિ દેખાય છે તેથી તે સાત્મક છે. બ) શરીર સકર્તક (કર્તાથી યુક્ત) છે! કેમ કે તે આદિવાળું અને નિયત આકારવાળું છે જેમ કે ઘટ જે સકતૃક નથી હોતા તે આદિવાળા અને નિયત આકારવાળા હોતા નથી જેમ કે મેઘ વિકાર. ક) ઇંદ્રિયોથી જ્ઞાન પ્રાપ્ત કરનાર કોઈક છે તે આત્મા છે. ડ) દેહ આદિનો ભોક્તા કોઈ અવશ્ય છે જે ભોગ્ય હોય તેનો ભોક્તા પણ હોય છે તે આત્મા છે. ઈ) દેહ આદિનો કોઈ સ્વામી છે. જેમ કે તે સંઘાતરૂપ, મૂર્તિમાન છે. જેનો કોઈ સ્વામી નથી તે સંઘાતરૂપ પણ નથી અને મૂર્તિમાન પણ ન હોય. ઇન્દ્રિયોનો વિષય પણ ન હોય, ચાક્ષુષ પણ ન હોય જેમ કે આકાશપુષ્પ, દેહાદિ સંઘાતરૂપ છે તેનો સ્વામી અવશ્ય છે તે આત્મા છે. ફ) જીવ અને દેહ અલગ છે કારણ કે બંનેના પર્યાયવાચક શબ્દો જુદા જુદા છે. જીવના પર્યાયવાચી શબ્દો - પ્રાણી, ભૂત, જીવ, સત્વ આદિ શબ્દ અલગ છે. દેહના પર્યાયવાચી શબ્દો - શરીર, વપુ, તન, કાય, ગાત્ર આદિ ભિન્ન છે માટે બંનેનો અર્થ પણ અલગ થવો જોઈએ. “આ જીવ છે તેથી હનન કરવા યોગ્ય નથી” આ વાક્ય દ્વારા દેહમાં રહેલા પ્રાણીની જ હિંસાનો નિષેધ કરવામાં આવ્યો છે. તેથી અનુમાન પ્રમાણથી આત્માનું અસ્તિત્ત્વ સિદ્ધ થાય છે.
આગમથી આત્માની સિદ્ધિ આપ્ત પુરૂષ દ્વારા પ્રણિત સંપૂર્ણ આગમ આત્માનું બોધક છે. આત્મતત્વના સમ્યક્ દર્શન, જ્ઞાન અને ચારિત્ર માટે જ આગમની પ્રવૃત્તિ છે. તો પણ આગમના