________________
૧૧૦
શ્રાવક કવિ ઋષભદાસ કૃત અમદાવાદના સુલતાન આજમખાનને તેમણે ધર્મપ્રેમી બનાવ્યો હતો. આમ એમણે ઘણા જણાને પ્રતિબોધ્યા હતા.
તેઓ પાટણથી સંઘ કઢાવી શત્રુંજયની યાત્રાએ ગયા ત્યારે ૭૨ ગામના મોટા સંઘો અને અનેક નાના સંઘો ત્યાં એકઠા થયા હતા. એમની સાથે ૧૦૦૦ ઉપરાંત સાધુઓ હતા. એમનું છેલ્લું ચાતુર્માસ ઊનામાં થયું જ્યાં સંવત ૧૬૫૨ (ઈ.સ. ૧૫૯૬) ના ભાદરવા સુદ ૧૧ ના શુભ દિવસે ઓગણોસિત્તર (૬૯) વરસની ઉંમરે તેમનો સ્વર્ગવાસ થયો હતો.
સાહિત્ય દૃષ્ટિએ વિચારતા આ રાસમાં શ્રી હીરવિજયસૂરિનું પદ્યમય સુંદર જીવનચરિત્ર છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અનિવાર્ય એવું કેટલુંક સાંપ્રદાયિક તત્ત્વ બાદ કરતાં આ રાસની કેટલીક સાહિત્ય સિદ્ધિઓ નોંધપાત્ર છે.
–
શરૂઆતમાં સરસ્વતીનું ભાવવાહક વર્ણન, પૂર્વાચાર્યોનું નામ સ્મરણ, પ્રથમ તીર્થંકર ઋષભદેવને વંદન અને ગણધર મુનિ ભગવંતોને નમન કર્યું છે. પછી પાલનપુર વર્ણનમાં કવિની નગરવર્ણન શક્તિ જોવા મળે છે. પછી શ્રી હીરવિજયસૂરિની ૪૨ પેઢીનું વર્ણન કરતા કવિએ કેટલાક સુંદર સુભાષિતો આપ્યા છે. પછી એમના જન્મ મહોત્સવનું વર્ણન પૃ. ૨૩-૨૪ ઉપર બાલહીરનું એક સુંદર શબ્દચિત્ર રજૂ કર્યું છે. માતા-પિતાના મૃત્યુ પછી એમના બહેન ભાઈ વચ્ચેના સંવાદ ‘દોહિતો સંયમ’ અને સંસાર સ્વરૂપના સંવાદ કાવ્ય નોંધપાત્ર છે. પૃ. ૩૩ પર વિધવાનું દુઃખ સચોટ રીતે આલેખ્યું છે. પૃ. ૮૧-૮૨ ઉપર અકબર બાદશાહની દેશવિદેશની સોળસો રાણીઓનું વર્ણન કવિની શૃંગારવર્ણન શક્તિનો સુંદર નમૂનો છે. ચાર પ્રકારની સ્ત્રીઓનું વર્ણન કર્યું છે. સાચા સાધુનો રાહમાં સાધુ જીવનનો ચિતાર છે. પૃ. ૧૩૪ પર શંકર ગુણી કે નિર્ગુણીનો બિરબલ હીરસૂરિ સંવાદ તર્કશાસ્ત્રના જ્ઞાનનો સુંદર નમૂનો છે.
પૃ. ૧૩૪-૧૩૭ ઉપર કવિએ જુદા જુદા ધર્માનુયાયીઓની સરખામણી કરી નિગ્રંથ (જૈન) મુનિઓની પ્રશંસા કરી છે. કાંઈક અંશે પરધર્મ અસહિષ્ણુતાનો દોષ બાદ કરતા ૨૪ કડીનો એ પ્રસ્તાવ કવિની કવિત્ત્વ શક્તિનો ઉત્તમ નમૂનો છે. બધા ધર્મ ખોટા અને અમારો જ ધર્મ સાચો એ મધ્યકાલીન સાહિત્યની અનિવાર્ય સાંપ્રદાયિકતા બાદ કરતા એ આખોય પ્રસ્તાવ કવિની કવિત્વ શક્તિની સરસ પિછાન કરાવે છે. સર્વ ધર્મ સમભાવના આ જમાનામાં જૈનેતર વાંચકોને જરૂર ખૂંચશે - અરૂચિકર લાગશે. નિસ્પૃહિ હિરવિજયસૂરિમાં અકબરના મુખે સાચો નિગ્રંથ મુનિ કેવો જોઈએ તે સુંદર રીતે બતાવ્યું છે.
અકબર મહાત્મ્યમાં કવિએ બુદ્ધિ કૌશલ્યના રમૂજી પ્રસંગોથી હાસ્યરસની ખિલવણી કરી તેના વધુ પોષણ અર્થે ખત્રણીના દૃષ્ટાંતોમાં ભયાનક અને બીભત્સ રસ તથા દૈવી અંશ આદિનો આશરો લીધો છે.