________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૧૦૭
તરફથી ઈ.સ. ૧૮૯૫ માં પ્રસિદ્ધ થયેલ છે. આ રાસનું મૂળ ૧૫મી સદીના શ્રી રત્નશેખરસૂરિ કૃત શ્રાદ્ધવિધિ અને અપભ્રંશ કૃતિ ‘ઉપદશેરસાયન રાસ’માં છે. ઋષભદાસનો હિતશિક્ષા રાસ સંસ્કૃત ગ્રંથ હિતોપદેશની યાદ આપે છે.
આ રાસમાં કવિએ સરસ્વતીનો મહિમા પણ ગૂઢ અને ઉત્તમ રીતે ગાયો છે. ત્યાર પછી આ રાસમાં નીતિશાસ્ત્ર, ચરિત્ર (તેના પ્રકારો) વૈદક શાસ્ત્ર, જ્યોતિષ, સાધુધર્મ, સ્વપ્નવિચાર, ભોજનવિધિ, સ્નાનવિધિ, લજ્જા, મૌન, કેમ બોલવું, ભોગ ભોગવવાની રીત, શુભ કરણી, ગર્ભના ભેદ, ગૃહસ્થનાં (શ્રાવકનાં) ધાર્મિક કાર્યો અને ગુણો આટલા વિષયોનું ખૂબ જ સુંદર નિરૂપણ (વિવરણ) કરવામાં આવ્યું છે.
કવિએ વર્ણવેલા ગૃહસ્થ (શ્રાવક) ના પાંત્રીસ ગુણ પ્રત્યેક માનવીને લાભદાયક બને તેવા છે. ‘શ્રાદ્ધવિધિ’ને આધારે ગૃહસ્થની ‘દિનકરણી’નું વર્ણન સાંપ્રદાયિક છાંટવાળું હોવાને કારણે અન્ય વાંચકને ઓછું આકર્ષે પણ એમાંના સુંદર સુભાષિતો વાચક માત્રને આકર્ષે તેવા છે.
ત્યાર પછી ગુણ વગરના દુષ્ટને, રોગીને, મૂરખને અને પૂર્વગ્રહવાળા મનુષ્યને ઉપદેશ નહિ આપવા વિષે અનુક્રમે ‘રાચી સુભટ’ ‘દુષ્ટ જીરણ પટેલ,’ ‘મૂરખ વિપ્ર’ અને ‘પૂર્વયુદ્ઘહિત રાજાનો અંધપુત્ર અને કુબુદ્ધિ મંત્રી’ની ચારે ક્થાઓ ઋષભદાસની ચાતુરી અને કલ્પનાશક્તિનો સુંદર ખ્યાલ આપે છે.
‘જે પુરૂષ ઉત્તમ હોય, થોડે વચને બુઝે સોય' તે જણાવવા માટે ભરત ચક્રવર્તી આદિ મહાપુરૂષોના દૃષ્ટાંત આપતાં રાયપ્રશ્નીય સૂત્રમાંથી લીધેલું કેશી સ્વામી અને પરદેશી રાજાનું દૃષ્ટાંત વિસ્તારથી આપ્યું છે. આ દૃષ્ટાંતોથી સિદ્ધ કર્યું છે કે જે ઉપદેશક ‘કહે તેવું આદરે’ તે જ તરે છે.
ત્યારપછી જાત જાતની વિધિઓ છે જેમ કે ગુરૂવંદન વિધિ, ગૃહપ્રવેશ વિધિ, દંતમંજન, તેલમર્દન, સ્નાન, જિનપૂજા વગેરે વિધિઓ જણાવી છે. આજીવિકા રળવાના ચાર પ્રકાર વિવિધ દૃષ્ટાંત દ્વારા આપ્યા છે. દાન, શીલ, તપ, ભાવ ધર્મના ચાર પ્રકાર વર્ણવ્યા છે. પાંચ પ્રકારના માતા-પિતા અને ભાઈનું વર્ણન કરીને શીલવતી નારીનું ઉચિત સાચવવા વિષે કવિએ ભાર આપીને જણાવ્યું છે. પુત્ર સાથે કેવો વ્યવહાર કરવો એ પણ વિવિધ દૃષ્ટાંતોથી દર્શાવ્યું છે. તેમ જ યોગ્ય પુત્રવધૂને ઘરનો કારોબાર સોંપવાની વાત દૃષ્ટાંતપૂર્વક કહી છે. ‘પંચાંગુલી સંવાદ’, નિંદાત્યાગ, પરદેશગમન વિધિ, ખંભાતનું હૂબહૂ વર્ણન અંતે પોતાના ગુરૂ, દાદા, પિતા, પોતાની દીનચર્યા ટૂંકમાં જણાવી ૨૨૦ પાનાનો આ રાસ પૂર્ણ કર્યો છે.
ટૂંકમાં આ કૃતિમાં ઠેર ઠેર ટૂંકી બોધકથાઓ ગૂંથીને રસમય કાવ્ય બનાવ્યું છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અનિવાર્ય એવું કેટલુંક સાંપ્રદાયિક તત્ત્વ બાદ કરતાં આ બોધકથાઓ અને તેમાં આવતાં અનેક સુંદર ભાવવાહી કાવ્યખંડોથી આ કૃતિ ખરેખર એવી દીપી ઉઠે છે કે તેને ‘ગુજરાતી હિતોપદેશ’ કહી શકાય એવી