________________
આગળ ન વધતા પાછું ફરી જાય તો સારું ! જેથી શાસનનું રખોપું કરી શકનારી શક્તિનો લાભ લાંબા ગાળા સુધી સકળ સંઘને મળતો રહી શકે ! શ્રી મેઘસૂરિજી મહારાજે વાપીથી પાછા ફરી જવાની સલાહ પણ શ્રી દાનસૂરીજી મહારાજ પર પાઠવી. ત્યારે પૂજ્ય ગુરુદેવોએ એવો જવાબ મક્કમતાપૂર્વક વાળેલો કે આપ જરાય ચિંતા-ફિકર કરશો નહીં. દેવગુરુ-ધર્મની કૃપાથી સૌ સારાં વાનાં થઈ રહેશે. | નાના મોટા અનેક અવરોધો અને અફવાઓનો સામનો કરતું કરતું એ વિહાર-વહેણ આગળ વધતાં અંધેરી સુધી આવ્યું. ત્યાં સુધીમાં તો મુંબઈનાં વાતાવરણમાં એટલી બધી અંધાધૂંધી અને અફવાઓ ફેલાઈ જવા પામી કે, પૂ. આચાર્યદેવને મુંબઈ લાવવા માટે મહેનત કરનારા સિદ્ધાંતપ્રેમી કેટલાક ગુરુભક્તોને પણ એમ લાગ્યું કે, આ ચાતુર્માસ મુંબઈ ન થતાં અંધેરી થાય, એ જ વધુ સારું ગણાય. આ વર્ષે પૂ. આચાર્યદેવ સમક્ષ હાજર થઈને આવી અરજ પણ ગુજારી, પરંતુ પૂ. આચાર્યદેવોના શિર છત્રના બળે સિહ જેવી છાતી ધરાવતા શ્રી રામવિજયજી મહારાજે અંતરનો અવાજ રજૂ કરતા જવાબ વાળ્યો કે, આટલે સુધી આવ્યા પછી પારોઠનાં પગલાં ભરવાનાં હોય ખરા ? હવે તો વધુ પરાક્રમ દાખવીને સત્યનું સમર્થન કરવામાં પાછી પાની ન જ કરાય. સજ્જડ વિરોધનો જવાબ પારોઠનાં પગલાં નહીં, પણ વધુ સચોટ રીતે સત્યનું સમર્થન જ હોઈ શકે.
અંધેરીથી મુંબઈ લાલબાગ ભૂલેશ્વર તરફની એ વિહારયાત્રા જેમ જેમ આગે બઢતી ગઈ, એમ એમ સુધારકોનો વિરોધ પણ વધતો ગયો. એ વિરોધ જ જાણે પૂજ્યોના લાલબાગ- પ્રવેશ પ્રસંગના જબરજસ્ત પ્રચારરુપ બની જતા ઠેર ઠેર યોજાતી સ્વાગતયાત્રામાં ભારે ભીડ ઉમટવા માંડી. પૂજ્યોનો લાલબાગમાં પ્રવેશ પણ અદ્ભુત સ્વાગત સાથે સંપન્ન થઈ જવા પામ્યો. કોઈ કોઈ માર્ગને કાચના કણોથી ઢાંકી દેવાનો પ્રયાસ થવા છતાં એ પ્રવેશ મંગલમય રીતે ઉજવાઈ ગયો અને વડીલ પૂજ્યોની નિશ્રામાં શ્રી રામવિજયજી મહારાજની વાધારા ખળખળ નાદે વહેવા લાગી. એથી સુધારક વર્ગ અંદરથી અકળાઈ ઊઠ્યો.