________________
સૂર્યના એ સ્વાગતને મૂળમાંથી જ ડામી દેવાની મેલી મુરાદને બર લાવવા સુધારકો માનવતા પર પણ મેખ મારતા ન શરમાયા. સ્વાગત કાજે સજ્જ રાજમાર્ગો પર કાચના કણ બિછાવીને પોતાના વિરોધી માનસને મૂંગી રીતે પ્રગટ કરવા કાળા-વાવટા ફરકાવતા એમનાં હૈયાએ હિચકિચાટ પણ ન અનુભવ્યો. આની સામે એવી ગરવી ગુરુભક્તિ પણ ગૌરવોલત ગતિએ આગળ આવ્યા વિના ન જ રહી કે, પોતાના હાથ લોહીલુહાણ થઈ જાય, એની પરવા કર્યા વિના રાજમાર્ગો પરથી કાચ કણ હઠાવી લઈને જેણે કંકુના સ્થાને જાણે રક્તબિંદુના સાથિયા રચ્યા અને ગુરુદેવોનાં એ સ્વાગતને આગે ને આગે બઢતું જ રાખ્યું. જિનાજ્ઞા સામે જેહાદ જગાવનારા એ વર્ગે પોતાનો અણગમો બુલંદ બનાવવા ગળું ફાડીને નાહકના નકલી નારા પોકાર્યા. તો ગગનના ગુંબજને ભરી દેતો ગુરુદેવોનો જયનાદ જગવનારા ગુરુભક્તોની ગર્જના વિરોધીઓના આ નારાને દાબી દઈને જ જંપી.
વિરોધના આ જાતના કાજળ કાળા વાદળાં જેમ વધુ ઘેરાતા ગયાં, એમ સત્યનો એ સૂર્ય વધુ ઝગારા મારતો પ્રકાશતો ગયો અને એના સ્વાગતમાં વધુ ને વધુ જૈન જનતા ઉમટવા માંડી. એથી હાર્યા જુગારીની અદાથી વિરોધી વર્ગે કઈ રીતે બમણા દાવ ફેંકવાના ધમપછાડા કરવા માંડ્યા, એની પ્રતીતિ પામવા વાપીથી મુંબઈ સુધીના એ વિહાર દરમિયાન બનેલી કેટલીક ઘટનાઓ પર અને તત્કાલીન વાતાવરણમાં ફેલાવાયેલી અફવાઓની આંધી પર નજર કરીશું, તો જ એ ઝંઝાવાતની કંઈક ઝાંખી પામી શકીશું.
સુરતથી આગળ વધીને વાપી તરફ પ્રસ્થિત સકલાગમરહસ્યવેદી પૂ.આ.શ્રી વિજય દાનસૂરીશ્વરજી મહારાજા, પૂ. પંન્યાસપ્રવર શ્રી પ્રેમવિજયજી મહારાજ તથા પૂ. મુનિરાજ શ્રી રામવિજયજી મહારાજ આદિનાં વિહાર વહેણને અધવચ્ચે જ અટકાવી દેવા સુધારક સમાજે એવી એવી વાતો ફેલાવીને વાતાવરણ એકદમ ડહોળી નાંખ્યું કે, જેથી અમદાવાદમાં બિરાજમાન પૂ.આ.શ્રી વિજય મેઘસૂરીશ્વરજી મહારાજાને પણ એવી ચિંતા સતાવવા માંડી કે, વિહારનું એ વહેણ મુંબઈ તરફ