________________
એ દિવસો ઝંઝાવાતના હતા. ઝંઝાવાત જાગ્યો હતો એ જેટલી આઘાતજનક વાત હતી, એથીય વધુ સખેદાશ્ચર્યની વાત તો એ હતી કે, જૈનસંઘના સભ્ય હોવાનો દાવો કરનારા કેટલાક જેનોએ જ જમાનાવાદનો એ ઝંઝાવાત જગવ્યો હતો. જૈનસંઘની ઝાકઝમાળને ઝાંખી પાડવાની મેલી મુરાદ ધરાવતાં એ ઝંઝાવાતનો ઝંડો હાથમાં ઝાલીને સુધારક જૈનનો દાવો કરનારો એક વર્ગ ત્યારે કૂદાકૂદ કરી રહ્યો હતો. ચોરાસી બંદરના વાવટા તરીકેનું સ્થાન-માન ધરાવતાં મુંબઈના માથે તો એ ઝંઝાવાત વધુ જોરશોર પૂર્વક ઝળુંભી રહ્યો હતો. એથી જૈન જગતની જેમ મુંબઈનો શ્રદ્ધાળુ જૈન સંઘ પણ એ ઝંઝાવાતને ઝબ્બે કરે, એવી કોઈ વ્યક્તિ-શક્તિની પ્રતીક્ષા કરી રહ્યો હતો.
ઝંઝાવાતનો એ કપરો કાળ એટલે જ વિ.સં. ૧૯૮૫૧૯૮૬ની સાલનો સમય ! વ્યાખ્યાન વાચસ્પતિ પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાનું નામસ્મરણ થતાંની સાથે જ આજે એક અનોખાં વ્યક્તિત્વ-કૃતિત્વના પ્રભાવથી પ્રભાવિત જૈન જગતનું જે દર્શન થવા પામે છે, એ દર્શનનો ત્યારે ઉગમકાળ હતો અને એ પૂ. મુનિરાજશ્રી રામવિજયજી મહારાજનાં નામ-કામ ત્યારે વિશિષ્ટ સ્થાનમાન પામીને સંઘને મનનીય-મહત્ત્વનું માર્ગદર્શન આપવાનું કપરું કર્તવ્ય કોઈનીય શેહ શરમમાં તણાયા વિના ખરી ખુમારી સાથે અદા કરી રહ્યા હતા, આ ખુમારીનો ખજાનો જ્યારે જ્યારે અને જ્યાં જ્યાં ખુલ્લો થતો, ત્યાં ત્યાં જમાનાવાદી સુધારકોની ભેદી ચાલ એકદમ ખુલ્લી પડી ગયા વિના ન રહેતી.
સુધારકતાનો સ્વાંગ ધરાવતાં એ કુધારકતાના કાળા પડદામાં ઊભો ને ઊભો ચીરો મૂકનારા શ્રી રામવિજયજી મહારાજે પ્રચંડ પડકાર તરીકે મુંબઈમાં પ્રવેશવાના મક્કમ મુદ્રાલેખ સાથે ગુજરાતમાંથી મુંબઈ તરફ વિહાર લંબાવ્યો, ત્યારે શ્રદ્ધાળુ સમાજે એ પગલાને કુમકુમથી અને અક્ષતથી વધાવવામાં જેમ કશી કમીના ન રાખી, એમ અશ્રદ્ધાળુ વર્ગે સત્યના એ સૂર્યની સામે ધૂળ ઉડાડવાની ધિક્કાઈ કરવામાં પણ જરાય કસર ન રાખી.