________________
વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાને મળેલી નામનાને કામના ગમે તેવા સ્થળ કાળ ક્યારેય ભૂંસી શકવા સમર્થ નીવડી નહિ શકે. કારણ કે કોઈ કથા-વાર્તાને ધર્મકથાનુયોગમાં કઈ રીતે પલટાવવી, એના સુંદર-સચોટ ઉદાહરણ રુપે એઓશ્રી આજેય યાદ આવી રહ્યા છે અને ભવિષ્યમાંય યાદ આવતા જ રહેશે.
ધર્મકથાઓમાં રામાયણની જેમ ધર્મદેશકોમાં સૂરિરામનું સ્થાનમાન કયા કારણે અનુપમ-અજોડ-અનોખું રહેતું આવ્યું હતું, એની પ્રતીતિ કરાવતું પ્રકાશન એટલે જ જૈન રામાયણ ! પ્રવચન-વિવેચનરુપે વિ.સં. ૧૯૮૫-૮૬માં પૂજ્યશ્રીના શ્રીમુખે ઉદ્ગમ પામેલી રામાયણની એ રસધારા ‘જૈનપ્રવચન' સાપ્તાહિક દ્વારા મુદ્રિત-પ્રકાશિત થયા પછી જૈન રામાયણ તરીકે ૭ ભાગમાં પુસ્તકાકારે પ્રગટ થઈ. આ પછી પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય કનકચન્દ્ર સૂરીશ્વરજી મહારાજના સંપાદન તળે જૈન રામાયણનું છ ભાગમાં પ્રકાશન થયા બાદ છેલ્લે વિ.સં. ૨૦૬૦માં પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મહારાજનાં સંપાદન પૂર્વક ક્રા. આઠ પેજી સાઈઝના ૧૦૧૧ પૃષ્ઠોના દળદાર એક જ ગ્રંથરુપે આનું પ્રકાશન થવા પામ્યું અને આજે વળી આચાર્ય શ્રી વિજય શ્રેયાંસપ્રભસૂરિજી દ્વારા સંયોજિત ૭ ભાગમાં આનું પ્રકાશન થઈ રહ્યું છે. આ પ્રકાશન અનેક રીતે આવકાર્ય અને અત્યાકર્ષક હોવાથી વધુમાં વધુ લોકપ્રિય બની રહેશે. એમ નિ:શંક કહી શકાય.
પૂર્વભૂમિકા રુપે આટલી વાતોથી માહિતગાર બન્યા બાદ હવે ટૂંકમાં એ પણ જાણી લેવાનો એક પ્રયાસ કરીએ કે, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યજી નિર્મિત ત્રિષષ્ટિશલાકા ચરિત્રને નજર સમક્ષ રાખીને જે સ્થળ કાળમાં જૈન રામાયણ પ્રાય: પહેલી જ વખત પ્રવચન-વિવેચન રુપે ગુજરાતીમાં વહેતું થયું, તત્કાલીન જૈન સંઘની પરિસ્થિતિ કેવી ઝંઝાવાતમય હતી અને રામાયણના માધ્યમે પૂ. રામવિજયજી મહારાજે આચાર્યપદ પર પ્રતિષ્ઠિત થયા પૂર્વે પણ કેવી જવાંમર્દીથી દીવાદાંડી ધરીને લાલબત્તી ફેંકવાની કપરી જવાબદારી અદા કરી હતી.