________________
નાનામોટા સામાજિક ધાર્મિક પ્રશ્નોના જે જડબાતોડ છતાં દિલને અપીલ કરી જાય એવા સચોટ સમાધાન એ સભામાં મળવા લાગ્યા, એથી વિરોધીઓને થયું કે આજ સુધી ચગાવેલો અને હવા ભરી ભરીને ફલાવેલો વિરોધનો ફુગ્ગો ફસ દઈને ફૂટી જશે, તો પછી પોતાની રહી સહી આબરુની પણ ધૂળધાણી થઈ ગયા વિના નહીં જ રહે.
વિરોધીઓને એમ લાગ્યું કે, જો લાલબાગની પાટ પરથી થતાં સણસણતાં પ્રવચનોનો પ્રવાહ વહેતો બંધ થઈ જાય, તો જ પોતાની આબરુ બચી શકે. આ માટે તોફાની તત્વો ઘૂસાડી દઈને સભા ડહોળાવવાના થતા પ્રયાસોને પણ જ્યારે સફળતા ન જ મળી, ત્યારે બીજી રીત અપનાવવાનો નિર્ણય લેવાયો. સીધા તો કંઈ આ પ્રવચનો બંધ ન કરાવાય, એટલે એ વર્ગે ગોડીજીમાં બિરાજમાન પૂજ્યોને બધી પરિસ્થિતિથી વાકેફ બનાવીને સંઘ શાંતિના નામે ગોડીજીમાં થતા પ્રવચનો બંધ રાખવામાં સંમતિ મેળવી લીધા પછી પૂજ્યશ્રીજીના થોડાક પરિચિતોના મોઢે લાલબાગમાં જઈને ગોડીજીની જેમ જ ધીમે રહીને સંઘશાંતિનો પ્રસ્તાવ રજૂ કરાવ્યો.
પૂ.આ.શ્રી દાનસૂરિજી મહારાજ સમક્ષ આ પ્રસ્તાવ રજૂ થતાં જ પૂજ્યશ્રીવતી જવાબ વાળતાં શ્રી રામવિજયજી મહારાજે શરુઆત તો શાંતિથી કરી કે, શ્રદ્ધાળુ શ્રાવક થઈને તમે પ્રવચન બંધ રાખવાનો આવો પ્રસ્તાવ લઈને આવ્યા છો ? અને એની પર પાછી અમારી સહી લેવા માંગો છો ?
સવાલનો જવાબ વાળતા વિરોધી વર્ગે જણાવ્યું કે, ગોડીજીમાં થતાં પ્રવચનો બંધ રાખવામાં સફળતા મળતાં જ અમે અહીં આવ્યા છીએ. મુંબઈમાં અત્યારે ઉકળતા ચરુ જેવું જે અશાંત વાતાવરણ ફેલાઈ રહ્યું છે, એમાં શાંતિ સ્થાપવા માટે આજ ઉપાય કારગત નીવડે એમ લાગે છે.
શ્રી રામવિજય મહારાજે શ્રાવક તરીકેના કર્તવ્યની સ્મૃતિ કરાવતાં કહ્યું કે, શ્રાવક તરીકે તમારા બધાનું કર્તવ્ય તો પ્રભુશાસનના સત્ય-સિદ્ધાંતોને વિસ્તારવામાં જાનના ભોગે પણ સહાયક બનવાનું છે. તમે સુધારકોની વાતમાં કેમ આવી ગયા ? એ વર્ગ તો સનાતન