________________
ભાગ્યે જ કોઈએ ધાર્યું હશે કે અનેકના તારણહાર થવાનું આ પુત્રના ભાગ્યલલાટમાં આલેખાયું છે. બાલ્યકાલમાં જ એમના પિતા સ્વર્ગવાસી થયા. માતાને મન એ પુત્ર એ જ જીવન હતું. સંપત્તિ હતી. માતાએ બાળકના જીવનને સંસ્કારી અને તેજસ્વી બનાવ્યું, તેમજ તે બાળકના પિતાના પિતાની માતાએ પણ બાળકના જીવનમાં પવિત્ર સંસ્કારો રેડ્યા. આવું સુયોગ્ય વાતાવરણ હોય અને એમાં પૂર્વભવના સંસ્કારોનો ઉદય થાય, એટલે નાની વયમાં પણ પરમાત્મમાર્ગ પ્રતિ ખેંચાણ સ્વાભાવિક છે. અને એથી જ આ બાળક સંસારમાં હોવા છતાં પણ એનું હૃદય કાંઈક જુદું જ શોધી રહ્યું હતું. કોણ જાણે કેમેય-હૃદયને સંસારનું વાતાવરણ શુષ્ક ભાસતું.
જૈન કુટુંબમાં બાળકોના જીવનસંસ્કાર જુદા જ હોય છે. બાલ્યકાળથી એ રાગ અને દ્વેષના વિજેતા પ્રભુને પૂજનારા અને પ્રભુપંથના પ્રવાસી નિગ્રંથ મુનિવરોની ભક્તિ કરનારા હોય છે. લાખ્ખો, કરોડો, અબજો, અરે, સામ્રાજ્યના માલિકો પણ આ પૂજન અને ભક્તિમાં જીવનું કલ્યાણ માને છે. ત્યાંથી જ જૈન બાળકના હૈયામાં એક વાત રમ્યા કરે છે કે જગત્ની વિપુલતમ સંપત્તિ રોકવા અમર્યાદિત સત્તા કરતાંય એ સંપત્તિ અને સત્તાનો ત્યાગ વધારે પૂજ્ય છે. ત્યાંથી જ એ ત્યાગભાવના એના હૈયામાં જચે છે. આજ કારણે ઘણી વાર સંસ્કારી બાળકો પોતાનાં માતાપિતાની સંમતિથી બાળવયે ત્યાગી બની, ભવિષ્યના મહાન ત્યાગી ને ઉપકારી બને છે. ઇતિહાસ ઉચ્ચારે છે કે ભૂતકાળના યશસ્વી મહાત્માઓ બાલ્યકાલથી જ વિરક્ત થઈ સંસારત્યાગી બન્યા હતા. વર્તમાનમાં ચમકતા સિતારાઓ પણ એની જ સાક્ષી પૂરે છે. અને ભવિષ્યમાં થનાર મહાપુરુષોનાં વર્ણનો પણ એ જ સનાતન સત્યના એકરારરુપ છે. આ કારણે જૈન સાહિત્યકારોએ બાળદીક્ષાની મહત્તા ઉપર ભાર મૂક્યો છે. સુયોગ્ય વાલીની છત્રછાયામાં જૈનત્વના સંસ્કાર પામેલ બાળક, પૂર્વે સંસ્કારોના મેળથી વિરક્ત બને, દીક્ષા લે, અને વૈરાગ્યવર્ધક વાતાવરણમાં સુયોગ્ય ગુરુવરની છાયામાં જ્ઞાનાદિ પામે, ત્યારે એની વિદ્વત્તા, પ્રભાવકતા, વૈરાગ્યવૃત્તિ અને સચ્ચારિત્રતા ભલભલાને શિર ઝૂકાવવા પ્રેરે એવી પ્રબલ હોય, એ તદ્ન સ્વાભાવિક છે અને આ સ્વાભાવિકતાના પૂરાવા તરીકે આ ગ્રન્થના કર્તાને પણ મૂકી શકાય.
પ્રસ્તુત ગ્રંથના રચયિતા બાલ્યકાલથી જ શાસનસેવક બનવાના, અભિલાષી બન્યા હતા. એ મહત્ત્વાકાંક્ષાને જૈનત્વના સંસ્કારોએ પોષી અને નિગ્રન્થ સદ્ગુરુઓના નિકટ પરિચયે વિકસાવી, હૃદયમાં દીક્ષા ગ્રહણ કરવાની પ્રબળ ભાવના પેદા થઈ. અને આખર એ ભાવનાની પ્રબળતાએ આચારનો