________________
વેગ પકડ્યો. વિ.સં. ૧૯૬૯માં ગ્રન્થકાર મહાત્માએ ગંધાર (ગુજરાત) મુકામે સાધુદીક્ષા ગ્રહણ કરી.
વીસમી સદીના પરમ પ્રભાવક, પાંચાલ દેશોદ્ધારક વ્યાયાસ્મોનિધિ તપોગચ્છાચાર્ય શ્રીમદ્ વિજયાનન્દસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજાના અનન્ય પાલંકાર, પરમ પ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્ વિજય કમલસૂરીશ્વર મહારાજાના પટ્ટધર, પરમગીતાર્થ આચાર્યવર્ય શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજાના પરમ વિનય સિદ્ધાન્ત મહોદધિ મહોપાધ્યાય શ્રીમદ્ પ્રેમવિજયજી ગણિવરના શિષ્ય આ મુનિશ્રી રામવિજયજીએ ત્યારથી દેહદમન દ્વારા આત્મસાધનાનો અને વિનય-શ્રમથી વિદ્યોપાર્જનનો માર્ગ ગ્રહણ કર્યો. આ મહાત્માની તીવ્ર બુદ્ધિ, વિલક્ષણ સ્મરણશક્તિ, વિનયશીલતા અને દઢચિત્તતા પૂર્વકની પઠન પ્રવૃત્તિએ સૌને આકર્ષ્યા. પૂ. પરમગુરુદેવ અને ગુરુદેવની છત્રછાયામાં આ મહાત્માએ ખૂબ ખૂબ આત્મવિકાસ અને જ્ઞાનવિકાસ સાધ્યો.
આ મહાત્માના પહેલા જ પ્રવચને શ્રોતાઓને મંત્રમુગ્ધ બનાવ્યા. એ વિવેચના અને એ પ્રભાવકતાએ ભાવિનો ખ્યાલ આપ્યો. ઉજ્વલ ભાવિ ડોકિયા કરી રહ્યું. ધીરે ધીરે એ શક્તિએ વિકાસ સાધ્યો. અમદાવાદમાં આ મહાત્માની વિશેષતઃ પીછાન થઈ, આજે અમદાવાદમાં તેમજ બીજા અનેક શહેરો અને ગામડાઓમાં સેંકડો સ્ત્રીપુરુષો આ મહાત્માનાં પુણ્ય પ્રવચનોનાં પ્રતાપે જીવનસુધાર કરી રહ્યાં છે.
અમદાવાદના ત્રણ ચાતુર્માસ પછી ખંભાત અને સુરતનાં ચાતુર્માસ થયાં. ત્યાંથી મુંબઈમાં વસતાં સેંકડો જૈનોના નિમંત્રણથી તેઓશ્રી વિ.સં. ૧૯૮૬માં મુંબઈ પધાર્યા. રોજ સવારે થતાં આ મહાત્માનાં પ્રવચનોમાં હજારો સ્ત્રી પુરુષોની હાજરી રહેવા લાગી. બહારગામના રહીશો પણ આ પુણ્ય પ્રવચનોનો લાભ લઈ શકે, એ ઈચ્છાથી કેટલાક ભક્તોએ આ મહાત્માના પુણ્ય પ્રવચનો રિપોર્ટર પાસે લખાવી છપાવવા માંડ્યા. અને એ સાપ્તાહિક ‘જૈન પ્રવચન' આજે પણ સેંકડો વાંચકોના આત્મિક આહારરુપ બની ગયું છે. રવિવારના પ્રભાતે સેંકડો નેત્રો એની આતુરતાપૂર્વક રાહ જુએ છે. આ મહાત્માનાં પુણ્ય પ્રવચનોનું જ પ્રકાશન કરવું, એ એનું ધ્યેય છે. જેના પ્રવચન' અઠવાડિક વિષે સંખ્યાબંધ વણમાંગ્યા અભિપ્રાયો મળ્યા છે અને એ બધા આ મહાત્માની વૃત્તિ અને પ્રવૃત્તિ ઉભય તરફ ઉચ્ચ સન્માન દર્શાવે છે. કેટલાક જૈનેતરો આ મહાત્માના પરિચયમાં આવા બદલ પોતાની જાતને ધન્ય માને છે. સારા સારા વિદ્વાનો અને ધારાશાસ્ત્રીઓ પણ આ મહાત્માના પ્રવચનો સાંભળી મંત્રમુગ્ધ બન્યા છે.