________________
૬૩
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૨૪
સાંખ્યદર્શન પ્રમાણે સંસારી જીવોનો આત્મા કૂટનિત્ય છે, તેથી સર્વ સંસારી જીવો ક્લેશાદિ સ્પર્શ વગરના છે અને તેમ સ્વીકારીએ તો ઈશ્વર ક્લેશાદિ સ્પર્શ વગરના છે તેમ કહી શકાય નહીં પરંતુ સર્વ સંસારી જીવો તુલ્ય ઈશ્વર છે તેમ પ્રાપ્ત થાય. તેથી કહે છે – સંસારી જીવો કરતાં ત્રણે પણ કાળમાં ક્લેશાદિના સ્પર્શ વગરના ભગવાન ઈશ્વર :
જો કે સર્વ સંસારી જીવોને ક્લેશાદિનો સ્પર્શ નથી તોપણ સંસારી જીવોના ચિત્તગત ક્લેશો તેઓના–તે સંસારી પુરુષોના, છે તેમ કહેવાય છે. અર્થાત્ ક્લેશ, કર્મ, વિપાક અને આશયનો ચિત્તની સાથે સંબંધ હોવાથી તે ચિત્તની સાથે સંબંદ્ધ પુરુષોમાં તે ચિત્તગત ક્લેશોનો સંબંધ ઉપચારથી છે. તેમ કહેવાય છે.
જેમ-કોઈ રાજા યુદ્ધ ન કરે અને તેના સૈનિકો યુદ્ધ કરવા જાય અને તેઓ જય કે પરાજય પામે તો તે રાજા જીત્યો કે પરાજય પામ્યો તેમ કહેવાય છે. તે રીતે સંસારી જીવોના ચિત્તમાં વર્તતા ક્લેશાદિ ભાવો તે સંસારી પુરુષોના છે તેમ કહેવાય છે, તેથી સંસારી જીવો ક્લેશાદિ સ્પર્શ વગરના નથી. વળી ઈશ્વરને તો ત્રણે પણ કાળમાં સંસારી પુરુષો જેવો ક્લેશાદિનો સ્પર્શ નથી માટે સંસારી પુરુષો કરતાં વિલક્ષણ =વિશિષ્ટ સ્વરૂપવાળા જ, ભગવાન ઈશ્વર છે. ઈશ્વરમાં પ્રકૃષ્ટ જ્ઞાન હોવાને કારણે અનાદિથી સત્ત્વનો ઉત્કર્ષ હોવાથી અણિમાદિ લબ્ધિઓ રૂપ અપ્રતિઘ ઐશ્વર્ય :
વળી ઈશ્વરનું તેવા પ્રકારનું ઐશ્વર્યા છે અણિમા, ગરિમા વગેરે લબ્ધિઓવાળું અપ્રતિઘ ઐશ્વર્ય છે; કેમ કે અનાદિથી સત્ત્વનો ઉત્કર્ષ છે=રાજસી, તામસી અને સાત્ત્વિક પ્રકૃતિમાં ઈશ્વર સાથે જોડાયેલી સાત્ત્વિક પ્રકૃતિનો ઉત્કર્ષ છે.
અહીં પ્રશ્ન થાય કે, સંસારી જીવોને પણ રાજસી, તામસી અને સાત્ત્વિક પ્રકૃતિ સાથે સંબંધ હોવા છતાં સંસારી જીવોમાં સત્ત્વનો ઉત્કર્ષ નથી છતાં ઈશ્વરમાં સત્ત્વનો ઉત્કર્ષ કેમ છે? તેથી કહે
ઈશ્વરને પ્રકૃષ્ટ જ્ઞાન હોવાના કારણે તેમનામાં સત્ત્વનો ઉત્કર્ષ છે. ઈશ્વરના સત્ત્વમાં જ્ઞાન અને ઐશ્વર્ય અનાદિથી રહેલા હોવાને કારણે પરસ્પર અનપેક્ષ હોવાથી ઇતરેતરાશ્રયત્ન દોષની અપ્રાપ્તિ :
અહીં પ્રશ્ન થાય કે ઈશ્વરમાં પ્રકૃષ્ટ જ્ઞાન છે માટે અણિમાદિ લબ્ધિરૂપ ઐશ્વર્ય છે કે અણિમાદિ લબ્ધિરૂપ ઐશ્વર્ય છે માટે પ્રકૃષ્ટ જ્ઞાન છે, એ પ્રકારે પરસ્પર આશ્રયપણું પ્રાપ્ત થશે. તેના નિવારણ માટે કહે છે –
જ્ઞાન અને ઐશ્વર્યને પરસ્પર અપેક્ષા નથી. જો કે પ્રકૃષ્ટ જ્ઞાનને કારણે ઈશ્વરમાં સત્ત્વનો ઉત્કર્ષ છે અને અનાદિના સત્ત્વના ઉત્કર્ષને કારણે ઈશ્વરમાં ઐશ્વર્યા છે તોપણ પ્રકૃષ્ટ જ્ઞાન ઉત્કર્ષનું કારણ