________________
આ વાતચીત દરમ્યાન પત્નીએ કહ્યું- એક મોદક મેં આપણા પુત્રને આપ્યો છે. તો હું ધારું છું કે એમાંથી પણ રત્ન નીકળ્યું હોવું જોઈએ. એ સાંભળી કૃતપુણ્યે કહ્યું.- નિ:સંશય એમાં પણ હશે જ માટે શીઘ્ર એને બોલાવીને પૂછ. તત્ક્ષણ પુત્રને બોલાવી ખાવાનું આપવાની લાલચ દેખાડી એટલે એણે સર્વ સ્વરૂપ યથાસ્થિત કહ્યું અને પિતાને લઈ જઈ કંદોઈને બતાવ્યો. કૃતપુણ્યે એને કહ્યું-તેં મારા પુત્રની પાસેથી જે મણિ લીધો છે તે પાછો આપ. મારા પુત્રે તારી પાસેથી જે ખાદ્યપદાર્થ લીધા હોય એનું યોગ્ય મૂલ્ય લે, ને મણિ આપી દે. કહ્યું છે કે વણિક જનને કોઈ વસ્તુનું વિશેષ મૂલ્ય આપવું ગમતું નથી. પરંતુ કંદોઈએ કહ્યું શેઠ ! તમે આ કાંઈ વ્યાજબી બોલતા નથી. તમારા પુત્રે આવીને મને એ રત્ન આપ્યું છે-ને મેં એને એનાં ખાદ્ય પદાર્થ આપ્યા છે. મેં કંઈ અમસ્તુ લીધું નથી. તમે પોતે પણ દ્રવ્ય આપીને વિશેષ કિંમતી કરિયાણાં નથી લેતા ? માટે મારા મહેરબાન ! જાઓ, હું એ મણિ પાછો નથી આપતો. પણ કૃતપુણ્ય કહેહું તો લઈ ને જ જવાનો. આમ વિવાદ કરતાં બંને રાજદરબારમાં ગયાજાણે એ (રાજદરબાર) વિના બધું વિચ્છેદ જવાનું જ હોય નહીં શું !
કચેરીમાં જઈ બંનેએ પોતપોતાના વિવાદનું કારણ કહી બતાવ્યું-તે જાણે રાજાની ચિંતારૂપી શાકિનીને હાંકી કાઢવાનો મંત્ર જ બતાવ્યો હોય નહીં ! એટલે રાજાએ કહ્યું-અરે કંદોઈ ! તેં આ બાળકને જે આપ્યું હોય એનું મૂલ્ય લે, ને શેઠને મણિ આપી દે. અથવા તો સત્ય વાત છે કે સર્વ કોઈ મ્હોં જોઈને તિલક કરે છે. સર્વ સ્વરૂપ સમજીને રાજાએ પણ વિચાર્યું કે–ઠીક જ થયું કે મણિનો સ્વામી આ શ્રેષ્ઠી નીકળ્યો. અમૃતનો આધાર ચંદ્રમા વિના અન્ય હોય પણ કોણ ? પુત્રીને પાળી પોષી મોટી કરીને આજે હું જાણે ભાગ્યયોગે ઉપાધિથી મુક્ત થયો છું કેમકે કંદોઈ જતાં એને કૃતપુણ્ય જેવો સુંદર વર મળી ગયો ! અથવા તો આ વિષયમાં નિશ્ચયે પુત્રીનાં જ ભાગ્ય જાગતાં સમજવાં; કેમકે સૌ કોઈને પોતપોતાનાં ભાગ્ય હોય છે. આમ વિચારીને રાજાએ શુભ દિવસે હર્ષ સહિત કૃતપુણ્યને પોતાની મનોરમા નામની પુત્રી પરણાવી અને સાથે સો ગામનો ગરાસ આપ્યો.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો)
૧૮૧