________________
શ્વાનની દાઢમાં પણ મણિ હોય !” પણ ત્યારે શું એવા કંદોઈને પુત્રી આપવી ? લક્ષમૂલ્યનો મણિ શું કાકને કંઠે બાંધવો ? પ્રતિજ્ઞા પાળવાને પુત્રી એને આપીશ તો મેં આ જન્મ ગુમાવ્યા જેવું થશે; અને નહીં આપું તો, મૃષાવાદીની પેઠે મારી પ્રતિજ્ઞાની હાની થશે. મારે હવે કરવું શું? “હા” કહેતાં હોઠ જાય છે ! અને “ના” કહેતા નાક કપાય છે ! વ્યાધિગ્રસ્ત માણસની જેમ પહેલાં મેં સર્વ વાતની હા કહી છે; પણ એનો નિર્વાહ કરવો હવે દુષ્કર લાગે છે.
રાજગૃહ નગરીનો સ્વામી અને અભયકુમાર જેવા પુત્રનો પિતા શ્રેણિક ભૂપતિ આમ વિચારસાગરમાં ઝોલાં ખાતો હતો. એવામાં એક ઘટના બની તે એકાગ્રમને સાંભળો -
પુત્રને એક મોદક આપ્યા પછી પાછળ ભોજનવેળાએ કૃતપુણ્યની સ્ત્રી શ્રીમતી જયશ્રીએ પોતે પણ એક મોદક લઈને ભાંગ્યો તો એમાં એના શીલ જેવું નિર્મળ રત્ન એની દષ્ટિએ પડ્યું, એથી એને અત્યંત આશ્ચર્ય ઉત્પન્ન થવાથી એણે બીજા મોદકો પણ ભાંગ્યા તો એ સર્વમાંથી, નાળીએરમાંથી ગોટા નીકળે એમ, તક્ષણ, એના દારિદ્રયને દૂર કરનાર સાક્ષાત્ કંદ હોય નહીં એવાં, રત્નો નીકળ્યાં. એટલે એણે કૃતપુણ્યને પૂછ્યું-સ્વામીનાથ ! “કંથાની જેમ, આ મોદકોમાં તમે શું ચોરલોકના ભયને લીધે આ રત્નો સંતાડ્યા છે ? વળી તમને મેં મારાં આભૂષણો અને એકસોસુવર્ણ મહોર આપી હતી તે પણ શું તમે વાપરી નથી ? સાગર જવી ગંભીરતા દાખવીને પતિદેવે પણ ઉત્તર આપ્યો કે હે પ્રિયા ! માર્ગને વિષે તસ્કરોનો સ્વાભાવિક રીતે ભય હોય-એને લીધે મેં આ રત્નો ગોપવ્યાં હતાં. વળી હે સુશિલા ! અન્ય પ્રકારે દ્રવ્યોપાર્જન થતું હોય તો આભૂષણોની ભાંગતોડ કરવાની આવશ્યકતા શી ? બીજાં પુનઃ કરાવવાં પડત તે કરતાં આજ ભાંગ્યા તોડ્યા વિના રાખ્યાં સારાં; કારણકે સોની પાસે ઘાટ ઘડાવવા જતાં એ પહેલું પોતાનું કરે છે !
૧. યોગીઓ પહેરે છે એવું ગોદડી જેવું વસ્ત્ર. પૂર્વે લોકો પોતાની રત્ન જેવી અમૂલ્ય વસ્તુઓ દેશાવરથી આવી કંથામાં ગોપવીને લાવતા.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)
૧૮૦