________________
જેમ પદાર્થોને જાતિનો યોગ કરાવે છે તેમ રાજાએ એનો અનેક ઉત્તમ કન્યાઓ સાથે વિવાહ કર્યો. એટલે, અતિશય આનંદરૂપી અમૃતકુંડને વિષે નિમગ્ન એવો રાજપુત્ર દેવતાઓ અપ્સરાઓની સંગાથે ભોગવે એવા વિવિધ ભોગવિલાસ ભોગવવા લાગ્યો.
ત્યાં અગાધ નિર્મળ જળથી ભરેલી, ઊંચા ઉછળતા તરંગોવાળી ગંગાનામની નદી હતી. તે, સરસ્વતીની પેઠે, હંસવિરાજિત, કચ્છપી યુક્ત, સર્વતોમુખ નાના પ્રકારના આવર્તોવાળી, અને અક્ષરવ્રજા" હતી; લક્ષ્મીની પેઠે સમુદ્રગામિની', કમળાવાસવાળી અને ગૌરવયુક્ત હતી. તથા પાર્વતીની પેઠે હેમાચળથી ઉત્પન્ન થયેલી, મહાદેવ-હરને પ્રીતિકર અને બહુલા-અપત્યને આનંદ કરાવવાવાળી હતી. એ નદીના નિકટના પ્રદેશના અલંકારભૂત અને સલ્લકી-તાલ-હિંતાલ-પિપ્પલ આદિ વૃક્ષોથી સમાકુલ એવા વનને વિષે અન્ય હસ્તિઓનો મદભંજક-એક યૂથપતિ ગજરાજ કામાતુર હાથણીઓના પરિવાર સહિત વસતો હતો. એ કોઈવાર ભોગાભિલાષી માનવની જેમ, પોતાની હાથણીઓ સાથે ગંગામાં જળક્રીડા કરવા જતો-ત્યાં સૌ મળીને શૂઢોમાં પાણી ભરીભરીને, જાણે પીચકારીઓ ઊડાડતા હોય નહીં એમ પરસ્પર છંટકાવ કરતા. વળી કોઈ
૧. પૃથ્વી આદિ સાત ‘પદાર્થો’ને ‘જાતિ' એટલે લક્ષણોનો યોગ છે-લક્ષણોથી યુક્ત છે એમ કહે છે.
૨. ગંગામાં હંસો હોય; સરસ્વતીને હંસનું આસન છે. ૩. કચ્છપી=કાચબી;
વીણા.
૪. ગંગામાં જળનાં આવર્તો-એટલે કુંડાળાં; સરસ્વતીના મુખપર આવર્ત-મનન કરી રહી હોય એવી છાયા. ૫. ગંગા, અક્ષર-નાશ ન પામે એવાં વ્રજ-વાડા-વાળી; સરસ્વતી. અક્ષરોનું વ્રજ-વિશ્રામસ્થાન. ૬. લક્ષ્મી સમુદ્રમાંથી ઉત્પન્ન થઈ માટે સમુદ્રગામિની; ગંગા, સમુદ્રને મળનારી, માટે. ૭. લક્ષ્મીનો કમળને વિષે આવાસરહેવાનું સ્થાન; કમળોનો આવાસ ગંગામાં. ૮. પાર્વતીનો પિતા હેમાચળ; અને ગંગા હેમાચળમાંથી નીકળે છે. ૯. પાર્વતી મહાદેવની પત્ની એટલે એને પ્રીતિકર હોય; ગંગા એની જટામાં રહેલી માટે એને પ્રીતિકર. ૧૦. ગંગા બહુલ-ધણાં અપત્યોને-બાળકોને આનંદ આપનારી, (સ્નાન કરાવીને); પાર્વતી, બહુલા=ગાયના અપત્ય-વૃષભ-પોઠીઆને આનંદ કરાવે. શિવનું વાહન હોવાથી.
૧૭૦
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)