________________
આ પ્રમાણ વનમાં બહુ બહુ વિલાપ કરી સકળ દિશાઓને વિષે પણ શૂન્યકાર જોઈ એ ઊંચે સ્વરે રૂદન કરવા લાગી એથી એનો કંઠ, ઓષ્ઠ, તાળુ, જીભ અને હૃદય પણ શોષાવા લાગ્યા. છતે સદ્ગુણે, નથી એમ કહે, અને અછતા દોષનું આરોપણ કરે; એથી જે દુ:ખ થાય છે તે દુ:ખ મહાસાગરનાં નીર પણ શોષી લે છે; તો પછી મનુષ્યમાત્રના હૃદયની તો વાત જ શી કહેવી ?
એવામાં જાણે એના પુણ્યને લીધે શીઘ્ર આકર્ષાઈ આવ્યા હોય નહીં એમ કેટલાક તાપસો, ત્યાં આવી એને પુછવા લાગ્યા-હે ભલી બાઈ ! તું કોણ છે ? અત્રે ક્યાંથી આવી ? અને કેમ રૂદન કરે છે ? જેના અનેક કાર્યો નિંદાય છે એવો દયાહીન દૈવ તારા પર રૂઠ્યો જણાય છે.” સતત નિસાસા નાંખતી વિધાધર પુત્રીએ એમને જોઈ, એમના ઉપર પોતાના ગુરુજનના જેવો વિશ્વાસ આવવાથી પોતાનું સમસ્ત વૃત્તાંત કહી બતાવ્યું તે સાંભળવાથી એ મુનિજનોને પણ અત્યંત ખેદ થયો. એમણે એને આશ્વાસન આપીને કહ્યું કે હે પુત્રી ! તું બહુ અધીરી થઈશ નહીં; ધૈર્ય ધારણ કર. કારણકે જેણે નિષ્કરૂણોને વિષે અગ્રપદ પ્રાપ્ત કર્યું છે એવા તારા કર્મનું આ ઉગ્ર પરિણામ છે ! એ કર્મે જગતને વિષે કોની વિડંબના નથી કરી ? કોને દુ:ખમાં નથી નાખ્યા ? એણે કોની લક્ષ્મી નથી હરી લીધી ? વળી એણે કોને અપવાદિત નથી કર્યા ? વિધિનું આ સ્વરૂપ સર્વસાધારણ છે એટલે હે વિદૂષીબાઈ ! બુદ્ધિશાળીઓએ ખેદ શો કરવો ?
વળી તેં કદાપિ ક્યાંય નથી સાંભળ્યું કે પાંચ માણસોની સાથે રહેવાથી દુ:ખીનું દુઃખ ઓછું થાય છે ? માટે અમારી સાથે ચાલ. તું શ્રેણિક રાજાની ભાણેજ છો અને વળી પુત્રવધુ પણ છો તો અમારી સાથે પણ તારો અમે એજ સંબંધ ગણશું કારણકે “રાજા” “બંધુ” કહેવાય છે અને અમે પણ બંધુજન છીએ એટલે સમાન ગણાઈએ માટે અમારી સાથે આવી રહે. અહીં જમીન પર દર્ભ ઉગ્યો છે તો હળવાં હળવાં પગલાં મૂકજે. વળી તાપ પણ પુષ્કળ છે માટે શિર પર વસ્ત્ર બરાબર કર. આવાં દયાભર્યા વચનો ઋષિઓનાં સાંભળી, ગયેલી આશાવાળીની આશા પુનઃ આવી અને એમની સંગાથે એ નજીકમાં એમનો આશ્રમ હતો ત્યાં ગઈ.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)
૧૨૨