________________
અથવા તો હું ભૂલું છું; મારે શા માટે આ અદષ્ટને વિશેષ કહેવું જોઈએ ? મારે તો મારા પ્રિય નાથની પાસે મારું દુઃખ કહેવું યોગ્ય છે; કારણકે કુળવાન વધુઓના અસાધારણ દુઃખ એમના પતિ વિના અન્ય કોણ જાણે ? હે પ્રાણેશ ! હે ગુણનિધિ ! હે શ્રેણિકરાજાના કુળરૂપી આકાશના પ્રતાપી સૂર્ય, હે નંદાના ઉદરરૂપી સરોવરના રાજહંસ ! હે અનેક મહાબુદ્ધિશાળી મંત્રીઓના શિરોમણિ ! હે નીતિજ્ઞ ! હે નીતિપાળ ! મારા જેવી તદ્દન નિરપરાધીને વિષે અનર્ગળ દોષોની સંભાવના કરીને તમે મને અત્યંત વિકટ વનમાં મોકલાવી દીધી તે તમને શું ઉચિત લાગે છે ? જેનો લેશ પણ દોષ તમે નજરે જોયો નથી એવી મારા જેવી સ્ત્રીને તમારે શું એકવાર દિવ્ય કરવાની તક આપવી જોઈતી ન હતી ? જે પ્રત્યક્ષ ચોર ન જણાતો હોય એવાના સંબંધમાં ખાતરી કરવી ઘટતી નથી શું ? શુદ્ધ બુદ્ધિ વડે આપ વિચાર કરી જુઓ. “દોષના ફક્ત ચિન્હ માત્રને જ જોઈને હું શિક્ષા કરું છું.” એમ તમે કદાપિ કહેતા હો તો તે પણ યોગ્ય નથી. કારણકે હે આર્યપુત્ર ! એવી મુઢની નીતિ તો માત્ર સામાન્ય-જેવા તેવા લોકોને વિષેજ શોભે; આપના જેવા શાસ્ત્રાર્થમાં નિર્મળ મતિવાળાને વિષે શોભે નહીં.
દ્રવ્યવાનની દ્રવ્યની થેલીઓ ઉપર જેમ વ્યાપારી વર્ગ આજીવિકા ચલાવે છે તેમ, હે સ્વામીનાથ ! આપના બુદ્ધિબળ ઉપર સર્વ કોઈ જીવે છે. જે આપનો પોતાનો ખાસ વિષય છે તેમાં જ આપે કેમ ભૂલ કરી ? એક વૈધ પણ જો પોતાને સમજણ ન પડતી હોય તો, અન્ય વૈધની સહાયથી ચિકિત્સા કરે છે. અથવા તો હે નાથ ! મારાં અનેક પાપકર્મોને લીધે જ આર્યપુત્રની આવી બુદ્ધિ થઈ હશે; એમાં કોઈ વાતે સંશય નથી. કારણકે બુદ્ધિને કર્માનુસારિણી કહી છે. હવે જો દુર્દેવને યોગે કોઈ સ્ત્રીને એનો પતિદેવ ત્યજી દે છે તો એને કાં તો પિતાનું ઘર અથવા તો મોસાળ-એ બેજ આશ્રયસ્થાન છે. એમાંથી પહેલું માતા પિતાનું ઘર વૈતાદ્ય પર્વતપર છે, અને બીજું એટલે મોસાળ-તે આપનો જ સકળ પક્ષ છે. આમ વાત છે એટલે જ્યારે સકળ જગતના શરણરૂપ-આર્યપુત્રે મને ત્યજી દીધી છે હમણાં હું અશરણ છું. હવે ક્યાં જઈને રહું ?
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ આઠમો)
૧૨૧