________________
કોઈના હાથમાં કાંસી, વેણુ, વીણા, મુરજ, શંખ વગેરે વાજિંત્રો હતાં તેથી તેઓ જાણે સ્વર્ગીય નાટક કરવાને માટે અહીં ઉતરી આવેલી દેવાંગનાઓ હોય નહીં એવી લાગતી હતી ! વળી વિવિધ પ્રકારનાં, હસ્તિ, મનુષ્ય, અશ્વ આદિનાં વાહનોની પણ ઉત્તમ સુઘટિત રચના કરેલી દેખાતી હતી તે જાણે એઓ પ્રભુના સમવસરણની ભૂમિ સમજીને ત્યાં હર્ષથી પ્રભુની વાણી સાંભળવાને આવેલા હોય નહીં!
એ મંદિરનું, કૈલાસ પર્વતના શિખરની સાથે સ્પર્ધા કરતું શિખર, અન્ય ધવળ શિખરોથી પરિવેષ્ઠિત હોઈને, જાણે પોતાના પરિવારથી દીપી નીકળતો રાજા હોય નહીં એવું જણાતું હતું ! નીલવર્ણના પથ્થરનો બનાવેલો એનો આમલસાર જોઈને તો બુદ્ધિમાન માણસો
એમ કહેતા હતા કે એ તો કોઈની દષ્ટિ ન પડે એટલા માટે જાણે વિધાતાએ મંદિર પર વલયના આકારનું નીલ વર્ણનું વસ્ત્ર મૂક્યું છે ! એ મંદિરના અત્યંત ઊંચા શિખર પર આવી રહેલ સુવર્ણનો ઈંડાના આકારનો કુંભ એ (ઈંડુ જ) ચારે દિશામાં પોતાના કિરણો વડે આકાશને પૂરી દેતો હતો તે જાણે ઉદયાચળના શિખર પર રહેલો શરદ પૂર્ણિમાનો ચંદ્રમા જ હોય નહીં ! મંદ પવનમાં વ્હેકતી એ મંદિર પરની ધ્વજા સાથે રહેલો સુવર્ણદંડ જાણે કીર્તિરૂપી બહેનને નૃત્યકળાનું શિક્ષણ આપતો મગધેશ્વર-શ્રેણિકનો પ્રતાપ હોય નહીં ! એ સુવર્ણદંડ પર વળી નાની નાની ઘંટા એટલે ટોકરીઓ હતી તેનો રણટણ કરતા નાદનો ચૌદિસ પ્રતિઘોષ (પડઘો પડતો હતો તેથી જાણે એમ કરીને એઓ સમસ્ત ભવ્યજનોને શ્રી જિનેશ્વરની નિરૂપમ પ્રતિમાનું પૂજન કરવાને બોલાવતી હોય નહીં ! વળી ત્યાં નિરંતર વાણી-મુરજ આદિ વાજિંત્રોના સ્વર શ્રવણગોચર થતા હતા તે ભિન્ન ભિન્ન છતાં એ ભિન્નતાને નહીં જાણનાર લોકસમૂહ નાટક થતું હોય તે સમયે જેમ સતત એકચિત્તે જોયા કરે છે તેમ સર્વ શબ્દમાત્રને સમાન ગણી શ્રવણ કરી રહ્યા હતા.
૧. દેવમંદિર પર શિખરભાગમાં મૂકવામાં આવતો વલયાકાર પથ્થર.
૧૧૦
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)