________________
જેવા વેગવાળી, પીતવર્ણી, દુર્બળ મુખવાળી, લઘુકર્ણી, કોટને વિષે લટકતી માળાવાળી, ચરણને વિષે શબ્દ કરતા નૂપુરવાળી, ઘુઘરમાળથી શોભતી સાંઢણીઓ પર આરૂઢ થઈને વેણાતટનગરે આવી પહોંચ્યા. અસ્થિર કાન, બલિષ્ટ સ્કંધ, કુચા જેવી લાંબી ચોટલી અને પદ્મપત્ર સમાન વિશાળ નેત્રોવાળા, એ-રાજાના સદા વિશ્વાસુ ગૌરવર્ણા-સેવકોને દૂરથી જ જોઈને શ્રેણિક અતિ આનંદ પામ્યો. પોતાના દેશના અન્ય માણસોને પણ બહુ કાળે જોવાથી હર્ષ થાય છે તો પોતાના જ માણસોને જોવાથી તો વિશેષ જ થાય. એઓ આવીને કુમારને ચરણે પડ્યા અને કુમારે એમની પીઠ પર હસ્ત મૂક્યો; કારણ કે ઉચિત કરવામાં સત્પુરુષો કદાપિ ભૂલ કરતા નથી.
પછી-મારા વિશ્વપાલક પૂજ્યપાદ પિતાશ્રી પોતે ખુશીમાં છે ? મારા પુત્રસ્નેહથી પૂર્ણ માતાજી સારાં છે ? મારી અપર માતાઓ પણ સારી પેઠે છે કે ? મારા વડીલ ભાઈઓ અને નાના બંધુઓ પણ આનંદમાં છે કે ? મારાં બીજા મમતાળુ સંબંધીઓ પણ કુશળ છે કે ? રાજ્યકાર્યને કરનારા એવા પ્રધાનો પણ ખુશીમાં છે કે ? બૃહસ્પતિની બુદ્ધિવાળા અમાત્યો પણ સારા છે કે ? સદ્ગુણોથી શોભતો એવો સકળ પરિગ્રહ પણ સારી પેઠે છે કે ? પૂજ્ય વડીલે નિરન્તર લાડ લડાવેલ એવા નગરવાસિજનો પણ આનંદમાં વર્તે છે કે ? પૂજ્યપિતાએ પાલન કરાતા સર્વ માંડલિક રાજાઓ પણ કુશળ છે કે ? આવા આવા પ્રશ્નો શ્રેણિકકુમારે ગુરુભક્તિને લીધે એમને પૂછ્યા અથવા તિરસ્કાર પામતાં છતાં પણ ભક્ત તો ભક્ત જ રહે છે. કલ્યાણકારીને વિષે સર્વ કલ્યાણમય જ હોય છે. સેવકોએ ઉત્તર આપ્યો, હે સ્વામિ ! વિજયશાળી એવા આપના પિતાના પ્રભાવથી સર્વત્ર કુશળ પ્રવર્તે છે; સૂર્યનો ઉદય થયે અંધકાર કેવું ? પણ એક વિજ્ઞાપના કરવાની છે કે-આ “વિજ્ઞાપના કરવાની છે કે” શબ્દોથી ધીરશિરોમણિ એવા કુમારનું મન પણ, આકાશને વિષે વિદ્યુત્ ઝબકે તેમ, સહસા કંપાયમાન થયું. એટલે તેમણે
૧. પરિવાર.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પહેલો)
૨૫