________________
જેમ સિધુને વિષે મણિ તો પુષ્કળ છે પણ હરિનું ભૂષણ તો કૌસ્તુભમણિ જ થયું છે તેમ.
હવે એ નગરને વિષે સ્ત્રીના અંતઃકરણ થકી ગુહ્ય વાતની જેમ, લોકોના ઘર થકી, સાધારણ રીતે અગ્નિ શીધ્રપણે પ્રગટી ઊઠતો. તે પરથી રાજાએ પટહ વજડાવીને અમારી ઘોષણાની પેઠે સાદ પડાવ્યો કે જેના ઘરમાં, રાફડામાંથી સર્પ નીકળે તેમ અગ્નિ સળગી ઉઠશે તેને સભામાંથી કુષ્ટિની જેમ, નગરમાંથી બહાર કાઢવામાં આવશે. આમ વાત થયા પછી એક માણસના ઘરમાં એ નિરંકુશ અગ્નિ પ્રદીપ્ત થવાથી એને, સ્વર્ગમાંથી સંગમદેવની જેમ, નગર બહાર કાઢી મૂકવામાં આવ્યો.
અન્યદા રાજાના પોતાના મહેલને વિષે રસોઈ કરનારાઓના પ્રમાદને લીધે અગ્નિ લાગ્યો. (અહો આ વિશ્વને વિષે દુર્જન અને અગ્નિ બંને સરખા છે.) શત્રુઓના યુદ્ધની જેમ અગ્નિ વૃદ્ધિ પામ્ય છતે રાજાએ સુભટોની જેમ, કુમારોને આજ્ઞા કરી કે “હે વત્સો ! આમાંથી હસ્તિ આદિ ગમે તે વસ્તુ જે લઈ લેશે તે તેની છે કારણ કે ડૂબતામાંથી ગમે તે પ્રકારે ઉદ્ધાર કરવો સારો છે. એ સાંભળીને કોઈએ અશ્વ, તો કોઈએ હસ્તિ; કોઈએ મોતીનો સમૂહ તો કોઈએ કુંડળો; કોઈએ કંઠના આભૂષણો, તો કોઈએ એકાવળી હાર; કોઈએ બાજુબંધ, તો કોઈએ સુંદર મુકુટ; કોઈએ ચકચકતા કંકણ, તો કોઈએ માણિક્યનો સમૂહ; કોઈએ સુવર્ણ તો કોઈએ સોનૈયા; કોઈએ રૂપાના ઢગલા તો કોઈએ નેપાળની કસ્તુરી, (એમ સૌ કોઈએ પોતપોતાને મનગમતી વસ્તુઓ) લીધી. વળી કોઈએ કેસર કુંકુમ તો અન્ય ચંદનના કટકા; કોઈએ કૃષ્ણાગુરુ તો અન્યોએ અપકવ કપુર; કોઈએ યક્ષકર્દમ તો કોઈએ ઉત્તમ ગુલાલ, તો કોઈએ ઊંચું એવું નિશાન (મુખ્ય ધ્વજ) એમ લોભને લીધે સૌએ જે જે હાથમાં આવ્યું એ લીધું. કારણ કે ઈચ્છા પ્રમાણે લેવાનું ઠર્યા પછી કોણ પાછું વળીને જુએ ?
૧. શ્રી મહાવીર પ્રભુને છદ્મસ્થ અવસ્થામાં ઉપસર્ગ કરનાર દેવ. ૨. કુંકુમ, અગુરુ, કસ્તુરી, કપુર અને ચંદન-એટલા સુગંધી પદાર્થોનો યક્ષ કર્દમ બને છે. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પહેલો)
૧૩