________________
હોય નહીં એમ તેમને યથાસ્થિત વાત ન કહી” એમ અતિખેદ ધારણા કરતા અભયકુમારે શીતોપચારવડે પિતાને ક્ષણમાં સચેતન કર્યા. પછી નમન કરીને તે બોલ્યો-હે સ્વામિ ! આપના પ્રસાદથી, નિત્ય ઉલ્લાસ પામતા એવા નિર્મળ શીલ-અલંકારથી શોભતા અંતઃપુરને વિષે અત્યંત ક્ષેમકુશળ વર્તે છે; અથવા તો ધર્મ હોય ત્યાં સુધી પાપ કેવી રીતે પ્રવેશ કરી શકે ? મહાસાગર સમાન ગંભીર ચિત્તવાળા આપના જેવાની, આજ મારા માતૃજન પર અકૃપા થઈ એ એમનાં ભાગ્યને લીધે જ; એમાં આપ કંઈ કારણભૂત નથી; કારણ કે અરણ્યને વિષે જે વાયુકંપા થાય છે તે અરિષ્ટને લીધે જ છે. હે પ્રતાપે કરીને લંકેશ્વર જેવા પૂજ્યપિતા ! હે ભાગ્યભાજન ! મેં ક્ષણવાર વિચાર કરીને અંતઃપુરની પાસે આવેલી હસ્તિની જીર્ણ ઝુંપડીઓ બાળી નાંખી છે; અને એ પ્રમાણે આપની આજ્ઞા પણ પાળી છે. એ સાંભળી હર્ષાશ્રુ વર્ષાવતા રાજાએ પુત્રને કહ્યું- હે વત્સ ભુવનને વિષે તુંજ માત્ર લોચનવાળો છે, કારણ કે તે આજે હૃદયરૂપી ચક્ષુથી જોયું છે; અને ધન અને કીર્તિરૂપી ઉત્તમ સદ્ગણ ઉપાર્જન કર્યા છે. તુંજ પુત્રોને વિષે શિરોમણિ છે. તુંજ ગોત્રરૂપી કમળોને વિષે સુર્ય સમાન છે; તુંજ ગમે તેવી બુદ્ધિથી અજીત છે; અથવા તુજ સર્વ ગુણોથી સંપન્ન છે; કારણ કે તેં જ આ કલંકથી મને ઉગાર્યો છે. અન્યથા હું મુખ કેવી રીતે બતાવત ?” અહો ! રાજાની આ વાણી અમૃતમય હતી, અથવા તો જીત થયા પછી સૌ. પોતપોતાને અદ્વિતીય માને છે. તે વખતે નરપતિએ અભયને મહાકૃપા બતાવીને ઈનામ આપ્યું. પણ માતૃજનની રક્ષા કરવાથી તેણે જે ઉપાર્જના કરી તેની પાસે એ તુચ્છ ધનની ઉપાર્જના કશામાત્રમાં ન હતી.
રાજગ્રહેશ્વર શ્રેણિક નરપતિ ચેટકરાજપુત્રી-ચેલ્લણાને જાણે પુનઃ નવો અવતાર આવ્યો હોય એમ માનીને, તેનાં દર્શન કરવાને અત્યંત ઉત્સુક બની તેના ઊંચા વાસગૃહ પ્રત્યે વિવિધ પ્રકારના વિનોદ સહિત ક્રીડા કરવા લાગ્યો; કારણ કે શિશિરઋતુને વિષે મેઘથી આચ્છાદિત થઈને પુનઃ બહાર નીકળેલા સૂર્યની જેમ વિપત્તિ ઓળંગી આવેલો સ્વજન અત્યંત વધારે પ્રિય લાગે છે.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ચોથો)
૧પ૯