________________
ગુણસંપન્ન આ રાજા શિકારનો વ્યસની હતો. એક વખત અશ્વારૂઢ થઈ તે શિકાર કરવા વનમાં ગયો. ત્યાં એક મૃગ ટોળાની પાછળ ઘોડો દોડાવતાં અતિ વેગના કારણે તે પોતાના સૈન્યથી છૂટો પડી ગયો. આગળ જતાં એક ગીચ ઝાડી આવી. ઝાડીની અંદર કોઇપણ પ્રાણી હશે, એમ ધારીને તેણે બાણ છોડ્યું. તે સમયે નમોગ:' એવી શાંત – ગદ્ગદ્ વાણી તેણે સાંભળી. તેથી તે સ્થળ જોવા તેણે દષ્ટિ નાંખી તો કાયોત્સર્ગમાં રહેલા કોઈ મુનિ પોતાના બાણથી વીંધાઈને પૃથ્વી પર પડતા તેણે જોયા. મહર્ષિને હણાયેલા જોઇ, શ્રીનિવાસ રાજા શોક કરવા લાગ્યો અને પશ્ચાત્તાપ કરતો બોલવા લાગ્યો, “અરે ! પાપી એવા મેં આ શું કર્યું? મારા જીવિતને ધિક્કાર છે. મહાયોગી મહાત્માને ભાગ્યહીન એવા મેં મારી નાંખ્યા. હવે હું ક્યાં જાઉં અને શું કરું ?
આ પ્રમાણે ખેદ કરતા તે રાજાએ તે વખતે જ પોતાના ધનુષ્ય અને બાણ તોડી નાખ્યા તથા શીઘ્ર ઘોડા ઉપરથી ઉતરીને મુનિ પાસે આવી ક્ષમાપના કરી. માત્ર થોડો શ્વાસ ચાલતો હતો એવા મુનિના ચરણો પોતાના મસ્તકે લગાડ્યા અને પોતાના કુકર્મને નીંદતો, આજુબાજુના પશુ-પંખીઓને પણ રડાવતો, રાજા અત્યંત રુદન કરવા લાગ્યો. આ અવસરે તે મહર્ષિએ અરિહંતનું સ્મરણ કરતાં ક્ષણવારમાં પ્રાણ છોડ્યા.
આ તરફ જે સૈનિકો જુદા પડી ગયા હતા તે પણ રાજાને શોધતા ત્યાં આવી પહોંચ્યા અને રાજાને દુઃખપૂર્વક પશ્ચાત્તાપ કરતા જોઈ યુક્તિપૂર્વક સમજાવી કંઇક શાંત કર્યા. પછી રાજાએ મુનિદેહનો અગ્નિસંસ્કાર કર્યો. મનમાં ઘણું દુઃખ પામતો રાજા પોતાના સ્થાને ગયો. મુનિહત્યાના પાપની શાંતિ માટે તેણે તે વનમાં શ્રી શાંતિનાથ ભગવાનનું મોટું દેરાસર બંધાવ્યું તથા શુદ્ધ અન્નાદિક વડે મહાત્માની ભક્તિ કરવા લાગ્યો.
પૂર્વે કરેલા શિકારાદિ જીવહિંસાના પાપોના ફળ રૂપે અંત સમયે રાજાને મહારોગો થયા. તેની પીડાથી પીડાતો મૃત્યુ પામીને તે સાતમી નરકે ગયો. ત્યાં ઘણા કાળ સુધી દુઃખ ભોગવી ત્યાંથી નીકળીને તિર્યંચ થયો. તે ભવમાં પણ દુઃખ ભોગવી ત્યાંથી પાછો નરકમાં ગયો. આ રીતે નરક-તિર્યંચના ઘણા ભવો કરી, છ વખત સળંગ મનુષ્ય ભવ પામ્યો. તે દરેક ભવમાં છેલ્લે કોઢ રોગથી જ મૃત્યુ પામી સાતમા ભવમાં “મહીપાલ' થયો . પૂર્વભવમાં જે પ્રાણીસંહાર અને મુનિહત્યા કરી હતી તે પાપકર્મ ભોગવતાં ભોગવતાં હજી બાકી રહ્યું હતું. તેના ઉદયથી તને આ કોઢ થયો હતો. મહીપાલ ! તને રોગ થવાનું આ કારણ છે. તેથી તારે હવે કદી જીવવિરાધના કરવી નહીં.'
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૪૩