________________
મહીપાલ ઉપર સૂર્યાવર્ત કુંડના પાણીનો છંટકાવ કર્યો. તે પવિત્ર જળના સંપર્કથી તત્કાળ મહીપાલને અપૂર્વ શાંતિ થઇ. તેનું શુષ્ક થઈ ગયેલું શરીર નવપલ્લવ થઇ ગયું.
મહીપાલનો દેહ દિવ્ય કાંતિવાળો થયેલો જોઈ ચંદ્રચૂડ વિદ્યાધર, મહીપાલની પત્ની ગુણસુંદરી, દેવપાળ અને સર્વ સૈનિકો અત્યંત હર્ષ પામ્યા. ત્યારે રાજાના શરીરમાંથી છૂટા પડેલા કુષ્ટરોગો આકાશમાં રહીને બોલ્યા, “હે રાજા ! તું જય પામ. અમે તને મુક્ત કર્યો છે. સાત ભવથી અમે તને હેરાન કર્યો છે, પણ આ સૂર્યાવર્ત કુંડનું જળ આવ્યું, તેથી અમે હવે અહીં રહી શકીશું નહીં.' એમ કહી કૃષ્ણ વર્ણવાળા અને ભયંકર રૂપવાળા એ મહારોગો કોલાહલ કરતા ક્યાંક ચાલ્યા ગયા. મહીપાલનો રોગ જવાથી ખુશ થયેલા દેવપાળે સવારે મહોત્સવ કર્યો. પોતાનાં આરોગ્યની વાતથી ખુશ કરવા પૂર્વમિત્ર રત્નકાંતિને બોલાવવા માણસ મોકલ્યો. મહીપાલનું નામ સાંભળતાં જ રત્નકાંતિ અતિ હર્ષ પામી સત્વર ત્યાં આવ્યો. આથી, મહીપાલે રત્નકાંતિ અને રત્નપ્રભનો ત્યાં મેળાપ કરાવ્યો અને પોતાની મૈત્રી તેમજ પોતે કહેલા વચનો સફળ કર્યા. ત્યારથી તે બંને ભાઈઓ પણ પરસ્પર મિત્રતાવાળા થયા.
હવે, મધ્યાહ્ન સમયે મહીપાલના આવાસમાં માસોપવાસના પારણા માટે કોઇ બે મુનિઓ પધાર્યા. તે બંને મહાત્માઓને જોઇ, મહીપાલ અત્યંત ખુશ થયો. ઉઠીને નમસ્કાર કર્યા અને ભક્તિપૂર્વક શુદ્ધ અન્ન, વસ્ત્ર વગેરે વસ્તુઓ વહોરાવી. ત્યારબાદ પોતાને થયેલા રોગનું કારણ પૂછ્યું. ત્યારે તે મુનિઓએ કહ્યું, “રાજન્ ! આ વનમાં અમારા ગુરુમહારાજ પધાર્યા છે. તેઓ જ્ઞાની છે. તમે ત્યાં આવી તેમને તમારા સંદેહ વિશે પૂછો.” આ પ્રમાણે કહી બંને મહાત્માઓ ત્યાંથી પોતાના ગુરુમહારાજ પાસે આવ્યા અને બન્યું હતું તે સર્વ વાત જણાવી.
દેવપાળ, મહીપાલ, રત્નકાંતિ, રત્નપ્રભ અને બીજા પણ ઘણા લોકો ગુરુમહારાજને વંદન કરવા ગયા. ત્યાં પરમજયોતિનું ધ્યાન કરતા, સર્વ ઉપર સમભાવવાળા ગુરુમહારાજને જોઇ અત્યંત આનંદ પામ્યા. મન, વચન અને કાયાની શુદ્ધિપૂર્વક ત્રણ પ્રદક્ષિણા દઈ ઉત્તરાસંગ કરીને હર્ષથી નમસ્કાર કર્યા. મુનીશ્વરે પણ તેઓના બોધ માટે ધર્મદેશના ફરમાવી. ગુરુમુખે દેશનારૂપ અમૃતનું પાન કરી તેઓએ પૂછ્યું, “ભગવદ્ ! આ મહીપાલને કયા કારણસર સાત ભવથી કુષ્ઠરોગો હેરાન કરતા હતા ?' આ સાંભળી, જ્ઞાનથી મહીપાલનો પૂર્વભવ જાણી, શાંત ચિત્તે ગુરુમહારાજ બોલ્યા, ‘મહીપાલ! પૂર્વભવમાં જે દુષ્ટકર્મ તે બાંધ્યું હતું તે તું સાંભળ.“ • મહીપાલનો પૂર્વ વૃત્તાંત : આ ભરતક્ષેત્રમાં શ્રીપુર નામે નગર, શ્રીનિવાસ નામે રાજા હતો. શીલાદિ
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૪૨