________________
ભેગા થયા અને જાણે દેશના સાંભળવા ઉત્સુક થયા હોય તેમ મહાત્માને અનિમેષ દૃષ્ટિએ નિહાળવા લાગ્યા. તેમાં આ બગલો પણ પોતાના સમગ્ર પરિવાર સાથે આવ્યો.
ભગવંતે સર્વ પ્રાણીઓ સમજી શકે એવી દિવ્ય વાણીમાં દેશના આપી, “હે પ્રાણીઓ ! પૂર્વે ધર્મની વિરાધના કરવાથી તિર્યચપણું પ્રાપ્ત થાય છે. તેમાં પણ જો જીવહિંસાદી પાપ કરવામાં આવે, તો તે પાપ નરકમાં લઈ જાય છે. નરકમાં નરકપાલ અર્થાત્ પરમાધામી દેવો તે જીવોને તપેલા લોઢાની સાથે આલિંગન કરાવે છે. ગરમ કરેલા સીસાનો રસ પીવડાવે છે. વજન કાંટા ભોંકે છે. વગેરે અનેક પ્રકારના ઘોર દુઃખો નરકમાં ભોગવવા પડે છે. માટે તે પ્રાણીઓ ! તમારે કોઈ જીવને મારવા નહીં.”
આ સાંભળી વાઘ-સિંહ જેવા હિંસક પ્રાણીઓ પણ મૈત્રીભાવવાળા થયા અને હિંસારહિત જીવન જીવવાનું વિચાર્યું. આ બગલાનું પણ ચિત્ત પરિવર્તન થયું. તેણે હિંસા છોડી દીધી. સમય જતા આયુષ્ય પૂર્ણ થયું. અંતકાળે પણ મહાત્માના વચનો યાદ કરતો તે બગલો મરીને દેવ થયો. ત્યાંથી ચ્યવીને શ્રેષ્ઠીપુત્ર થયો. ત્યાં પણ ધર્મ આરાધના કરી, સંયમ લઇ મુક્તિ પામ્યો.
“હે યક્ષરાજ ! અવિવેકી કહેવાતા પશુપંખી પણ ધર્મઆરાધના કરી, આત્મકલ્યાણ સાધે છે. તમે તો વિવેકી છો અને પૂર્વભવમાં શ્રી નેમિનાથ પ્રભુના દર્શનના પ્રભાવે જ આ દેવપણું પામ્યા છો તો આ ભવમાં પણ હવે દ્વેષ છોડી, હિંસા ત્યજીને, ધર્મ આરાધના કરી દેવપણું સફળ કરો.'
રાજકુમારનાં વચનો વડે ચિંતામણીરત્ન જેવા ધર્મને પામવાથી પ્રસન્ન થયેલા તે યક્ષે ગુણવાન અને ગુરુતુલ્ય કુમારને પ્રણામ કર્યા અને કહ્યું કે, “આજથી હું સુદેવ તરીકે શ્રી જિનેશ્વરદેવ, સદ્ગુરુ તરીકે પરિગ્રહરહિત નિર્ઝન્ય મહાત્મા અને સધર્મ તરીકે દયાપ્રધાન ધર્મ સ્વીકારું છું.'
આમ કહી રાજપુત્રને તેણે એક વિદ્યા આપી. રાજકુમાર યક્ષને રજા આપી આગળ ચાલ્યો. માર્ગમાં કુમારે વિચાર કર્યો કે, મારે મારા નગરમાં પાછા જવું છે, પણ અચાનક આ પ્રસંગે મારે બહાર નીકળવાનું થયું જ છે. તો હવે અનેક આશ્ચર્યકારી જુદા જુદા દેશોમાં ફરીને પછી મારા નગરમાં જાઉં.
વળી દેશાટન કરવાથી પોતાની શક્તિની ખબર પડે, તે તે દેશના આચારોની પરીક્ષા થાય, ઉત્તમ અને અધમની ઓળખાણ થાય, અનેક કલાઓ શીખવા મળે, વિવિધ પુરુષોનો સંગ થાય અને પરમતારક કલ્યાણકારી તીર્થોનાં દર્શન થાય. આમ વિચારી, રાજકુમાર પૂર્વ દિશા તરફ ચાલ્યો.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૦