________________
દેશના પૂર્ણ થતાં મહીપાલકુમારે કહ્યું, ‘હે ભગવન્ ! અહીં જે મહાકાળ યક્ષ છે, તે ધર્મના ફલસ્વરૂપે દેવપણું પામ્યા છતાં અધર્મ કરાવનાર હિંસા કેમ કરે છે? અને મનુષ્યોનો દ્વેષી કેમ છે ? હે પૂજ્ય ! કૃપા કરીને અમારો આ સંશય દૂર કરો.’ જ્ઞાનના માહાત્મ્યથી યક્ષનું સમગ્ર ચરિત્ર જાણી, મુનિરાજ બોલ્યા, ‘વત્સ ! સાંભળ.’ મહાકાલ યક્ષના પૂર્વભવનું વૃત્તાંત :
પૂર્વે આ વનમાં જિનેશ્વર ભગવંતના શાસન ઉપર ઇર્ષ્યા કરનારો કોઇ એક તાપસ સ્ત્રી સહિત રહેતો હતો. તેને રૂપવાન અને શુભ લક્ષણવાળી શકુંતલા નામે પુત્રી હતી. અનુક્રમે શકુંતલા યુવાન થઇ, તેથી વિશેષ સુંદર લાગતી હતી.
એક વખત ભીમ નામનો રાજા અશ્વક્રીડા કરતો ત્યાં આવી પહોંચ્યો. તે આ બાળાને જોઇ મોહ પામ્યો એટલે તેની નજીક આવીને પૂછ્યું, ‘હે સુંદરી ! તું કુંવારી છે કે પરણેલી ?'
શકુંતલાએ કહ્યું, ‘હું કુંવારી છું.' એટલે રાજા તેને ઘોડા ઉપર બેસાડીને લઇ ગયો. પુત્રીના અચાનક વિયોગથી તાપસ ખૂબ દુ:ખી થયો. તેણે આહાર-પાણી છોડી દીધા. તેથી બીજા તાપસો તેને સમાધિ થાય તે માટે અહીં નેમિનાથ ભગવાન સામે લાવ્યા. અલ્પ સમયમાં તે ત્યાં જ મૃત્યુ પામ્યો.
અરિહંત પરમાત્મા પ્રત્યે ભક્તિભાવ નહીં હોવા છતાં અંતિમકાલે પરમાત્મદર્શનનાં પ્રભાવે તે તાપસ મરીને અહીં યક્ષ તરીકે ઉત્પન્ન થયો. પૂર્વ ભવમાં તેની પુત્રીનું અપહરણ થયેલું, તેથી મનુષ્ય પ્રત્યે તેના મનમાં દ્વેષ જાગેલો. પૂર્વના અભ્યાસથી આજે પણ તે મનુષ્યનો દ્વેષી છે અને દ્વેષથી બધાને હણે છે.
આ પ્રમાણે યક્ષનો પૂર્વભવ કહી મુનિ આકાશમાર્ગે ચાલ્યા ગયા. ત્યારબાદ યોગિની પણ પોતાનાં સ્થાને ગઇ અને રાજકુમાર શ્રી નેમિનાથ ભગવંતની પૂજા કરીને કાલવન તરફ ચાલ્યો.
રાજકુમાર જેમ જેમ આગળ જાય છે તેમ તેમ મનુષ્યોના મૃતકોમાંથી ઝરતા પરુ વગેરેની અત્યંત દુર્ગંધ આવે છે.
આગળ જતાં કાળ અને કંકાળ નામના બે રાક્ષસો તેની સામે આવ્યા, તે બંને સાથે કુમારે યુદ્ધ કર્યું અને બંનેને જીતી લીધા. ત્યાંથી કુમાર આગળ વધ્યો. ત્યાં તેણે મહાકાલ યક્ષનું ગૃહ જોયું. મનુષ્યને આવેલો જાણી મહાકાલ યક્ષ તેની સન્મુખ આવ્યો અને બોલ્યો, ‘હે મનુષ્ય ! તું કોઇ નવો જણાય છે અને તું કોઇ પારકાનાં પરાક્રમથી ઉન્મત્ત થયેલો લાગે છે, પણ હવે તારા ઇષ્ટદેવનું તું સ્મરણ કર. હમણાં જ તારું મૃત્યુ આવી રહ્યું છે.’
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૮