________________
ગિરિરાજની યાત્રાએ પોતાની સંપૂર્ણ ઋદ્ધિ-સમૃદ્ધિ સાથે આવેલા એટલે એનું સ્તવન પણ ખૂબ મજેદાર છે...
આવે આવે ઋષભનો પુત્ર, ભરત શુભ ભાવશું એ; લાવે લાવે ચક્રવર્તિની ઋદ્ધિ, ઋષભ જિન ભેટવા એ.
આવા ભરત મહારાજા એક દિવસ પોતાના મહેલના એક વિભાગમાં જયાં ચારે તરફ અરીસાથી જ મહેલ બનાવેલો તેવા અરીસા ભવનમાં હતા અને હાથમાંથી વીંટી સરકી ગઇ. વીંટી વિનાની આંગળીની શોભા ગઇ એ જોઈ વિચારે ચડ્યા કે કેવું આ શરીર ? અને એ વિચારતા જ આત્માને અને શરીરને જુદુ માનતા ત્યાં ને ત્યાં જ કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. આ રીતે કેવલી બનેલા ભરત મહારાજાના ચરણ કમળ અહીં પૂજાય છે. આની પ્રતિષ્ઠા વિ.સં. ૧૬૮૫માં થઇ છે. ચાલો.. આપણે “નમો સિદ્ધાણં' કરી આગળ વધીએ. હવે વચ્ચે-વચ્ચે આધ્યાત્મિક અર્થ પણ વિચારીએ.
પરમાત્મા સમવસરણમાં બેસીને દેશના આપે છે. તેમાં ત્રણ ગઢ હોય છે. તેની ઉપર પરમાત્મા બિરાજીને દેશના આપે છે. પહેલા ગઢમાં દેશના સાંભળવા આવેલા દેવો-મનુષ્યોના વાહનો હોય છે. બીજા ગઢમાં પશુ-પંખી, ત્રીજા ગઢમાં બાર પર્ષદા અને સિંહાસન ઉપર પરમાત્મા હોય છે. આપણે બધા નીચેથી ઉપર ચડ્યા. અહીં સુધી આવ્યા તેમાં આપણને શરીરના જ વિચારો આવ્યા કે, અહાહા..! શ્વાસ ચડે છે, ચડાતુ નથી, તરસ લાગી છે વિગેરે... તો શરીર એ વાહન છે, એટલે શરીરનો વિચાર અહીં સુધી.. હવે આગળ ચાલો..! આપણે સમવસરણના બીજા ગઢમાં જઇએ...
જોયું ને...! વાત કરતાં-કરતાં અહીં આવી ગયા. આ સામે જે ડાબી બાજુ કુંડ દેખાય છે ને ? તેનું નામ છે ઇચ્છાકુંડ...
આ કુંડ સુરતના શેઠ ઇચ્છાચંદે વિ.સં. ૧૯૮૧માં કરાવેલ. એમાં જુઓ શેઠની મૂર્તિ અને શીલાલેખ છે. જોવું છે ?... ચાલો...! વિસામામાં જઈએ એટલે બધો ખ્યાલ આવી જાય.
આવા તો વિસામા – દેરીઓ હજુ ઘણા આવશે. પણ સાથો-સાથ તમને આપણા આત્માને ઉપકારક વસ્તુ શું છે ? તે પણ બતાવી દઉં. જુઓ...! આ ક્ષેત્રમાં અનંત આત્માઓ સિદ્ધ થયા છે. તેથી આ ક્ષેત્ર સિદ્ધક્ષેત્ર કહેવાય છે. અહીંના કાંકરા, વૃક્ષો, પત્થરો, માટી બધું જ પવિત્ર છે. અરે...! અહીં વાતો પવન પણ પવિત્ર છે અને આપણે પણ એમાં તન્મય બનેલા હોવાથી આપણો આત્મા પણ અત્યારની પળોમાં પવિત્ર છે.
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૩૮૦