________________
ચૈત્ય અને ચૈત્યની મધ્યમાં ભગવંતનું બિંબ પણ તેવું જ જીર્ણ થયેલું જોઇને બંને ધાર્મિક વીરો અતિદુઃખથી ખેદ પામ્યા.
- કૃષ્ણ યુધિષ્ઠિરને કહ્યું, “જુઓ, આપણે રાજય ઉપર હોવા છતાં કાળનાં માહાભ્યથી આ તીર્થ કેવું જીર્ણ થઈ ગયેલું છે ?” તે સમયે અકસ્માતુ સ્વર્ગમાંથી પાંડુદેવે આવીને પ્રસન્ન દૃષ્ટિએ કહ્યું, “હે કૃષ્ણ ! તમે સર્વ કાર્યમાં પરિપૂર્ણ પરાક્રમી છો, સારી બુદ્ધિવાળા તમે પૂર્વે રેવતાચલનો ઉદ્ધાર કરીને ફળ મેળવ્યું છે, તો મારા પુત્રને આ પુંડરીકગિરિના ઉદ્ધારનું ફળ આપો.' કૃષ્ણ પ્રસન્ન થઇને કહ્યું, “હે પાંડુદેવ ! તેમાં તમારે પ્રાર્થના શા માટે કરવી પડે ? કેમ કે તમારા પુત્ર પાંડવો તે અમે છીએ અને અમે તે પાંડવો છે. અમારામાં પહેલેથી પરસ્પર કાંઇપણ અંતર નથી.” પછી પ્રસન્ન થયેલા તે પાંડુદેવ કૃષ્ણના ચિત્તની પ્રશંસા કરતા યુધિષ્ઠિરને એક મણિ આપીને વેગથી અંતર્ધાન થઈ ગયા.
ત્યારબાદ ધર્મસૂનુએ આનંદ પામી કારીગરો બોલાવીને શાશ્વત ચૈત્ય જેવું શ્રી આદિનાથ પ્રભુનું મોટું ચૈત્ય કરાવ્યું. પછી પારિજાત વૃક્ષની શાખાનો એક શંકુ કરીને પાંડુદેવે આપેલો મણિ ભગવંતની પ્રતિમાના હૃદય ઉપર સ્થાપિત કર્યો. પછી સુગંધી દ્રવ્યોથી શિલ્પીઓની પાસે પાંડવોએ પ્રભુનું નવું બિંબ કરાવ્યું. ધર્મકુમારે શ્રી વરદત્ત ગણધરે આપેલા શુભ લગ્નમાં પ્રભુનાં ચૈત્યની અને બિંબની તેમની જ પાસે પ્રતિષ્ઠા કરાવી. પછી પ્રભુને માટે અલંકારોનો સમૂહ રચાવ્યો અને પ્રભુની અષ્ટપ્રકારી પૂજા કરી. ચૈત્ય ઉપર ધર્મના પરમ લક્ષણરૂપ મહાધ્વજ ચડાવ્યો. હર્ષથી યાચકોને ઇચ્છા પ્રમાણે દાન દીધું અને ચતુર્વિધ સંઘની પૂજા કરી. પછી ઇન્દ્રોત્સવ કરી, ચામર છત્ર પ્રભુની આગળ ધરી, પ્રભુની આરતી ઉતારીને ધર્મપુત્રે પુષ્કળ દાન આપ્યું. એવી રીતે ધર્મકુમાર સર્વ ધર્મકાર્ય કરીને અનુમોદન કરતાં સર્વ રાજાઓની સાથે ગિરિરાજ ઉપરથી ઉતર્યા.
ત્યાંથી ચંદ્રપ્રભાસ તીર્થક્ષેત્રમાં જઇને શ્રી ચંદ્રપ્રભુની અને રૈવતગિરિ ઉપર શ્રી નેમિનાથ પ્રભુની વિધિથી પૂજા કરી. ત્યાર પછી અર્બુદાચલ, વૈભારગિરિ અને સમેતશિખર તીર્થ પર તેઓ ગયા. ત્યાં ચોવીશે તીર્થંકર દેવોની પૂજા કરવા દ્વારા તેમણે ઉપાસના કરી. આવી રીતે સંઘપતિનું સર્વ કર્તવ્ય કરી પુણ્યથી પવિત્ર હૃદયવાળા તેઓ અનુક્રમે દ્વારિકામાં આવ્યા. દ્વારિકામાં કૃષ્ણને મૂકી તેમણે કરેલો સત્કાર ગ્રહણ કરી, સર્વ રાજાઓને વિદાય કરીને પાંડવો પોતાના નગરમાં આવ્યા. આ રીતે પાંડવોએ શત્રુંજય મહાતીર્થનો ઉદ્ધાર કર્યો.
(ઇતિ દ્વાદશમો ઉદ્ધાર:) શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૦૮