________________
પ્રધુમ્નકુમારનાં શ્રી નેમિનાથ ભગવંતને ભાવવંદન :
અહીં દ્વારિકામાં કૃષ્ણ પોતાના વાસગૃહમાં જિનેશ્વરનું ધ્યાન કરતા રહેવા લાગ્યા. એક વખતે તેમણે પોતાના પુત્રોને કહ્યું, ‘જે પ્રાતઃકાળે શ્રી નેમિનાથ પ્રભુને પહેલો નમવા જશે, તેને હું ઇષ્ટ અશ્વ આપીશ.' તે વાત પ્રદ્યુમ્ન અને પાલકે સાંભળી. તેથી પાલક તો સૂર્ય ઊગ્યા પહેલાં નેમિનાથ પ્રભુને વંદના કરી પાછો આવીને ઊભો રહ્યો અને પ્રદ્યુમ્ન તો પોતાના આવાસમાં રહીને જ શ્રી નેમિનાથ પ્રભુને ભાવ નમસ્કાર કર્યા. પછી કૃષ્ણે જઇને શ્રી નેમિનાથ પ્રભુને પૂછ્યું કે, ‘હે સ્વામી ! આજે આપને પ્રથમ કોણે નમસ્કાર કર્યા ?’
શ્રી નેમિનાથ પ્રભુએ કૃષ્ણને કહ્યું, ‘પ્રદ્યુમ્ન પહેલાં નમસ્કાર કર્યા.' પાલક અહીં પ્રથમ આવ્યા છતાં તે ન આવ્યો સમજવો. કેમ કે પ્રદ્યુમ્ન રાત્રિમાં જવાથી જીવહિંસા થાય તે પાપથી ભય પામીને આવ્યો નહોતો અને પાલક તો અશ્વના લોભથી નિઃશૂકપણે અહીં આવ્યો હતો. હે કૃષ્ણ ! માત્ર કાયાથી ક્રિયાનું સાચું ફળ મળતું નથી. ભાવની પ્રધાનતા છે, માટે ભાવથી ફળ પ્રાપ્ત થાય છે.
ત્યારબાદ કૃષ્ણે પૂછ્યું એટલે શ્રી નેમિનાથ પ્રભુએ જીવતત્ત્વને અંગે ફરમાવ્યું, ‘હે કૃષ્ણ ! આ સંસારમાં ચોરાશી લાખ જીવાયોનિ છે. તેમાં પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ પાંચ સ્થાવર અને છઠ્ઠા ત્રસ જીવો છે. પૃથ્વી આદિ (એકેન્દ્રિય), ત્રણ વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય એ ચાર મળી ચૌદ જીવભેદ પણ થાય છે. તેમની કુલ સંખ્યા વિવિધ પ્રકારની જાણવી. શક્તિ મુજબ તે જીવોની જયણા કરવી જોઇએ. તે સાંભળી કૃષ્ણ વર્ષાઋતુમાં પોતાના રાજકુલમાં જ રહેતા, જીવહિંસાના ભયથી બહાર નીકળતા નહીં. તે સમયે સામંતસહિત રાજાઓ અને લોકો કહેવા લાગ્યા કે, ‘હમણાં હિર (કૃષ્ણ) સૂતા છે, એમ ચોમાસા માટે લોકોમાં રૂઢિ પ્રવર્તી.'
દ્વારિકાનો અંત :
એક વખત નેમિનાથ પ્રભુ સહસાવનમાં સમવસર્યા. ત્યાં આવી કૃષ્ણે તેમને નમસ્કાર કર્યા અને પૂછ્યું કે, ‘હે પ્રભુ ! આ દેવ નિર્મિત દ્વારિકાપુરી અને વૈભવશાળી યાદવો પોતાની મેળે નાશ પામશે કે બીજાથી નાશ પામશે ?'
પ્રભુ બોલ્યા, ‘શાંબ વગેરે તમારા પુત્રો મદિરાપાન કરી દ્વૈપાયનને મા૨શે એટલે તે કોપ કરીને દ્વારકાપુરીને બાળી નાંખશે અને તમારા મોટાભાઇ જરાકુમારના હાથથી તમારું પણ મૃત્યુ થશે.’
૧. અહીં મૂલ ગ્રંથમાં પ્રદ્યુમ્નના નામનો ઉલ્લેખ છે, પણ પરંપરા પ્રમાણે તથા અન્યત્ર શાંબકુમારનું નામ આવે છે.
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૩૦૯