________________
પણ નીચે ઉતરવા લાગ્યા. માર્ગમાં બિંદુગુફામાં એક મુનિ તેમના જોવામાં આવ્યા. તત્કાળ હૃદયમાં હર્ષ પામતા કૃષ્ણ તે મુનિને નમ્યા અને તેમની પાસેથી ગિરિનો ઘણો પ્રભાવ સાંભળ્યો. પછી ત્યાં રહીને પર્વતનું સૌંદર્ય જોતાં વાયવ્ય દિશામાં એક ગિરિને જોઈ કૃષ્ણ તે મુનિને પૂછ્યું કે, “આ કયો ગિરિ છે ?' મુનિ બોલ્યા, “એ ગિરિ હાલ ઉજજયંતગિરિનું મસ્તક એ નામથી ઓળખાય છે, હવે પછી તેનું ઉમાશંભુ એવું નામ પડશે. તે રીતે નામ પાડવાનું કારણ હું કહું છું. તે તમે સાંભળો.' • ઉમાશંભુ શિખર :
“ભાવિમાં વૈતાઢ્યગિરિ ઉપર વિદ્યાના બળથી ભયંકર એવો રૂદ્ર નામે ખેચર થશે. તે વૈતાઢ્ય ઉપરની બધી પૃથ્વીને દબાવશે. તેને ઉમા નામે સ્ત્રી થશે. તે રૂદ્રના ભયથી તેને શંભુના નામથી બોલાવીને પોતાની શાંતિને માટે લોકો તેના ભક્ત થઇ ઉમા સહિત તેની પૂજા કરશે. એ તેઓ ઉપર તુષ્ટમાન થઈને તેમને ઇચ્છિત વસ્તુ આપશે, તેથી લોકો તેની સદૈવ વિશેષ રીતે પૂજા કરશે.
પર્વત, આરામ, સરિતા અને ચૈત્ય પ્રમુખ સ્થાનોમાં હર્ષથી ક્રીડા કરતો તે રૂદ્ર ખેચર એ ઉજ્જયંતગિરિના મસ્તક પર આવીને ઉમા સહિત તપશ્ચર્યા કરશે અને પછી ત્યાં રહેલા ચારણ મુનિને ભક્તિથી નમસ્કાર કરશે. ત્યારબાદ તે મુનિના ઉપદેશથી તે પાપકર્મથી વિરામ પામશે. મુનિના ઉપદેશથી “દુઃખનું વૃક્ષ જે વિષય, તેનું આદ્ય મૂળ સ્ત્રી જ છે' એવું જાણી પોતાની સ્ત્રી ઉમાનો ત્યાગ કરીને સહસ્ત્રબિંદુ નામની ગુફામાં તે એકલો તપશ્ચર્યા કરશે. તેના વિયોગમાં રહેલી ઉમા પણ તેની પ્રવૃત્તિ (ખબર) નહીં જાણવાથી બિંદુશિલા ઉપર રહીને એકલી તીવ્ર તપશ્ચર્યા કરશે. તેના ધ્યાનયોગથી સંતુષ્ટ થયેલી ગૌરીવિદ્યા ઉમા ઉપર સંતુષ્ટ થઇ પ્રત્યક્ષ દર્શન આપીને તેને ઇચ્છિત વરદાન આપશે. તે વરદાનથી પોતાના પતિને સહસ્ત્રબિંદુ ગુફામાં તપ કરતા જાણી, ત્યાં જઈ અતિમોહક રૂપથી ઉમા રૂદ્રને ધ્યાનમાંથી ક્ષોભ પમાડશે. “સ્ત્રીથી કોણ ક્ષોભ ન પામે ?' એટલે ક્ષોભ પામેલો તે રૂદ્ર પુનઃ પ્રેમમગ્ન થઈ તેની સાથે પાછો ક્રીડા કરશે. તેનાથી આ ગિરિ ઉમાશંભુ એવા નામથી પ્રખ્યાત થશે. સહસ્ત્રબિંદુએ ગુફામાં એકચિત્તથી શ્રી નેમિનાથ પ્રભુનું આરાધન કર્યું હતું, તેથી તે આગામી ઉત્સર્પિણી કાળમાં તીર્થકર થશે.
આ પ્રમાણે મુનિવર પાસેથી સાંભળી તે ભાવી જિનેશ્વરને નમસ્કાર કરી કૃષ્ણવાસુદેવ પરિવાર સાથે ત્યાંથી પોતાની દ્વારિકા નગરીમાં આવ્યા અને શ્રી નેમિનાથ પ્રભુ દેશનાથી ભવ્યજીવોને પ્રતિબોધ કરતા પૃથ્વી પર વિચારવા લાગ્યા. રાજીમતીએ સંવેગ પામીને શ્રી નેમિનાથ પ્રભુની પાસે વ્રત ગ્રહણ કર્યું અને એક
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૦૪