________________
પ્રભુ ! જલ, અગ્નિ, અરણ્ય, શત્રુઓના સંકટમાં તેમજ સિંહ, સર્પ અને રોગની વિપત્તિમાં આપ જ એક શરણભૂત છો.
આમ ભક્તિથી શ્રી મહાવીર પ્રભુની સ્તુતિ કરીને સૌધર્મેન્દ્ર, જેમ જલનું પાન કરવા ચાતક તત્પર થાય, તેમ પ્રભુની અમૃતવાણીનું પાન કરવા ઉત્સુક થઇને પ્રભુની સન્મુખ બેઠા.
તે પછી ત્રણ જગતના નાથ શ્રી મહાવીરસ્વામી ભગવાન, સર્વ જગતના પરમ કલ્યાણ માટે, સર્વ ભાષામાં સમાન, સર્વ પ્રાણીઓને હિતકારી, સર્વ અતિશયોથી ભરેલી, સર્વ તત્ત્વોથી સુંદર, સૌભાગ્યવાળી, શાંત અને યોજન સુધી સંભળાતી મધુર વાણી વડે દેશના આપવા લાગ્યા.
શ્રી મહાવીરસ્વામી ભગવાનની દેશના
હે ભવ્યજનો ! ‘જેમ કસ્તૂરી મૃગની નાભિમાં થાય છે, છતાં પણ તે કસ્તૂરી પોતાની સુગંધથી અમૂલ્ય બને છે, તેમ આ નાશવંત અને અશુચિમય એવો મનુષ્યદેહ ધર્મના ગુણથી ઉત્તમ બને છે.
આ કાયામાં બહાર અને અંદર સાતધાતુરૂપ મળ રહેલા છે. તેથી અપવિત્ર એવી આ કાયા સર્વથા નિરર્થક છે. તેમ છતાં અહો ! મૂઢ પ્રાણી અહંકાર અને ગાઢ કર્મને વશ થઇ પોતાને અજરામર માનીને ઇચ્છા પ્રમાણે વર્તે છે.
વિવિધ પ્રકારના શસ્ત્રો, જલ, અગ્નિ, વિષ, શત્રુઓ, તીવ્ર વ્યાધિઓ, અકાળમૃત્યુ, શીત તથા ગરમી વગેરેની પીડા, વૃદ્ધાવસ્થા અને ઇષ્ટ પદાર્થોના વિયોગ ઇત્યાદિ મહાદોષો વડે આ કાયા અત્યંત ક્લેશ પામે છે. આ બધી વસ્તુઓની અસરથી મુક્ત રહેવાનું સામર્થ્ય આ દેહમાં નથી. આથી આવા પ્રકારનાં આ અસાર દેહ દ્વારા જગતમાં સારભૂત અને જગપૂજ્ય ધર્મનું તમે સત્ત્વર આચરણ કરો.
જો કાચના ઢગલાથી અમૂલ્ય ચિંતામણિ રત્ન પ્રાપ્ત થતું હોય, ધૂળ આપીને જો સુવર્ણ મળતું હોય, જલના બિંદુથી જો સુધાસાગર પ્રાપ્ત થતો હોય, ઘર આપવા માત્રથી જો સામ્રાજ્ય મળતું હોય, એમ અસાર એવા પણ આ દેહ વડે જો સુકૃત સંપાદન થતું હોય, તો કયો વિવેકી પુરુષ તેને ગ્રહણ ન કરે
માતા, પિતા, ભ્રાતા, મિત્ર અને રાજા વગેરે કોઇ રક્ષણ કરતું નથી. સંસારમાં કેવળ ધર્મ જ રક્ષણ કરે છે. તેથી તેની જ સેવા કરવી જોઇએ.
સદ્ધર્મની પ્રાપ્તિના ઉપાયોથી, ઉચિત આચરણથી અને સદ્જ્ઞાનયુક્ત ક્રિયાથી સદ્ધર્મની આરાધના કરનારા બુદ્ધિશાળી આત્માઓનો જન્મ પ્રશંસનીય છે.
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૧૦