________________
આ ખબર સાંભળી, જહુનુ રાજા જલ્દીથી ત્યાં આવ્યા અને ઘણા ઉત્સવપૂર્વક તેમનો વિવાહ કર્યો. પછી જહુનુ રાજા પોતાના સ્થાનકે ગયા. ત્યાર પછી તે રાજદંપતી હર્ષથી ત્યાં બેઠા હતા. તેવામાં આકાશમાં તેમણે મહાતેજ જોયો. “શું આ સૂર્યનું તેજ હશે? અથવા શું અગ્નિનું, ચંદ્રનું, વિદ્યુતનું કે કોઈ મુનિના તપનું તેજ હશે ?' આ પ્રમાણે તે બંને વિચારતા હતા તેવામાં તે તેજમાં બે શ્રમણ રહેલા જોવામાં આવ્યા. તેમને પ્રત્યક્ષ જોઈ તે બંને આસન ઉપરથી ઉભા થયા. બંને મુનિએ પ્રથમ તો ભક્તિયુક્ત મનોહર વચનો વડે પ્રભુની ભાવપૂજા કરી. પછી તે મુનિયુગલ જિનમંદિરની બહાર આવ્યું એટલે રાજદંપતીએ ભક્તિથી નમસ્કાર કર્યા. ક્ષણવાર જિનાલયને જોતા તે મુનિઓ ત્યાં બેઠા.
થોડીવાર પછી શાંતનુ રાજાએ પૂછ્યું, “હે ભગવંત! આપ અત્યારે ક્યાંથી પધારો છો? તેઓમાંથી એક મુનિએ જવાબ આપ્યો, “અમે વિદ્યાધર મુનિ છીએ. તીર્થે તીર્થે શ્રી જિનેશ્વરોને વંદન કરવા ફરીએ છીએ. સમેતશિખર, અર્બુદાચલ, વૈભારગિરિ, રૂચક, અષ્ટાપદ, શત્રુંજય અને રૈવતાદિ તીર્થોની અને યાત્રા કરી. સૌથી છેલ્લે રૈવતાચલ પર્વતે ગયા હતા. ત્યાં ભાવી તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુને નમીને તે ગિરિના કાંચન નામના ચોથા શિખર ઉપર જતા હતા, તેવામાં સૂર્ય જેવી આકૃતિવાળો, દેહની કાંતિથી સર્વ દિશાઓને પ્રકાશિત કરતો જાણે અદ્ભુત રત્નમૂર્તિ હોય તેવો દેખાતો એક પવિત્રદેવ અમે જોયો. તે ભક્તિથી શ્રી નેમિનાથ પ્રભુની પૂજા કરતો હતો. ત્યારે કોઈ બીજો દેવ ત્યાં આવ્યો. તેણે તેનું સ્વરૂપ પૂછ્યું. એટલે તે દેવ બોલ્યો -
‘પૂર્વે આ રૈવતગિરિની પાસે સુગ્રામ નામના ગામમાં રહેનારો હું એક ક્ષત્રિય હતો. મલિન હૃદયવાળો હું સદા યાત્રાળુઓને ઉપદ્રવ કરતો. નિર્ભયપણે જીવોને મારતો અને મિથ્યા વચન બોલતો હતો. આ બધા પાપોથી મારા શરીરમાં લૂતા નામનો રોગ થયો. પછી કોઈ મુનિ પાસેથી આ તીર્થનું માહાભ્ય સાંભળી હું અહીં આવ્યો. આ કાંચનગિરિ ઉપર શ્રી નેમિનાથ પ્રભુની પૂજા કરવાથી અને ઉજ્જયંતી નદીના જળમાં સ્નાન કરવાથી અનુક્રમે મારો રોગ દૂર થયો. ભરત ચક્રવર્તીએ કરાવેલા શ્રી નેમિનાથ પ્રભુના મંદિરમાં જિનપૂજા કરવાથી મારા પાપ દૂર થયા અને આ તીર્થના માહાભ્યથી આત્માની પ્રસન્નતા પામતો હું આવા સ્વરૂપવાળું દેવપણું અને લોકોત્તર તેજસ્વીપણું પામ્યો છું. દેવ બન્યા પછી મને ખ્યાલ આવ્યો કે આ તીર્થના સેવનથી મને દેવપણું પ્રાપ્ત થયું છે. તેથી ફરીવાર તેનો સ્પર્શ કરવા માટે હું અહીં આવ્યો છું અને આદરથી આ જિનમંદિર મેં અહીં કરાવ્યું છે.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૦૬