________________
તે વખતે, “અરે ! મારા પ્રત્યેની અદેખાઇથી રાવણ આ મહાતીર્થનો વિનાશ કરે છે, માટે હું નિઃસંગ છતાં પણ તેને શિક્ષા આપવા માટે જરાક બળ બતાવું.” આવો વિચાર કરી વાલી મુનીશ્વરે ડાબા પગના અંગુઠાના અગ્રભાગથી અષ્ટાપદ પર્વતના શિખરને જરાક દબાવ્યું. એટલે ગાત્રનો સંકોચ કરતો અને લોહીની ઉલ્ટી કરતો રાવણ ચીસો પાડવા લાગ્યો. તેનો દીન પોકાર સાંભળી દયાળુ વાલીમુનિ તત્કાળ વિરામ પામ્યા. કારણ કે તેમનું આ કાર્ય શિક્ષા માટે હતું, ક્રોધથી ન હતું. પછી રાવણ ત્યાંથી નીકળી, વાલીમુનિને ખમાવીને ભરતે કરાવેલા ચૈત્યમાં અરિહંત દેવોની પૂજા કરવા લાગ્યો. ત્યાં અંતઃપુર સહિત ભક્તિપૂર્વક પ્રભુની અષ્ટપ્રકારી પૂજા કરી. પછી પ્રભુ પાસે નૃત્યગીત કરતાં વીણાની તાંત તૂટી જવાથી તાનમાં ભંગ ન પડે તે માટે રાવણે પોતાની ભુજામાંથી નસ ખેંચીને વીણામાં જોડી દઈ વગાડવા માંડી. તે વખતે ત્યાં આવેલા ધરણેન્દ્ર તેની ભક્તિથી હર્ષ પામીને અહંતના ગુણને ગાનારા રાવણને કહ્યું, ‘વરદાન માંગો.' તેના ઉત્તરમાં રાવણે કહ્યું, “અહંતની ભક્તિ મને નિરંતર રહો.” આથી વધારે ખુશ થઈ ધરણેન્દ્ર અમોઘવિજયા શક્તિ અને અન્ય વિદ્યાઓ આપી, સ્વસ્થાને ગયા. પછી રાવણ તીર્થકરોને નમસ્કાર કરી નિત્યાલોક નામે નગરમાં ગયો અને ત્યાં રત્નાવલીને પરણીને પાછો લંકામાં આવ્યો. • રાવણ અને ઇન્દ્ર રાજાનું યુદ્ધ :
એક વખત રાવણ, ખર વગેરે વિદ્યાધરો અને સુગ્રીવ સાથે પરિવરેલો વૈતાઢ્યગિરિ ઉપર ઈન્દ્ર રાજાને જીતવા ચાલ્યો. માર્ગમાં રેવા નદી આવતાં, તેના કાંઠે બેસીને તે નદીનાં જળ તથા કમળો વડે એક રત્નપીઠ ઉપર પ્રભુને સ્થાપન કરીને ભક્તિવાળા રાવણે પૂજા કરી. પછી રાવણ ધ્યાનમાં લીન થતાં અકસ્માત જળનું પુર આવ્યું અને પ્રભુની પૂજા ધોવાઇ ગઇ. તેથી રાવણને ક્રોધ ચડ્યો. એટલામાં કોઈ વિદ્યાધરે કહ્યું કે, “સ્વામી ! માહિષ્મતી નગરીના રાજા સહસ્ત્રાંશુએ રેવાના જલમાં સ્નાન કરવા માટે તેના જલનો રોધ કર્યો હતો, તે એકીસાથે છોડી દેવાને લીધે તમારી આ જિનપૂજાનો ભંગ થયો છે. એ રાજા તેના અનેક આત્મરક્ષક રાજાઓ તથા સ્ત્રીઓ સાથે નજીકમાં રહેલો છે.
આ ખબર સાંભળી રાવણને ઘણો ક્રોધ ચડ્યો. તેથી તત્કાળ સહસ્ત્રાંશુને જીતવા માટે કેટલાક રાક્ષસોને મોકલ્યા. તેઓ ત્યાં ગયા ખરા પણ સહસ્ત્રાંશુએ કરેલા તેઓના પરાભવથી તેઓ તરત જ રાવણની પાસે પાછા આવ્યા. એટલે રાવણ પોતે ત્યાં ગયો અને બળથી સહસ્ત્રાંશુને જીતીને પોતાની છાવણીમાં પકડી લાવ્યો. પછી સભા ભરીને બેઠો. તેવામાં ત્યાં આકાશમાંથી કોઈ શતબાહુ નામના ચારણશ્રમણ આવ્યા.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૭૬