________________
લંકાપુરીમાં તડિકેશ નામે રાજા હતો. તે બંને રાજાઓ વચ્ચે પૂર્વની જેમ ગાઢ સ્નેહ બંધાયો. પછી કિષ્કિલાનગરીમાં ઘનોદધિનો પુત્ર કિકિધિ નામે થયો અને લંકામાં તડિકેશનો પુત્ર સુકેશ નામે રાજા થયો. વિદ્યાધરના રાજા અશનિવેગે તે બંનેને જીતી લીધા, તેથી કિષ્કિધિ અને સુકેશ પાતાળલંકામાં જતા રહ્યા. ત્યાં સુકેશને ઇન્દ્રાણી નામની સ્ત્રીથી માલી, સુમાલી અને માલ્યવાન નામે ત્રણ પુત્રો થયા અને કિષ્કિધિને શ્રીમાળા નામે સ્ત્રીથી આદિત્ય અને ઋક્ષરજા નામે બે પુત્રો થયા. એક વખત કિષ્કિધ રાજા મેરુપર્વત પર શાશ્વત અરિહંતની યાત્રા કરીને પાછો ફરતાં મધુપર્વત પર આવ્યો. ત્યાં કિષ્કિધા નગરી વસાવીને સુખપૂર્વક રહેવા લાગ્યો. • રાવણ વગેરેનું પાણિગ્રહણ અને વાલીએ કરેલ રાવણનું દમન :
પાતાળલંકામાં રહેલા સુકેશના ત્રણ પુત્રોએ લંકામાં આવી પૂર્વના વૈર વડે અશનિવેગના સેવક નિઘતને મારી નાખ્યો. પછી ત્યાં સુમાલી રાજા થયો અને કિષ્કિધામાં આદિત્યરજા રાજા થયો. તે બંનેને પણ પરસ્પર સ્નેહ થયો. આ બાજુ અશનિવેગને સહસ્ત્રાર નામે પુત્ર થયો. તેને ચિત્રસુંદરી નામે સ્ત્રીથી ઇન્દ્ર નામે પુત્ર થયો. તેણે કપિઓ અને રાક્ષસોને પરાજિત કરીને પાછા પાતાળલંકામાં કાઢી મૂક્યા.
ત્યાં રહેલા સુમાલીને રત્નશ્રવા નામે પુત્ર થયો. તેણે અનેક વિદ્યાઓ સાધી હતી. તેને કેકેસી નામે રાણી હતી. તે વખતે સો યોજન વિસ્તારવાળી, સાત કિલ્લા અને એકસો આઠ દરવાજાવાળી પાતાળલંકા ખૂબ પ્રસિદ્ધિ પામી. તેમાં કૈકસીને અતિદુર્મદ રાવણ નામે પુત્ર થયો. તેણે પહેરેલા હારમાં નવ મોટા રત્નો હતાં. તેમાં તેના મસ્તકનું પ્રતિબિંબ પડવાથી તેનું દશમુખ એવું નામ પ્રખ્યાત થયું. ત્યારપછી કુંભકર્ણ, સુર્પણખા અને વિભીષણ આ ત્રણ સંતાનોને કેકસીએ જન્મ આપ્યો.
એક દિવસ પોતાની માતાના મુખથી શત્રુઓ થકી થયેલો પૂર્વજોનો પરાભવ સાંભળી રાવણ, કુંભકર્ણ અને વિભીષણ આ ત્રણે ભાઈઓ વિદ્યા સાધવા માટે ભીમારણ્યમાં ગયા. ત્યાં રાવણને એક હજાર મોટી વિદ્યાઓ, કુંભકર્ણને પાંચ વિદ્યાઓ અને વિભીષણને ચાર વિદ્યાઓ પ્રાપ્ત થઇ.
ત્યારપછી મય નામના ખેચરેશની હેમવતી રાણીથી ઉત્પન્ન થયેલી મંદોદરી નામની કન્યાને રાવણ પરણ્યો. તે સિવાય તેના ગુણથી રંજીત થઈ પોતાની મેળે આવેલી છ હજાર ખેચર કન્યાઓને પણ તે પરણ્યો. મહોદર રાજાની પુત્રી તડિન્માલાને કુંભકર્ણ પરણ્યો અને વીર વિદ્યાધરની પુત્રી પંકજશ્રીને વિભીષણ પરણ્યો. અનુક્રમે મંદોદરીએ શુભલગ્ન ઈન્દ્રજિત અને મેઘવાહન નામના બે કુમારને જન્મ આપ્યો.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૭૪