SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ રામ રહિત અયોધ્યાનગરી શોભારહિત થઈ ગઈ. દશરથે પોતાનાં રાજય ઉપર ભરતને બેસાડી સત્યભૂતિ મુનિની પાસે વ્રત ગ્રહણ કર્યું. અરણ્યમાં પ્રવાસ કરતાં રામ આદિ ગંભીરા નદીને ઉતરીને વડના વૃક્ષની નીચે બેઠા. ત્યાં રામચંદ્ર લક્ષ્મણને કહ્યું, ‘ભાઈ લક્ષ્મણ ! આ દેશ કોઇના ભયથી હમણાં જ ઉજજડ થયેલો જણાય છે. કેમ કે વૃક્ષો બધાં રસસહિત છે અને ધાન્યના ખળા ધાન્યથી ભરેલા પડ્યા છે.” એમ બંને ભાઇઓ વાત કરે છે, તેવામાં કોઈ પુરુષ ત્યાં આવ્યો. તેને તે દેશ ઉજજડ થવાનું કારણ પૂછતાં તેણે કહ્યું કે, “આ દેશનો સિંહકર્ણ (વજકર્ણ) નામે રાજા છે. તેને એવો નિયમ હતો કે, શ્રી અરિહંતદેવ અને નિગ્રંથ સાધુ વિના બીજા કોઇને નમસ્કાર ન કરવો તેનો આવો નિયમ સાંભળી સિંહોદર નામે તેનો ઉપરી રાજા ક્રોધથી તેની ઉપર ચડી આવ્યો. તેના ભયથી સિંહકર્ણ દૂર નાસી ગયો. ત્યારથી આ દેશ ઉજજડ થઇ ગયેલ છે. આ સાંભળી રામે લક્ષ્મણ દ્વારા સિંહોદરનો ભય દૂર કરાવી સિંહકર્ણને આદરથી તેના રાજ્ય પર સ્થાપન કરાવ્યો. ત્યાંથી રામ આગળ ચાલ્યા. ત્યાં એક સ્થાનકે બે વિદ્યાધર મુનિઓ આકાશમાંથી નીચે ઉતર્યા. સીતાએ ભક્તિથી તેમને વહોરાવ્યું, એટલે દેવોએ ત્યાં સુગંધી જલની વૃષ્ટિ કરી. તેની સુગંધ સૂંઘવા જટાયુ નામનો એક પક્ષીરાજ ત્યાં આવ્યો. બંને મુનિરાજ પાસેથી ધર્મોપદેશ સાંભળી જટાયુને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેને જિનધર્મમાં સ્થિર કરીને તે બંને મુનિ આકાશમાર્ગે શાશ્વત અરિહંત - પ્રતિમાઓને વંદન કરવા ગયા. આ બાજુ તીર્થકર ભગવંત શ્રી અજિતનાથ પ્રભુ વિચરતા હતા ત્યારે રાક્ષસદ્વીપમાં રહેલી લંકાનગરીમાં રાક્ષસવંશમાં ઘનવાહન નામે રાજા હતો. રાક્ષસોના ઇન્દ્ર ભીમે પોતાના પૂર્વજન્મના મોટા ભાઈ ઘનવાહનને રાક્ષસી વિદ્યા આપી હતી. તેથી તે રાક્ષસવંશ કહેવાયો. ઘનવાહનનો પુત્ર મહારાક્ષસ નામે થયો. તેનો પુત્ર દેવરાક્ષસ થયો. તે દીક્ષા લઈને મોક્ષે ગયો. એવી રીતે તે રાક્ષસવંશમાં ઘણા રાજાઓ થયા. અનુક્રમે શ્રી શ્રેયાંસનાથ ભગવાનના તીર્થમાં કીર્તિધવલ નામે રાક્ષસ રાજા થયો. તેણે વૈતાદ્યગિરિ ઉપરથી શ્રીકંઠ નામના ખેચરને લાવી વાનરદીપ વસાવ્યો. ત્યાં ત્રણસો યોજનાના વિસ્તારવાળા કિષ્કિન્ધ નામના પર્વત ઉપર કિષ્કિયા નામે નગરી તેની રાજધાની થઇ. ત્યાં રહેનારા સર્વે લોકો વાનરનું ચિહ્ન રાખતા હતા અને અનુક્રમે તેઓએ વાનર જેવું શરીર થાય તેવી વિદ્યા પણ સાધી હતી. તેથી તેઓ વાનર કહેવાયા. શ્રીકંઠ ખેચર પછી વજકંઠ ઇત્યાદિક ઘણાં રાજાઓ તેના વંશમાં થયા. ત્યારપછી ત્યાં શ્રી મુનિસુવ્રત પ્રભુના તીર્થમાં ઘનોદધિ નામે રાજા થયો. તે વખતે શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૧૭૩
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy