________________
અગ્યારમા ઉદ્ધારક : રામચંદ્રજી ) ભામંડલના આગ્રહથી દશરથ રાજા, ચારે પુત્રો, મંડલિક રાજાઓ, શાહુકારો અને રાણીઓ સાથે તીર્થયાત્રા કરવા ચાલ્યા. માર્ગમાં પાંચ પ્રકારના દાન આપી, ઘણું સુકૃત ઉપાર્જન કર્યું અને સ્થાને સ્થાને ચૈત્યોને નમતા અનુક્રમે શત્રુંજયગિરિ પર આવી જિનેશ્વરોને નમસ્કાર કર્યો. ત્યાં વિશાળ પ્રાસાદ કરાવ્યો તેમજ યથાવિધિ યાત્રા કરીને સંઘ સાથે પર્વત પરથી નીચે ઉતર્યા. આ રામચંદ્રજીએ કરાવેલ અગ્યારમો ઉદ્ધાર સમજવો.
(ઇતિ એકાદશમો ઉદ્ધાર:) આગળ ચાલતાં ચંદ્રપ્રભાસ નગરમાં સીતાએ પોતે કરાવેલા નવીન ચૈત્યમાં ચંદ્રપ્રભ પ્રભુની સ્થાપના કરીને ગુરુમહારાજ પાસે પ્રતિષ્ઠા કરાવી. પૂજાભક્તિ કરી, ગુરને પ્રતિલાભી તીર્થમાં પ્રભાવના કરી. ત્યાંથી રૈવતગિરિએ જઈ નેમિનાથ પ્રભુની પૂજા કરી, સુપાત્ર દાન આપી તીર્ણોદ્ધાર કર્યો. નજીકમાં બરટ (બરડો) નામના ગિરિને જોઇ કૈકેયી રાણી ઉત્સુક થઈ પતિની સંમતિથી રામાદિક પુત્રોને લઈ ત્યાં ગઈ. તે ગિરિ ઉપર બરડા રાક્ષસે કરાવેલું શ્રી નેમિનાથ પ્રભુનું ચૈત્ય હતું. તેમાં મોટો ઉત્સવ કરી યાચકોને ઘણું દાન આપ્યું અને તે ચૈત્યને જીર્ણ થયેલું જોઇ તેનો ઉદ્ધાર કર્યો અને પુનઃ શ્રી નેમિનાથ પ્રભુની સ્થાપના કરી. ઢંકાનગરીમાં કૌશલ્યાએ મોટું ચૈત્ય કરાવી શ્રી ઋષભદેવ ભગવાનની પ્રતિમાની ગુરુ પાસે પ્રતિષ્ઠા કરાવી. સુપ્રભાએ વલ્લભીનગરમાં શ્રી શાંતિનાથ પ્રભુનું ચૈત્ય તથા પ્રતિષ્ઠા મહોત્સવ કરાવ્યો. કાંડિલ્યનગરમાં રામે અને વામનગરમાં લક્ષ્મણે આદિનાથ પ્રભુનું ચૈત્ય કરાવ્યું. બીજા કુમારોએ, સામંતોએ, મંડલિકોએ અને ભામંડલે ભક્તિથી શ્રી અરિહંત પ્રભુના અનેક ચૈત્યો કરાવ્યા. એ રીતે દશરથ રાજા સર્વ તીર્થોની યાત્રા કરીને પોતાના નગરમાં પાછા વળ્યા. પછી સંસારથી ઉદ્વેગ પામેલા દશરથ રાજાએ સભામાં આવીને રાજ્ય આપવા માટે પોતાના પુત્રોને બોલાવ્યા. • શ્રી રામનો અરણ્યવાસ અને દશરથની દીક્ષા :
એ સમયે યોગ્ય અવસર જાણી કૈકેયીએ પોતાને પૂર્વે આપેલાં બે વરદાન રાજા પાસે માંગ્યા કે, “મારા પુત્ર ભરતને રાજય આપો અને રામને લક્ષ્મણની સાથે ચૌદ વર્ષ સુધી અરણ્યમાં મોકલો.” અકાળે વજપાત જેવું આ વચન સાંભળી દશરથ રાજાને મૂર્છા આવી. તે સાંભળી તરત રામ વનવાસ જવા તૈયાર થયા. એમની સાથે સીતા અને લક્ષ્મણ પણ ચાલ્યા. તેમના જવાથી, જેમ મસ્તક વિના શરીર ન શોભે તેમ
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૭૨