________________
ભગવંતને ચંદ્રનું લાંછન છે તેવું પિતાના મસ્તક ઉપર ચંદ્રનું ચિહ્ન કરાવ્યું. તે બંને મૂર્તિનો પ્રતિષ્ઠા ઉત્સવ પણ સારી રીતે કર્યો.
ત્યાર પછી ચંદ્રયશા શુભ દિવસે શુભ ભાવનાપૂર્વક સગર રાજાની જેમ સંઘ સહિત તીર્થયાત્રા કરવા ચાલ્યો. કેટલાક દિવસે ગુરુના કહેલા માર્ગે શત્રુંજય તીર્થમાં આવી વિધિપૂર્વક દાન-પૂજન આદિ સર્વ કર્યું. ત્યાં કેટલાક જીર્ણ થયેલા પ્રાસાદોને જોઇ ચંદ્રયશાએ આદરપૂર્વક પ્રાસાદનો ઉદ્ધાર કર્યો. પુંડરીક, રૈવત, આબુ અને બાહુબલિ વગેરે સર્વ શિખરોનો તેણે ભક્તિથી ઉદ્ધાર કર્યો. એ પ્રમાણે સર્વ તીર્થની યાત્રા અને ઉદ્ધાર કરી ચંદ્રયશા રાજાએ સદ્ગુરુ પાસે દીક્ષા ગ્રહણ કરી. લાખ પૂર્વ સુધી દીક્ષા પાળી, અષ્ટકર્મનો ક્ષય કરી કેવલજ્ઞાન મેળવીને અંતે મોક્ષસુખ પામ્યા. (ઇતિ નવમો ઉદ્ધાર)
શ્રી શાંતિનાથ ચરિત્ર
આ ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નગરમાં વિશ્વસેન નામે રાજા થયા. તેમને અચિરા નામે પટ્ટરાણી હતા. એક વખત રાત્રિના અવશેષ સમયે તેમણે બે વાર ચૌદ સ્વપ્નો જોયાં. તે દિવસે ભાદ્રપદ માસની શુક્લ સપ્તમીએ સર્વાર્થસિદ્ધ વિમાનથી ચ્યવીને પ્રભુ તેમની કુક્ષીમાં અવતર્યા. બે વાર ચૌદ સ્વપ્નો જોવાથી અત્યંત અને ચક્રવર્તી એમ બે પદવી ધરાવનાર પુત્રનો રત્નગર્ભા - પૃથ્વીની જેમ અચિરા દેવીએ ગર્ભ ધારણ કર્યો. સમય પૂર્ણ થતાં જેઠ માસની શુક્લ ત્રયોદશીએ શુભ મુહૂર્તે અચિરા દેવીએ પુત્રરત્નને જન્મ આપ્યો.
દિકુમારીઓએ, ઇન્દ્રોએ અને રાજાઓ વગેરેએ પ્રભુનો જન્મોત્સવ કર્યો. પિતાએ હર્ષથી ‘શાંતિ' એવું નામ પાડ્યું. અનુક્રમે યૌવનવય પામતાં સુવર્ણ જેવા વર્ણવાળા અને ચાલીસ ધનુષ ઉંચા દેહવાળા પ્રભુએ પિતાની આજ્ઞાથી રાજ્યનો ભાર સ્વીકાર્યો. પછી ચક્રરત્નને અનુસરી ભરતના છ ખંડ જીતી સુખેથી પોતાના રાજ્યનું પાલન કર્યું. ઘણા વર્ષો સુધી રાજ્ય પાળ્યા પછી જ્યેષ્ઠ માસની કૃષ્ણ ચતુર્દશીએ પ્રભુએ એક હજાર રાજાઓની સાથે વ્રત ગ્રહણ કર્યું. છદ્મસ્થપણે સર્વ દેશમાં વિહાર કરી, પ્રભુએ એક વખત હસ્તિનાપુરની પાસેના વનમાં નિવાસ કર્યો. ત્યાં પોષ માસની શુક્લ નવમીએ ઘાતીકર્મનો ક્ષય થતાં લોકાલોકને પ્રકાશિત કરનારું નિર્મળ કેવળજ્ઞાન તેઓ પામ્યા. પછી ત્યાંથી તે તે પ્રકારના સર્વ અતિશયોથી યુક્ત અને સર્વ દેવતાઓએ સર્વ પ્રકારથી સેવેલા પ્રભુ શત્રુંજયગિરિની પાસેના સિંહોદ્યાનમાં પધાર્યા.
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૧૫૯