________________
કરાવ્યો. તે માર્ગની નજીકમાં વાવ, વન, નદી અને ચૈત્યોથી રમણીય, તેમજ યાત્રિક લોકોની વિશ્રાંતિ માટે શ્રેષ્ઠ નગર વસાવ્યું. તે માર્ગે સંઘના લોકો સુખપૂર્વક શ્રી રેવતાચલ પર આરૂઢ થયા. ત્યાં ભવિષ્યમાં શ્રી નેમિનાથ પ્રભુનાં ત્રણ કલ્યાણકો થશે, એમ જાણીને ભરતેશ્વરે તે સ્થાને શિલ્પી પાસે એક રમણીય, વિશાલ ગગનચુંબી જિનપ્રાસાદ કરાવ્યો. તે સુરસુંદર નામે ઊંચો, ચાર દ્વારવાળો જિનપ્રાસાદ પ્રત્યેક દિશામાં અગિયાર અગિયાર મંડપોથી શોભી રહ્યો હતો. તે ચૈત્યમાં શ્રી નેમિનાથ ભગવંતની પાંડુર નેત્રવાળી નીલમણિમય મૂર્તિ શોભતી હતી. મુખ્ય શિખરથી એક યોજન નીચે પશ્ચિમ દિશામાં “સ્વસ્તિકાવર્તક' નામે શ્રી આદિનાથ ભગવંતનો વિશાલ જિનપ્રાસાદ કરાવ્યો. તેમાં પણ વિમલાચલની જેમ સુવર્ણ, રૂપ્ય, માણિક્ય, રત્ન અને ધાતુની જિનપ્રતિમાઓ ભરાવીને ગણધરો પાસે પ્રતિષ્ઠા કરાવી.
હર્ષથી પ્રેરાયેલ ઇન્દ્ર ઐરાવણ હાથી પર બેસી આકાશમાર્ગે શ્રી નેમિનાથ પ્રભુને વંદન કરવા માટે ત્યાં આવ્યા. ત્યાં ઐરાવણના બલવાન એક ચરણ વડે પૃથ્વીને દબાવીને પ્રભુના પૂજન માટે ગજેન્દ્રપદ નામે એક કુંડ કર્યો. તે કુંડમાં ત્રણે જગતની નદીઓના અભુત પ્રવાહો પડવા લાગ્યા. તેથી તે ખૂબ પ્રભાવશાળી થયો.
ધરણેન્દ્ર પણ નેમિનાથ પ્રભુની ભક્તિથી એક બીજો કુંડ કરાવ્યો. લાખ્ખો નદીઓ અને ઇદોનાં પવિત્ર જલવાળો તે કુંડ નાગઝર નામે પ્રખ્યાત થયો. વળી ભક્તિવાળા ચમરેન્દ્ર પણ માયૂરનિઝર નામે મોટો કુંડ કરાવ્યો. તે સિવાય ત્યાં બીજા સૂર્ય, ચન્દ્રના કરેલા કુંડો છે, કે જેનો પ્રભાવ વચનથી કહી શકાય તેમ નથી. તે કુંડના જલના સ્પર્શમાત્રથી કુષ્ટરોગ પણ ચાલ્યા જાય છે. વળી એક મહા પ્રભાવવાળો મોટો અંબાકુંડ ત્યાં છે કે, જેના જલના સેવનથી દુસ્તર એવો હત્યાદોષ નાશ પામે છે. બીજા કેટલાક કુંડો દેવતાઓએ પોત પોતાના નામથી ત્યાં નિર્માણ કરેલા છે. જેઓનો પ્રભાવ અને સિદ્ધિ તે તે દેવતાઓ જ જાણે છે. તે અવસરે ત્યાં દેવતાઓએ ભક્તિથી લાવેલા દિવ્ય પુષ્પોથી સૌધર્મેન્દ્ર નેમિનાથ પ્રભુની પૂજા કરી.
આ બાજુ ભરત રાજાએ ગજેન્દ્રપદ કુંડમાં સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્રો પહેરી, નેમિનાથ પ્રભુની પૂજા કરી, મંગલદીપ સહિત આરતી ઉતારી. પછી પ્રભુ સામે દૃષ્ટિ કરીને સ્તવના કરી...
હે અમેય ગુણરત્નના સાગર, અપાર કૃપાના આધાર અને સંસારતારક, હે શિવાદેવીના પુત્ર નેમિનાથ પ્રભુ ! આપ જય પામો.
હે કૃપાલુ સ્વામી ! હું અંધકારમાં મગ્ન થયેલો અને સંસારથી ઉદ્વેગ પામેલો છું. તો આપ આપનાં સહજ તેજથી મારો ઉદ્ધાર કરો.
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૧૧૩