________________
પાપકર્મનો પ્રલય કરનારા હે નાથ ! આપ એવું કરો કે જેથી વિષયોરૂપી ગ્રહને વળગનારા મારા સંકલ્પો અલ્પ થઇ જાય.
હે જગત્પત્તિ ! આપની કૃપાથી પરમ આનંદસ્વરૂપ હૃદયમાં નિમગ્ન થઇ રહેલા મને સમકિતની પ્રાપ્તિ થાઓ.
આ પ્રમાણે શ્રી નેમિનાથ પ્રભુની ભાવપૂર્વક સ્તુતિ કરીને પોતાના આવાસમાં આવી ઉત્તમ આહાર કર્યો. દાનશાળામાં યાચકોને દાન આપ્યું. તે સમયે અનેક વર્ણવાળા રત્નોથી મઢેલી હોય તેવી ભૂમિ અને આકાશને રંગબેરંગી કરતી રૈવતાચલ ગિરિવરની શોભા જોઇને શક્તિસિંહને કહેવા લાગ્યા. આ રૈવતાચલની પાસે બીજો કોઇ પર્વત સમાનતાને પામતો નથી. આ ગિરિરાજ લક્ષ્મીનો ક્રીડા પર્વત છે, મોક્ષનું સ્થાન છે. આ ગિરિરાજને જોતાં જ મારું ચિત્ત પરમ આનંદ પામે છે.
ત્યારે શક્તિસિંહે કહ્યું, ‘હે સ્વામી ! આ રૈવતગિરિને શ્રી જિનેશ્વર ભગવંતે શત્રુંજયનું પાંચમું શિખર કહેલું છે. ઉત્સર્પિણીકાલમાં અનુક્રમે આ ગિરિની ઉંચાઇનું માન પહેલા આરામાં સો ધનુષ્યનું, બીજા આરામાં બે યોજનનું, ત્રીજામાં દશ યોજનનું, ચોથામાં સોળ યોજનનું, પાંચમામાં વીસ યોજનનું અને છઠ્ઠા આરામાં છત્રીસ યોજન રહેશે. તેવી જ રીતે અવસર્પિણીકાલમાં તે પ્રમાણે તે હીન હીન થતો જશે. તેથી આ શાશ્વતગિરિ સર્વ પાપને હરનારો છે. તે તે આરામાં કૈલાસ, ઉજ્જયંત, રૈવત, સ્વર્ણગિરિ, ગિરનાર અને નંદભદ્ર - એમ અનુક્રમે તેનાં નામો ગણાય છે. આ ગિરિ પર અનંત તીર્થંકરો આવેલા છે ને આવશે, તેમજ અનેક મુનિઓ સિદ્ધિ પામ્યા છે અને પામશે. તેથી આ તીર્થ મોટું છે.
આ પ્રમાણે શક્તિસિંહે ભરતેશ્વરની સમક્ષ રૈવતગિરિનું વર્ણન કર્યા પછી વાયવ્ય દિશામાં એક ગિરિને જોઇ ભરતેશ્વરે શક્તિસિંહને પૂછ્યું, આ કયો ગિરિ શોભે છે ? શક્તિસિંહે કહ્યું, ‘એક કુમતિવાળો બરટ નામનો વિદ્યાધર રાક્ષસી વિદ્યા સાધી તે પર્વત પર રહેલો છે. તે ક્રૂર રાક્ષસથી અધિષ્ઠિત થયેલો આ પર્વત તેના નામથી જ વિખ્યાત છે. ભયંકર રાક્ષસોથી પરીવરેલો અને આકાશગામિની વિદ્યા વડે ગગનમાં ફરતો એ દુર્દાત - રૌદ્ર રાક્ષસ મારી આજ્ઞાને પણ માનતો નથી અને આ દેશને પણ ઉદ્વેગકારી થયો છે. આવું સાંભળી ક્રોધાતુર થયેલા ભરતે પોતાના સેનાપતિ સુષેણને તેને જીતવા માટે જવાની આજ્ઞા કરી. સુષેણે ત્યાં જઇ, યુદ્ધ કરીને બટને પકડીને ચક્રવર્તીના ચરણમાં નમાડ્યો. દીન અને મ્લાન મુખવાળા તે રાક્ષસને જોઇને શક્તિસિંહ દયા લાવી બોલ્યો :
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૧૧૪