________________
પ્રાકૃતવિશારદ ધર્મરાજા
પ. પૂ. આચાર્ય શ્રી વિજય કસ્તૂરસૂરિજી મ. સા.નું જીવનચરિત્ર
GTONES ગુજરાતનું પાટનગર રાજનગર. તેની કોઈ ગલી, પોળ કે ખાંચો એવી નહીં હોય કે જેમાં એક પણ જિનાલય, પૌષધશાળા
કે ઉપાશ્રય ન હોય. રસ્તે ચાલતા કોઈ પણ ગુરુ મહારાજના દર્શન ન થાય. બસ આ જ કારણે ત્યાં રહેતા દરેક વ્યક્તિના હૃદયમાં દેવ-ગુરુ-ધર્મ એ ત્રણે તત્ત્વો બિરાજમાન હતાં.
જન્મ : તે અમદાવાદના માણેકચોકવિસ્તારમાં ક્ષેત્રપાળપોળ છે. ત્યાં ફત્તેચંદ નાનચંદ કીનખાબવાળાનું કુટુંબ રહેતું. ધર્મકર્મનિષ્ઠ આ કુટુંબમાં સુશ્રાવક અમીચંદભાઈ અને ધર્મપત્ની ચંપાબેન, એ બંને વ્યક્તિ પણ એટલી જ શ્રદ્ધાવાળી હતી. સં ૧૯૫૭ના પોષ વદ ૧ના દિવસે ચંપાબેને પુત્રરત્નને જન્મ આપ્યો. પુત્રની કાંતિને જોઇને માત-પિતાએ કાંતિલાલ નામ પાડ્યું. કાંતિલાલના બીજા બે ભાઈ પણ ખરા રતિલાલ-હિંમતલાલ બધાની સાથે-સાથે હળતા-ભળતા ત્રણે ભાઈઓ મોટા થવા લાગ્યા.
મનસુખભાઈ શેઠની પોળમાં આવેલ જૈન વિદ્યાશાળામાં ત્રણે બાળકો ભણતા હતા. પરંતુ કાંતિલાલનું મન તો ભણવામાં માનતું નહીં. તે તો ભઠીની બારીમાં આવેલ વીરવિજયજી મ.ના ઉપાશ્રયમાં મુનિ શ્રી પ્રતાપવિજયજી પાસે જ રહી એમની વૈયાવચ્ચભક્તિ વગેરે કરતો. સંસારીપક્ષે કાકા મ. શ્રી સિદ્ધિસૂરિજી મ.(બાપજી મ.) અને ફોઇ મ. સા. શાંતિશ્રી આદિ પાસે પણ જાય. ઉપાશ્રયમાં રહેવું ગમે. આમ પણ ઉચ્ચ કુળમાં જન્મેલ અને આવા મહાપુરુષો પાસે શિક્ષા પામેલ વ્યક્તિ શું સંસારમાં આસક્ત હોય ખરો ?
બસ ! પછી તો પૂર્વભવના સંસ્કારને અને સાથે-સાથે સંસારત્યાગની વાતને પણ વેગ મળ્યો, વાત અટકી તો માત્ર ગુરુ કોણ ? એ પ્રશ્ન.
એ પ્રશ્નના ઉત્તર માટે પણ રાહ જોવી ન પડી. સંયોગ થયા કે પૂ. શાસનસમ્રા આચાર્ય શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મ. અમદાવાદ-પાંજરાપોળ પધાર્યા. આકર્ષક વ્યક્તિત્વ, અપૂર્વ તેજ, અને અનાહત પ્રતિભા, ગમી ગયું અહીં કાંતિલાલને. બસ ! હવે અહીં જ આવવું, બેસવું, ભણવું. એ જ ક્રમ બની ગયો. અહીં તે પૂ. પંન્યાસ શ્રી વિજ્ઞાનવિજયજી મ. પાસે ભણતો. સંપર્ક ગાઢ થયો, સાથે સાથે વૈરાગ્ય પણ.
દીક્ષા: સં ૧૯૭૬. પૂ. શાસનસમ્રાશ્રી મારવાડમાં વિહાર કરી તે ભૂમિને પાવન કરી રહ્યા હતા. કાંતિલાલને વિચાર આવ્યો કેર : “ઘરવાળા આમ દીક્ષા આપવાના નથી. પરવાગી માટે પણ કેટલી રાહ જોવી ? હવે તો માત્ર ભાગીને દીક્ષા લેવી તે એક જ માર્ગ છે, તેનો જ આશ્રય લઉં.” પછી આ વિચારને સાકાર કરતું પગલું લીધું અને પહોંચ્યા સીધા મેવાડમાં વિચરતા પૂ. વિજ્ઞાનવિજય મ. પાસે. નાવલી સ્ટેશન પાસેના ખેતરમાં ચારિત્ર મેળવ્યું. સાથે નામ મુનિ કસ્તૂરવિજયજી.